અગાઉ લાગવગીયાઓને જીતાડવા કોચ અને વ્યાયામ શિક્ષકોએ ફોર્મ સ્વીકારીને ઓનલાઇન સબમીટ ન કરાવ્યું : અન્યાય બાદ બાળ ખેલાડીએ સ્કેટિંગને જ ત્યજી દીધું ‘તું પરંતુ પરિવારની સમજાવટ બાદ વગર પ્રેક્ટીસે ગેઇમમાં કમબેક કરીને બાજી મારી.
ખેલ મહાકુંભમા ગત વર્ષે રાજકોટના 12 વર્ષના સ્કેટર શ્લોક પંડયા સાથે અન્યાય થયો હતો. આ અન્યાયના કારણે નિરાશામાં સપડાયેલા શ્લોક પંડ્યાએ સ્કેટિંગને હમેશા માટે અલવિદા કહી દીધું હતું. પરંતુ આ બાળ ખેલાડીની પ્રતિભા એમનેમ દબાયેલી ન રહે તે માટે પરિવારે મહામહેનતે સમજાવટ કરીને તેને આ વર્ષે ખેલ મહાકુંભ રમવા માટે તૈયાર કરાવ્યો હતો. અને વગર પ્રેક્ટીસે આ બાળ ખેલાડી જિલ્લા કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને સ્ટેટ લેવલે પહોંચ્યો છે. ત્યારે ગત વર્ષે જે કોચે અને શિક્ષકોએ તેની સાથે અન્યાય કર્યો હતો. તે પણ જોતા રહી ગયા છે.
રાજકોટનો 12 વર્ષનો સ્કેટર શ્લોક પંડયા પોતાની મહેનત અને લગનના કારણે નેશનલ લેવલ સુધી પહોંચ્યો છે. સ્કેટિંગમાં તેની કુશળતા અન્ય ખેલાડીઓને ઝાંખા પાડતી હોય ગત વર્ષે તેની શાળાના કોચ અને શિક્ષકે ખેલ મહાકુંભનું ફોર્મ તેમની પાસેથી સ્વીકારીને ઓનલાઈન સબમિટ કરાવ્યું ન હતું. વાલી દ્વારા ત્રણ – ત્રણ વખત પૂછવામાં આવ્યું હતું. ત્યારે કોચ અને શિક્ષકે ઓનલાઈન ફોર્મ સબમિટ કરી દીધું હોવાનું રટણ કર્યું હતું. પરંતુ બાદમાં માલુમ પડ્યું હતું કે કોચ અને શિક્ષકે મળીને પોતાના લાગવગીયા ખેલાડીને જીતાડવા માટે શ્લોક પંડ્યાનું ફોર્મ ઓનલાઈન સબમિટ જ કર્યું ન હતું.
આમ ખુલ્લે આમ થયેલા અન્યાયને બાળ ખેલાડી શ્લોક પંડયા સહન કરી શક્યો ન હતો. તેને હમેશા માટે સ્કેટિંગને અલવિદા કહી દીધું હતું. પરંતુ આ વર્ષના ખેલ મહાકુંભમા પરિવારે તેને નિરાશ ન થઈને આગળ વધવા માટે સમજાવ્યો હતો. અને તેને ગેઇમમાં કમબેક કરવા માટે પ્રેરણા પુરી પાડી હતી. બાદમાં શ્લોક પંડ્યાએ વગર પ્રેક્ટિસે જિલ્લા કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. જેના થકી તેનું સ્ટેટ લેવલે સિલેક્શન થયું છે. આમ અન્યાયથી થયેલી નિરાશા વચ્ચે વગર પ્રેક્ટીસે શ્લોક પંડ્યા સ્ટેટ લેવલે પહોંચતા લાગવગીયાશાહીમા માનતા કોચ અને શિક્ષકની બોલતી બંધ થઈ ગઈ છે.