જૈસ-એ-મોહમ્મદનું કારસ્તાન: ફિદાયીન ઘૂસ્યાની ગુપ્તચર તંત્રને મળેલી બાતમીનાં આધારે બંને રાજયોમાં સુરક્ષા વિભાગને હાઈ એલર્ટ પર મૂકાયું
પંજાબ-કાશ્મીરમાં ૮ આતંકી છૂપાયા હોવાની બાતમીનાં આધારે હાઈએલર્ટ છે. ગુપ્તચર વિભાગને મળેલી માહિતી અનુસાર આ શખ્સો આતંકી સંગઠન જૈસ-એ-મોહમ્મદના ફિદાયીન છે. ફિદાયીન મતલબ કે પોતાના શરીર સાથે બોમ્બ બાંધીને ભીડ વચ્ચે ઘૂસીને લોકોને વિસ્ફોટકથી ઉડાવી દે છે. પોતે પણ મરી જાય અને નિદોર્ષ લોકોના પણ જીવ લઈ લે.
અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે જૈસ -એ-મોહમ્મદ સંગઠનનો મૂખિ મૌલાના મસૂદ અઝહર છે. જે પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીર (પી.ઓ.કે.)નાં બેકાર યુવાનોને ધર્મ (જેહાદ)ના નામે ગુમરાહ કરીને આતંકી પ્રવૃત્તિમાં જોતરે છે.
ભારતનાં ઈન્ટેલીજન્સ બ્યૂરોને બાતમી મળી છે કે એક ‘બરમી’ નામનો શખ્સ આ ૮ ફિદાયીનોને પાકિસ્તાનથી ભારતની સરહદ સુધી લાવ્યો હતો. આ ‘બરમી’ એક વચેટિયો કે ટ્રાન્સફોર્મર છે. તે તો પાકિસ્તાન પરત ફરી ગયો છે. હવે આ શખ્સ અન્ય એક આતંકી જૂથને ઘૂસાડવાનો પ્રયત્ન કરશે જેના પગલે બોર્ડર પર રેડ એલર્ટ જારી કરી દેવાયો છે. વરિષ્ઠ સરકારી અધિકારીઓનાં જણાવ્યા અનુસાર આ આતંકી જૂથનું પ્લાનિંગ દેશમાં કંઈક ‘મોટુ’ કરવાનો છે. કાશ્મીર સરહદ ઉપરાંત દેશના મેટ્રો દિલ્હી, મુંબઈ, બેંગ્લોર, કલકતા, ચેન્નઈમાં પણ સુરક્ષા વિભાગને હાઈ એલર્ટ પર મૂકી દેવાયા છે. આ આતંકીઓ જમ્મુ કાશ્મીર અથવા પંજાબમાં કયાંક છૂપાયા છે. જેને ઝબ્બે કરવાનાં કામને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. તેમને આ બંને રાજયોમાંથી ઝડપી લેવા કવાયત શરૂ કરવામાં આવી છે. આતંકીઓને ઝડપી લેવા ઉપરાંત ‘બરમી’ નવા જૂથને દેશમાં ન ઘૂસાડે તે માટે પણ સીમાડા સાચવવા જરૂરી બન્યા છે.