મોડી રાત્રે ત્રાટકેલી ગેંગે બે માળના મકાનને નિશાન બનાવી ગ્રીલ-ડેલી તોડી ઘૂસ્યા : સીસીટીવી કેમેરા તોડી રોકડ અને દાગીનાની ઉઠાંતરી કરી : બંગાળી વેપારીની પેઢીમાં 25 જેટલા કારીગરો કામ કરે છે : સીસીટીવી ફૂટેજ પર તપાસ કેન્દ્રિત
રાજકોટના સોનીબજારમાં મધરાત્રે ત્રાટકેલી તસ્કર ગેંગે પોલીસની રહી સહી આબરૂનું પણ ધોવાળ કરી નાખી બંગાળી સોની વેપારીની પેઢીને નિશાન બનાવી ડેલી અને રૂમના દરવાજા તોડી ઉપર-નીચે આવેલી મુરલી ઓર્નામેન્ટ નામની પેઢીના તાળા નકુચા તોડી 80 લાખની રોકડ અને સોનુ ઉઠાવી ગયાની પોલીસમાં જાહેરાત થતા સનસનાટી મચી જવા પામી છે.
આ ઘટના અંગેની જાણવા મળતી વિગત મુજબ સોની બજાર સવજીભાઇની શેરીમાં આવેલ દિપાલી બિલ્ડીંગ પાસે આવેલ મુરલી ઓર્નામેન્ટમાં સવારે ચોરી થયાની જાણ થતા એ-ડિવીઝન પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો.
પોલીસની પૂછપરછમાં હાથીખાનામાં રહેતા બંગાળી વેપારી મોહિન અલી મલીકની સવજીભાઇની શેરીમાં આવેલ મુરલી ઓર્નામેન્ટ પેઢીમાં મધરાત્રે ત્રાટકેલા બે માળના મકાનમાં આવેલી પેઢીની લોખંડની ગ્રીલ અને દરવાજા તોડી તસ્કરો મકાનમાં ઘૂસ્યા હતાં.
તસ્કરોએ સીસીટીવી તોડી નાખ્યા બાદ નીચેના ભાગે આવેલી પેઢીની ઓફિસના તાળા નકુચા તોડી નીચેના રૂમમાંથી અંદાજે 5 થી 7 લાખની રોકડ રકમની ઉઠાંતરી કરી હતી.
ત્યારબાદ તસ્કરોએ ઉપરના રૂમમાં સોનાના દાગીના બનાવવાનું જ્યાં કામ થતું હતું તે રૂમના તાળા તોડી તેમાંથી અંદાજે 75 લાખ રૂપિયાનું કાચુ સોનુ અને તૈયાર દાગીના મળી કુલ 80 લાખની માલમત્તાની ચોરી કરી તસ્કરોએ પોલીસને ખૂલ્લો પડકાર ફેંક્યો છે.
આ ઘટનાની એ-ડિવીઝન પોલીસ મથકમાં જાહેરાત થતા પી.એસ.આઇ. જે.એમ. ભટ્ટ પોલીસ કાફલા, ડોગ સ્કવોડ, ફિંગરપ્રિન્ટ નિષ્ણાંતો સાથે ઘટનાસ્થળે દોડી ગયો હતો જ્યારે ક્રાઇમ બ્રાન્ચ પણ મદદે દોડી જઇ સઘન તપાસ હાથધરી છે.પોલીસ દ્વારા સોની બજાર વિસ્તારના સીસીટીવીના ફૂટેજ એકઠા કરી તે દિશામાં તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે.
પોલીસની 5ૂછપરછમાં હાથીખાનામાં રહેતા બંગાળી વેપારી મોહીન અલી મલીક અને તેનો પુત્ર શરીફ અલી મલીક છેલ્લા આઠ વર્ષથી રાજકોટમાં સોનાના દાગીના બનાવવાની પેઢી ધરાવે છે.
સોની વેપારી પેઢીમાં 25 જેટલા કારીગરો કામ કરે છે ત્યારે કોઇ જાણભેદુ એ તો માહિતી નથી આપીને તે મુદ્ા પર પણ પોલીસે તપાસ કેન્દ્રિત કરી કારીગરોની સઘન પૂછપરછ હાથ ધરી છે.
મુરલી ઓર્નામેન્ટમાં એક જ પરિવારના પાંચ ભાગીદાર
સોનીબજાર સવજીભાઇની શેરીમાં આવેલી સોનાના દાગીના બનાવતી પેઢી મુરલી ઓર્નામેન્ટમાં 80 લાખની ચોરી થઇ છે ત્યારે પોલીસ તપાસમાં ફરિયાદી મોહીન અલી મલીક તેના બે પુત્રો, પત્ની અને ભાઇ ભાગીદાર હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે આ પેઢીમાં 25 જેટલા બંગાળી કારીગરો કામ કરતા હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું છે.
સી.સી.ટી.વી. અને ડિવીઆર તોડી તસ્કરો ઉઠાવી ગયા
રાજકોટની સોનીબજાર સવજીભાઇની શેરીમાં મધરાત્રે ત્રાટકેલી તસ્કર ગેંગે બંગાળી વેપારીની દાગીના બનાવતી પેઢીને નિશાન બનાવી લોખંડની ગ્રીલ તોડી સી.સી.ટી.વી. કેમેરા અને ડીવીઆર તોડી નાખ્યા બાદ પોતાની સાથે લેતા ગયા હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું છે.
લોકર તૂટ્યૂ હોત તો ચોરીનો આંક કરોડોમાં પહોંચ્યો હોત
રાજકોટની સોની બજાર સવજીભાઇની શેરીમાં બે માળના મકાનમાં ચાલતી મુરલી ઓર્નામેન્ટ પેઢીને તસ્કરોએ નિશાન બનાવી 80 લાખની રોકડ, સોનાના દાગીના અને કાચુ સોનુ ઉઠાવી ગયા છે ત્યારે તસ્કરોએ બે માળની દાગીના બનાવતી પેઢીમાં રહેલી તીજોરી તોડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તીજોરી નહીં તૂટતા તેમાં રહેલું અલગ-અલગ સોની વેપારીનું લાખો રૂપિયાનું સોનુ બચી ગયું હતું. બંગાળી વેપારીના જણાવ્યા પ્રમાણે જો લોખંડની તીજોરી તૂટી ગઇ હોત તો ચોરીનો આંક લાખોમાં નહીં પરંતુ કરોડો રૂિ5યામાં પહોંચી ગયો હોત.
સોની બજારમાં ચોરાયેલું 1400 ગ્રામ સોનુ જુદા-જુદા વેપારીઓનું હતુ
સોની બજાર સવજીભાઇની શેરીમાં દિપાલી ચેમ્બર્સમાં બે માળના મકાનમાં બંગાળી વેપારી મોહીન અલી મલીક દ્વારા જુદા-જુદા સોની વેપારી પાસેથી દાગીના પાલીસ કરવાનું 25 કારીગરો દ્વારા કામ કરવામાં આવતું હતું. જેમાં બંગાળી વેપારીની પેઢીમાંથી ચોરાયેલ કાચુ સોનુ અને તૈયાર દાગીના જુદા-જુદા સોની વેપારીના હોવાનું જાણવા મળ્યું છે ત્યારે ચોરાયેલ સોનાના દાગીનાનો ડામ સોની વેપારીને આવશે તેમ જાણકારોમાં ચર્ચાઇ રહ્યું છે.
સોની બજારમાં સોની વેપારીઓ દ્વારા વિશ્ર્વાસે કાચી ચીઠ્ઠી પર બંગાળી વેપારી કારીગરોને સોનાના દાગીના છડવા કે પાલીસ કરવા પર આવતા હોય આવી ઘટના બને ત્યારે છેલ્લે સોની વેપારીઓને દાઝ્યા પર ડામ આવતા હોય છે.ડી.સી.પી. પ્રવિણ કુમાર મીણા ઘટનાસ્થળે દોડી જઇ તપાસ કર્યા બાદ બંગાળી વેપારીની પેઢીમાંથી 1400 ગ્રામ સોનું ચોરાયું હોવાનું જણાવ્યું હતું.
તાળુ મજબૂત મારવાથી કોઇ ફેર ન પડે દરવાજા મજબૂત હોવા જોઇએ
રાજકોટની સોનીબજાર સવજીભાઇની શેરીમાં ત્રાટકેલી તસ્કર ગેંગે પોલીસતંત્રને ખૂલ્લો પડકાર ફેંક્યો છે ત્યારે બંગાળી વેપારીની મુરલી ઓર્નામેન્ટમાં તસ્કરો ત્રાટકી 80 લાખનું સોનુ અને રોકડ ઉઠાવી ગયા છે જેમાં પોલીસ તપાસમાં તસ્કરોએ પેઢીનું તાળુ તોડવાનો પ્રયાસ કર્યો હતો પણ તાળુ મજબૂત હોવાના કારણે નહી તૂટતા તસ્કરો દરવાજો તોડી નાખી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.