પંજાબમાં જૈશ એ મોહમ્મદની હાજરી હોવાની આશંકાને કારણે આઇબીએ હાઇ એલર્ટ જાહેર કર્યું છે. આઇબીને જે ઇનપુટ મળ્યા છે તે મુજબ જૈશના 8 આતંકીઓ જમ્મુ-કાશ્મીરની પુંછ એલઓસીથી પંજાબની સીમામાં આવી ગયા છે. અને પઠાણકોટની જેમ જ તેઓ મોટી દુર્ધટનાને અંજામ આપવાની તૈયારીઓ કરી રહ્યા છે તેવી માહિતી મળી છે. આઇબીના જણાવ્યા મુજબ આ 8 આતંકીઓ પંજાબમાં હોઇ શકે છે. પંજાબ પોલીસને પણ આ અંગે જાણકારી આપવામાં આવી છે. સાથે જ પોલીસ દ્વારા પણ હાઇ એલર્ટ મળતા ચાંપતો બંદોબસ્ત અને સધન તપાસ શરૂ કરવામાં આવી છે. આઇબીના ઇનપુટ મુજબ બધા આતંકી ગુરદાસપુરની તરફ જઇ રહ્યા છે. જો કે સર્ચ ઓપરેશન શરૂ કરી આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.
ગુપ્તચર વિભાગે વધુમાં જણાવ્યું છે કે પાકિસ્તાને તેની નીતિમાં બદલાવ લાવ્યો છે. અને તે જૈશના આતંકીઓને ભારતમાં દાખલ કરી રહ્યું છે. જેથી આ આતંકીઓ ભારતમાં કોઇ મોટી દુર્ધટનાને અંજામ આપી શકે. સેનાના કેમ્પ પર પણ હુમલો થવાની સંભાવનાઓ રહેલી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ પઠાણકોટના આર્મી બેઝમાં અને સંસદમાં જૈશ એ મહોમ્મદના આંતકીઓએ હુમલા કર્યા છે. આ અંગે 23 ઓગસ્ટના રોજ પહેલી વાર ઇનપુટ મળ્યા હતા. માટે જ લોકો પણ કોઇ પણ શંકાસ્પદ વસ્તુ કે વ્યક્તિ અંગે પોલીસને જાણકારી આપવાનું અને સતર્ક રહેવાનું કહેવામાં આવ્યું છે.