Abtak Media Google News

રાજકોટ જિલ્લામાં બિપરજોયની અસર કાલે રાતથી શરૂ થઈ જશે

આવશ્યક ચીજ વસ્તુઓ આજે ખરીદી લેવી, કાલ રાતથી ગુરૂવાર આખો દિવસ અસર વર્તાશે: માલઢોરને ખુલ્લા મૂકી દેવા: રૂફટોપ ઉતારી લેવાની સલાહ

રાજકોટ જિલ્લામાં બિપરજોયની અસર કાલે રાતથી શરૂ થઈ જશે. જેમાં 80થી 100ની ઝડપે પવન ફૂંકાઇ શકે છે એટલે લોકોએ બહાર ન નીકળવુ. તેમ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું છે.

બિપરજોય વાવાઝોડાની અસર રાજકોટ જિલ્લામાં ગઈકાલથી જ દેખાવા લાગી છે. ગઈકાલે ભારે પવન સાથે વરસાદ પડ્યા બાદ આજે પણ આવી જ સ્થિતિ યથાવત રહી છે. જે અંગે આજે જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું કે આવતીકાલે બુધવારે રાતથી જ વાવાઝોડાની અસર વર્તાવાનું શરૂ થવાનું છે. જેની અસર ગુરુવારે આખો દિવસ પણ રહેવાની છે. આ દરમિયાન 80થી 100ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. એટલે સાવચેતીના ભાગરૂપે લોકોએ બહાર નીકળવાનું ટાળવું જોઈએ.

વધુમાં જિલ્લા કલેકટરે જણાવ્યું કે લોકોએ આવશ્યક ચીજ વસ્તુઓ ખરીદી લેવી જોઈએ જેથી તા.15એ બહાર નીકળવાની જરૂર ન પડે. માલઢોરને ખુલ્લા મૂકી દેવા જોઈએ જેથી તેઓ તેનો બચાવ કરી શકે. લોકોએ ઘરની છત ઉપર લાગેલ રૂફટોપ ઉતારી લેવા જોઈએ. વધુમાં જિલ્લા કલકેટર દ્વારા આજે ગૃહમંત્રી અમિત શાહ દ્વારા લેવામાં આવેલી વીડિયો કોનફરન્સમાં પણ રાજકોટ જિલ્લાને લગતી તમામ તૈયારીઓ વિગતો આપી હતી.

જેતપુર, ધોરાજી અને ઉપલેટામાં વધુ અસર થવાની ભીતિ

રાજકોટ જિલ્લામાં જેતપુર, ધોરાજી અને ઉપલેટામાં વધુ અસર થવાની ભીતિ સેવાઈ રહી છે. આ તાલુકાઓમાં નીચાણવાળા વિસ્તાર વધુ હોય જેને પગલે આ વિસ્તારમાં પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું છે. વધુમાં જિલ્લા કલકેટર અને એસપી ધોરાજી સહિતના સ્થળોએ રૂબરૂ જઈને ત્યાની સ્થિતિની સમીક્ષા પણ કરી છે.

જિલ્લામાં કુલ 4031 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર

રાજકોટ જિલ્લામાં કુલ 4031 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે.જેમાં શહેરી વિસ્તારમાં ઉપરાંત માલિયાસણ, કુવાડવા, આણંદપરમાંથી 250 પરિવારોને સુરક્ષિત સ્થળે લઈ જવાયા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.