ધારાસભ્ય લલિત વસોયાની સફળ રજૂઆત: આભાર માનતા ખેડૂતો
અબતક, ધર્મેન્દ્ર બાબરીયા, સાગર સોલંકી, ધોરાજી
હાલ રવિ પાકનું વાવેતર શરૂ થતાં સિંચાઇ વિભાગે ખેડૂતોને પિયત માટે પાણી આપવાની તૈયારી દર્શાવી હતી. અગાઉ આ મુદ્ે ધારાસભ્ય લલિત વસોયા દ્વારા ચીમકી ઉચારવામાં આવી હતી કે, જો પાણી છોડવામાં નહીં આવે તો, અમે કેનાલ જાતે ખોલી નાંખશુ ત્યારે સિંચાઇ વિભાગ દ્વારા ભાદર-1 ડેમમાંથી 80 ક્યુસેક પિયત માટે પાણી છોડવામાં આવ્યું હતું અને ધારાસભ્ય લલિત વસોયાની રજૂઆત સફળ રહી હતી. આ માટે ખેડૂતોએ ધારાસભ્ય વસોયાનો આભાર માન્યો હતો.
ખેડૂતોને રવિ પાક માટે 3200 એમસીએફટી પાણીનો જથ્થો છે તેમજ ડેમમાં 6650 એમસીએફટી પાણીનો જથ્થો છે. જેમાંથી 1950 એમસીએફટી બાષ્પીભવન, સીપેજ લોસીસ માટે, 670 એમસીએફટી પીવા માટે અને 800 એમસીએફટી ઉનાળુ પાક માટે અનામત રાખવામાં આવ્યો છે. ચાલુ વર્ષે સૌરાષ્ટ્રમાં જરૂરીયાત કરતા ઘણો સારો વરસાદ પડ્યો હતો. જેના કારણે ખેડૂતોનો મોટાભાગનો પાક ધોવાઇ ગયો હતો. જેને લઇ ચોમાસુ પાક નિષ્ફળ જતા ખેડૂતો શિયાળુ પાક પર આશા રાખીને બેઠા હતા. ભાદર-1 ડેમ કે જે 76 કિ.મી.ની લંબાઇ ધરાવતી કેનાલ દ્વારા રાજકોટ, જુનાગઢ અને પોરબંદર ત્રણ જિલ્લાની 36,842 હેક્ટર ખેતીની જ જમીનને સિંચાઇનું પાણી પુરૂં પાડી શકે છે.