કેશુભાઈ પટેલ નામના આસામીએ સુચિત સોસાયટીમાં કોમર્શીયલ કોમ્પલેક્ષ ખડકી દીધુ હતું
રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજે શહેરના વોર્ડ નં.૧૩માં ચંદ્રેશનગર મેઈન રોડ પર ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સુચિત સોસાયટીમાં કેશુભાઈ પટેલ નામના આસામી દ્વારા ૨૫૦ ચો.મી. જમીનમાં ખડકી દેવામાં આવેલા કોમર્શીયલ કોમ્પલેક્ષના ૮ શોરૂમ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ શહેરના વોર્ડ નં.૧૩માં ચંદ્રેશનગર મેઈન રોડ પર સુચિત સોસાયટીમાં કોમર્શીયલ કોમ્પલેક્ષ બનાવી અહીં આઠ શો–રૂમ ખડકી દેવામાં આવ્યા હોવાની ફરિયાદ મળતા આજે મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીના આદેશ બાદ ટીપીઓ એમડી સાગઠીયા સહિતનો કાફલો વોર્ડ નં.૧૩માં આવેલ ચંદ્રેશનગર મેઈન રોડ પર ત્રાટકયો હતો. અહી કેશુભાઈ પટેલ નામના સુચિતમાં ગેરકાયદે કોમ્પલેક્ષ બનાવવામાં આવ્યું હતું જેમાં ગ્રાઉન્ડ ફલોર પર ચાર શોરૂમ અને પ્રથમ માળ પર ચાર શો–રૂમનું આરસીસી સ્ટ્રકચર ઉભુ કરી દેવામાં આવ્યું હતું. આજે ડિમોલીશન દરમિયાન આ કોમ્પલેક્ષને જમીન દોસ્ત કરી દેવામાં આવ્યું હતું અને આશરે ૨૫૦ ચો.મી. જમીન ખૂલ્લી કરાવવામાં આવી છે.ત્યારબાદ ટીપીનો કાફલો અહીં ચંદ્રેશનગર મેઈન રોડ પર જ એક અન્ય સ્થળે ત્રાટકયો હતો જયાં પણ સુચિતમાં ખડકાયેલા ચાર શો–રૂમ પર બુલડોઝર ફેરવી દેવાની કામગીરી હાલ ચાલી રહી છે.