- આચારસંહિતા માટે અલાયદી ખાસ 8 ટીમો ઉપરાંત ફલાઈંગ સ્કવોડની 24, સ્ટેટીક સર્વેલન્સની 24, વીડિયો સર્વેલન્સની 16, વીડિયો વ્યુઇંગની 8 ટિમો કાર્યરત : ધડાધડ 10 જાહેરનામા પ્રસિદ્ધ
ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામન્ય ચૂંટણી – 2024ની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત 10 – રાજકોટ સંસદીય મતવિસ્તારની ચૂંટણી સંદર્ભે રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી તથા જિલ્લા કલેકટર પ્રભવ જોષીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.
આ તકે જિલ્લા કલેકટર પ્રભવ જોષીએ જણાવ્યું હતું કે, આચારસંહિતાની ચુસ્ત અમલવારી માટે તાલીમ સાથે ફલાઈંગ સ્કવોડની 24, સ્ટેટીક સર્વેલન્સની 24, વીડિયો સર્વેલન્સની 16, વિડિયો વ્યુઇંગની 8 અને આદર્શ આચારસંહિતાના અમલ માટે 8 ટીમ કાર્યરત કરવામાં આવી છે. તેમજ આચારસંહિતા અમલમાં આવતા બેનર, હોર્ડિંગ્સ, ઝંડી, પોસ્ટર, ભીત, લખાણો અને કટઆઉટ દૂર કરવાની કામગીરી શરૂ થઈ ચૂકી છે.
રાજકોટ જિલ્લામાં 12/04/24ના રોજ ચૂંટણી પંચનું જાહેરનામું બહાર પાડવામાં આવશે. તેમજ ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તા.19/04/24ના રહેશે. ઉમેદવારી પત્રોની ચકાસણી તા.20/04/24ના રોજ હાથ ધરવામાં આવશે. જ્યારે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તા.22/04/24 છે. તેમજ મતદાનની તા.07/05/24 અને મતદાનની મત ગણતરી તા.04/06/24ના રોજ કરવામાં આવશે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પૂરી કરવાની છેલ્લી તારીખ તા.06/06/24 રહેશે.
આ તકે જિલ્લા વિકાસ અધિકારી નવનાથ ગવ્હાણે, ગ્રામ્ય પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ, અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એન.કે.મુછાર, અધિક નિવાસી કલેકટર ચેતન ગાંધી, ડી.સી.પી. સજજન સિંહ પરમાર, ડી.સી.પી. ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ, ચૂંટણી મામલતદાર મહેશ દવે સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લામાં 23.42 લાખ મતદારો લોકસભાની ચૂંટણીમાં કરી શકશે મતદાન
જિલ્લામાં તા.16-03-2024ની મતદાર યાદી મુજબની સ્થિતિએ 8 વિધાનસભા મતદાર વિભાગમાં કુલ 23,42,785 મતદારો નોંધાયેલા છે જેમાં પુરુષ મતદારો 12,13,820, સ્ત્રી મતદારો 11,28,919 તથા થર્ડ જેન્ડર મતદારો 46 છે. જ્યારે 10 – રાજકોટ સંસદીય મતદાર વિભાગમાં સમાવિષ્ટ સાત વિધાનસભા મતદાર વિભાગમાં કુલ 21,04,519 મતદાર નોંધાયેલા છે, જેમાં પુરુષ મતદારો 10,89,546, સ્ત્રી મતદારો 10,14,938 તથા થર્ડ જેન્ડર મતદારો 35 છે તેમ જિલ્લા ક્લેક્ટરએ જણાવ્યું હતું.
56 બુથ મહિલા, 8 બુથ દિવ્યાંગ અને 1 બુથ યુવા સંચાલિત હશે
કલેકટરે કહ્યું હતું કે, ખર્ચને લગતી ટેલીફોનિક ફરિયાદ માટે જિલ્લા કક્ષાએ કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો છે, જેના ટોલ ફ્રી નંબર 1800-233-0322 ઉપર નાગરિક ફરિયાદ કરી શકશે. તદુપરાંત ખાસ કેટેગરી મતદાન મથકોમાં મહિલા સંચાલિત 56, દિવ્યાંગ સંચાલિત 8, યુવા સંચાલિત 1 અને મોડલ પોલિંગ સ્ટેશનમાં 8 મતદાન મથક રહેશે. કુલ મતદાન મથકોના 50% લેખે 1118 મતદાન મથકો ઉપર વેબકાસ્ટિંગ કરવામાં આવશે.
જિલ્લામાં 11,600 થી વધુ પ્રચારાત્મક બેનર, પોસ્ટર, કટઆઉટ દૂર કરાયા
જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોષીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ જગ્યાઓ પરથી અનધિકૃત પ્રચારાત્મક બેનર, લખાણો, પોસ્ટર, કટ આઉટ વગેરે દુર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરી અંતર્ગત રાજકોટ જિલ્લામાંથી કુલ 11,600 થી વધુ લખાણો અને પ્રચારાત્મક સામગ્રી દૂર કરવામાં આવી છે. સમગ્ર રાજકોટ જીલ્લામાં જાહેર જગ્યામાંથી 1066 દીવાલ પરના લખાણો, 3574 પોસ્ટરો,3171 બેનરો અને 1432 અન્ય મળીને કુલ 9243 અને અંગત જગ્યાઓએથી 1563 દીવાલ પરના લખાણો, 391 પોસ્ટરો,173 બેનરો અને 261 અન્ય મળીને કુલ 2388 કેસ અંતર્ગત પ્રચારાત્મક સામગ્રી દૂર કરવામાં આવી છે. સમગ્ર રાજકોટ જિલ્લામાં વિવિધ જગ્યાઓએથી 11,600 થી વધુ પ્રચારાત્મક સામગ્રી દુર કરવામાં આવી છે.
લોકશાહીના આ પર્વમાં મતદાન કરીને અવશ્ય જોડાવો : કલેકટર
નાગરિકોને લોકશાહીના પર્વમાં મતદાન કરીને ઉત્સાહપૂર્વક જોડાવાની અપીલ કરતા જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોષીએ ઉમેર્યું હતું કે, મતદાનનો અધિકાર પવિત્ર અધિકાર છે ત્યારે લોકશાહીને મજબૂત કરવા દરેક નાગરિકે મતદાન કરવું જોઈએ. તેમજ મતદાન જાગૃતિ માટે સ્વિપ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાશે.
ચૂંટણી પ્રચાર વિષયક સાહિત્ય છાપનાર મુદ્દક તથા પ્રકાશકે ત્રણ દિવસમાં ડેક્લેરેશન રજુ કરવું પડશે
કોઈપણ વ્યક્તિ કે સંસ્થા ચૂંટણીને લગતા ચોપાનીયા કે ભીતત્રો છાપી શકશે નહી કે છપાવવાની વ્યવસ્થા કરી શકશે નહી. સિવાય કે, તેની સહીવાળા અને તેને અંગત રીતે ઓળખતી હોય તેવી બે વ્યક્તિઓએ શાખ કરેલ પ્રકાશકની ઓળખ અંગેના એકરારની બે નકલ તેણે મુદ્દકને આપી હોય અને લખાણ છપાયા પછી મુદ્દકે ત્રણ દિવસમાં લખાણની એક નકલ સાથે એકરારપત્રની એક નકલ જીલ્લા મેજીસ્ટ્રેટની કચેરીને તથા સબંધિત ચૂંટણી અધિકારીની કચેરીને મોકલી હોય. છાપેલા ચૂંટણી અંગેના કોઈ ચોપાનીયા કે ભીતપત્રો કે આવી અન્ય સામગ્રી પર મુદ્રક પંક્તિમાં મુદ્રક અને પ્રકાશકના પુરા નામ, સરનામા અને ફોન, મોબાઈલ નંભર દર્શાવવાના રહેશે. મુદ્દકે પ્રકાશક પાસેથી મેળવેલ એકરારપત્ર જોડણ-ક અને જોડાણ-ખ ના નિયત નમુનામાં છાપકામ કર્યાના ત્રણ દિવસની અંદર જીલ્લા મેજીસ્ટ્રેટ કચેરી તથા સબંધિત ચૂંટણી અધિકારીને રજુ કરવાની રહેશે.
જાહેરાત – જીંગલ્સનું પ્રસારણ ડીસ્ટ્રીકટ લેવલ કમિટીનું પ્રમાણપત્ર મેળવ્યા બાદ જ કરવા સૂચના
ટેલીવિઝન ચેનલ અને કેબલ નેટવર્ક પર જાહેરાત આપવા વિચારતા દરેક નોંધાયેલ રાજકીય પક્ષ અને ચૂંટણી લડતા ઉમેદવારે આવી જાહેરાત ટેલીકાસ્ટના સુચિત આરંભની તારીખથી મોડામાં મોડા ત્રણ દિવસ અગાઉ અરજી કરવાની રહેશે. બીજી કોઈ વ્યક્તિ અથવા બિન નોંધાયેલ રાજકીય પક્ષો, સંસ્થા વગેરેએ આવી જાહેરાત ટેલીકાસ્ટના સુચિત આરંભની તારીખથી મોડામાં મોડા સાત દિવસ અગાઉ અરજી કરવાની રહેશે.ઈલેક્ટ્રોનીક ફોર્મમાં સુચિત જાહેરાતની બે નકલ તેમજ તેની યોગ્ય રીતે પ્રમાણીત કરેલ બે નકલ અરજી સાથે જોડવાની રહેશે. આવી જાહેરાત, જીજીંગલ્સ, ઈન્સર્શન્સ, બાઈટસ વગેરેનું સર્ટીફીકેશન મેળવવા માટેની અરજી જીલ્લા કક્ષાની મીડીયા સર્ટીફીકેશન એન્ડ મોનીટરીંગ કમીટીના સભ્ય સચિવ અને સંયુક્ત માહિતિ નિયામક, જયુબેલી બાગ, રાજકોટને કરવાની રહેશે.
ઉમેદવારી કરતી વેળાએ પાંચ જ વ્યકિતઓને જ કચેરીના દાખલ થવાનું રહેશે
ઉમેદવારી પત્રો રજુ કરવા માટે ચૂંટણી અધિકારી નિર્દિષ્ટ મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીમાં ઉમેદવાર અથવા તેના દરખાસ્ત કરનાર અને અન્ય ચાર મળી પાંચ વ્યક્તિઓ જ પ્રવેશી શકશે. માન્યતા પ્રાપ્ત સિવાયના પક્ષ તેમજ અપક્ષ ઉમેદવારોના દરખાસ્ત કરનારાની સંખ્યા દસ હોય તેઓના કિસ્સામાં પણ પ્રથમ તબકકે ઉમેદવાર અને અન્ય ચાર તેમજ જરૂર જણાય તો પ્રથમ ઉમેદવાર સાથે ગયેલા ચાર દરખાસ્ત કરનારા ચૂંટણી અધિકારીની કચેરીમાંથી બહાર નીકળી જાય ત્યારબાદ બાકીના ચાર અને ત્યારબાદ અન્ય બે દરખાસ્ત કરનારાઓ ચૂંટણી અધિકારીની કચેરીમાં પ્રવેશી શકશે. એટલે કે કોઈપણ સુચિત ઉમેદવારે તેમના ટેકેદારો, દરખાસ્ત કરનારાઓ કે સમર્થકો સાથે ચારથી વધુ સંખ્યામાં ચૂંટણી અધિકારી/નિર્દિષ્ટ મદદનીશ ચૂંટણીઅધિકારીની કચેરીમાં પ્રવેશ કરવો નહીં. ઉમેદવારી પત્ર રજુ કરવા આવતા સમયે ચૂંટણી અધિકારી કે મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરી આસપાસના 100 મીટરના વિસ્તારમાં વધુમાં વધુ ત્રણ વાહનો સાથે પ્રવેશી શકાશે. ત્રણથી વધુ વાહનો સાથે કચેરીના 100 મીટરના વિસ્તારમાં કોઈએ પ્રવેશવું નહી.
મતદાનને છેલ્લા 48 કલાકમાં બલ્ક એસએમએસ કરવા ઉપર પ્રતિબંધ
મોબાઈલ સર્વિસ આપતી કંપનીઓ જેવી કે, વોડાફોન-આઈડીયા, સી.એસ.એન.એલ. (સેલ વન), રીલાયન્સ(જીયો), એરટેલ, ટાટા ટેલીકોમ્યુનીકેશન વિગેરે જેવી કંપનીઓએ રાજકોટ શહેર સહિત સમગ્ર રાજકોટ જીલ્લા વિસ્તારમાં કાયદાનો ભંગ થાય તેવા તેમજ ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનો ભંગ થાય તેવા તથા ભારતના ચૂંટણી પંચ ધ્વારા બહાર પાડવામાં આવેલ આદેશો/સુચનાઓનો ભંગ થાય તેવા અને મુક્ત, ન્યાયી અને શાંતિપુર્ણ વાતાવરણમાં શાંતિપુર્ણ ચૂંટણી પ્રક્રિયાને દુષિત કરે તેવા ગૃપ/બલ્ક એસ.એમ.એસ. પ્રસારીત કરશે નહિ કે કરવા દેશે નહીં તથા રાજકીય પ્રકાર તથા સ્વરૂપના ગૃપ/બલ્ક એસ.એમ.એસ. મતદાન પુર્ણ થવાના 48 કલાક પહેલા એટલે કે, તા.05/05/2024 થી તા.07/05/2024 સુધી સંપુર્ણ પણે તેના પ્રસારણને પ્રતિબંધીત કરશે.
સર્કિટ હાઉસ સહિતના સરકારી સ્થળોનો પ્રચારમાં ઉપયોગ ન કરવા આદેશ
રાજકોટ શહેર સહિત રાજકોટ જિલ્લાનાં સમગ્ર વિસ્તારમાં આવેલ સરકારી, અર્ધસરકારી આરામગૃહો, ડાકબંગલાઓ, વિશ્રામગૃહો તથા સરકારી રહેણાંકનો તેની સાથે જોડાયેલ આંગણ, કમ્પાઉન્ડ સહિત કોઈ રાજકીય પક્ષના હોદેદારો, ચૂંટણી લડતા ઉમેદવારો તેમના ચૂંટણી એજન્ટોએ રાજકીય હેતુસર કે ચૂંટણી વિષયક કે ચૂંટણી પ્રચાર-પ્રસારના હેતુસર ઉપયોગ કરવા પર પ્રતિબંધ રહેશે. ચૂંટણી પ્રચાર હેતુ માટે આવતા કોઈપણ મહાનુભાવોને મતદાન પુરું થવાના 48 કલાક પહેલા વિશ્રામગૃહ/અતિથિગૃહ વગેરેમાં રહેવા માટે રૂમ ફાળવવા પર, પરંતુ જે રાજકીય પદાધિકારીઓને ઝેડ કક્ષાની કે રાજયના કાયદાની જોગવાઈ અનુસાર સમાન કે તેથી વધુની સુરક્ષા વ્યવસ્થા આપવામાં આવેલ હોય તેમને વિશ્રામગૃહ/અતિથિગૃહમાં રહેવા માટે રૂમ ફાળવી શકાશે સિવાય કે, આવો રૂમ ચૂંટણી ફરજ પર નિમાયેલ અધિકારી નિરિક્ષકને અગાઉથી ફાળવવામાં આવેલ ન હોય.
હથીયારો સંબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા આદેશ
પરવાના વાળા દરેક પ્રકારના હથિયાર જમા કરાવવાના રહેશે. આ જાહેરનામું બહાર પડયાની તારીખથી દિવસ-7 માં રાજકોટ ગ્રામ્ય જિલ્લાના સંબંધકર્તા પોલીસ સ્ટેશન ખાતે અનામત જમા કરાવી દેવા અને સંબંધકર્તા પોલીસ સ્ટેશનોએ તથા પોલીસ હેડ કર્વાટરએ સંબંધિત પોલીસ સ્ટેશનના વિસ્તારમાં રહેતાં હથિયાર પરવાનો ધરાવતા તમામ વ્યક્તિઓએ હથિયાર કે હથિયારો જમા કરાવવામાં આવે તે માટે પગલાં લેવા તેમજ તમામ હથિયારો જમા થઈ ગયા અંગેની જાણ અત્રેની કચેરીને કરવા આદેશ કરાયો છે. હથિયાર ખરીદ વેચાણ કરતા પરવાનેદારો હથિયાર ખરીદ વેચાણ આ સમયગાળા દરમ્યાન કરશે તો પણ હથિયારની સોંપણી આ જાહેરનામાની તારીખથી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતાં સુધી એટલે કે તા.06/06/2024 સુધી પરવાનાધારકને કરી શકશે નહી. સંબંધિત પોલીસ સ્ટેશને પરવાનેદારને તેમનું હથિયાર તા.06/06/2024 પછી પરત કરવાનું રહેશે અને તેમના માટે કોઈ અલગ હુકમની જરૂરત રહેશે નહી.
પ્રચાર દરમિયાન ખાનગી કે જાહેર મિલકતને નુકસાન ન કરવા તાકીદ
પ્રચાર સમયમગાળા દરમિયાન ખાનગી અને જાહેર મિલ્કતની વિકૃતિ અને બગાડ અટકાવવા બાબતે કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જેમાં જણાવાયુ છે કે ચૂંટણી પંચે જાહેર કરેલ આચાર સંહિતાનો અમલ કરાવવા અને લોકોની તેમજ જાહેર માલ મિલ્કતને થતી હાની, વિકૃતિ, બગાડ અટકાવવા માટે ફોજદારી કાર્યરીતિ અધિનિયમની કલમ-144 હેઠળ કોઈપણ વ્યક્તિ, સંસ્થા, ચૂંટણીના ઉમેદવારો જાહેર મિલ્કત અને ખાનગી માલીકોની લેખિત અને પૂર્વ પરવાનગી લીધા વિના જાહેર અથવા ખાનગી મિલ્કત ઉપર ચૂંટણીલક્ષી પ્રચારપત્રો ચોડીને, સૂત્રો લખીને, નિશાનો ચીતરીને દિવાલો બગાડવી નહી. તેમજ કોઈ રાજકીય પક્ષ અથવા ઉમેદવાર પોતાના કાર્યકરોને ધ્વજદંડ ઉભા કરવા, બેનરો લટકાવવા, નોટીસો ચોટાડવા, સૂત્રો લખવા અથવા અન્ય કોઈપણ રીતે જાહેર અથવા ખાનગી મિલ્કત બગડે તેવી રીતે ચૂંટણી પ્રચાર કરવા વગેરે માટે માલીકની લેખિત અને પૂર્વ પરવાનગી લીધા વિના કોઈપણ વ્યક્તિની જમીન/ મકાન, કમ્પાઉન્ડ, દિવાલ, વાહનો, રોડ-રસ્તા વગેરેનો ઉપયોગ કરવો નહી કે બગાડવા નહીં.
કલમ 144 લાગુ : મંજૂરી વગર સભા કે સરઘસ કાઢવા ઉપર પણ પ્રતિબંધ
જિલ્લા કલેકટર સત્તાની રુએ જાહેરનામું પ્રસિદ્ધ કરી આદેશ જારી કર્યો છે કે રાજકોટ શહેર, રાજકોટ તાલુકા સહિતના રાજકોટ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં આ હુકમની તારીખથી તા.08/05/2024 સુધી અધિકૃત અને સક્ષમ અધિકારી પાસેથી પૂર્વ પરવાનગી મેળવ્યા સિવાય ચાર કરતાં વધુ વ્યક્તિઓએ એકત્રીત થવું નહી અથવા કોઈ સભા ભરવી નહી કે કોઈ સરથસ કાઢવુ નહી. સભા સરવસની મંજુરી આપવા માટે સક્ષમ અધિકારી તરીકે સબંધિત લોકસભા મતદાર વિભાગના મદદનીશ ચૂંટણી અધિકારીને અધિકૃત કરવામાં આવે છે. તેમજ સભા-સરઘસનો ખર્ચ ઉમેદવારના ચૂંટણી ખર્ચના હિસાબોમાં ઉમેરવાનો રહેશે.ફરજ ઉપર હોય તેવી ગૃહ રક્ષક દળની વ્યક્તિને, કોઈ લગ્નના વરઘોડાને સરકારી નોકરીમાં અથવા રોજગારમાં હોય તે વ્યક્તિને, કોઈ સ્મશાન યાત્રાને આ જાહેરનામું લાગુ નહિ પડે.
પ્રચારમાં ઉપયોગમાં લેવાતા વાહનોની પરમીટ મેળવી લેવા આદેશ
કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યા મુજબ કોઈપણ રાજકીય પક્ષ, વ્યક્તિ, સંસ્થા, ચૂંટણીનો ઉમેદવાર અથવા તો તેઓની સહમતીથી કોઈપણ વ્યક્તિ દવારા કોઈપણ ઉમેદવારના કે પક્ષના કામે ચુંટણીના કામે વાહનોનો સબંધિત લોકસભા મતદાર વિભાગમાં કે રાજકોટ શહેર સહિત સમગ્ર રાજકોટ જિલ્લામાં ઉપયોગ કરવામાં આવે તેવા તમામ વાહનો સંબંધિત લોકસભા મતદાર વિભાગના મદદનીશ ચૂંટણી અધિકારી પાસે રજીસ્ટર કરાવવાના રહેશે અને રજીસ્ટર કરાવેલ વાહનની પરમીટ તેઓની પાસેથી મેળવી તે વાહનોની વિન્ડ સ્ક્રીન ઉપર અથવા નાના વાહનમાં પણ સહેલાઈથી દેખાઈ આવે તે રીતે ચોટાડવાની રહેશે. આ પરમીટમાં વાહન લોકક્સભા મતદાર વિભાગના કયા વિસ્તારમાં ઉપયોગમાં લેવા માટે નોંધણી કરાવવામાં આવી છે તેની સ્પષ્ટ વિગતો દર્શાવવાની રહેશે તથા વપરાશમાં લેવાયેલ વાહનનો ખર્ચ ઉમેદવારના ચૂંટણી ખર્ચમાં ઉમેરવાનો રહેશે. ચૂંટણી અધિકારી પાસે પરમીટ મેળવ્યા સિવાય અને વાહનને પ્રચારમાં વાપરવા નહિ.