વધુ ૩૫ દર્દીઓ સ્વાઈનફલુ સારવાર હેઠળ: ઠંડીનું પ્રમાણ વધતા આંકડાઓમાં પણ વધારો થવાની સંભાવના
સૌરાષ્ટ્રભરમાં ઠંડીના પ્રમાણની સાથે-સાથે સ્વાઈનફલુનો કહેર પણ વધી રહ્યો છે. રાજકોટ તથા સૌરાષ્ટ્રભરમાં સ્વાઈનફલુના દર્દીઓ માટે રાજકોટની હોસ્પિટલો કેન્દ્રબિંદુ પર હોવાથી રાજકોટમાં દિન-પ્રતિદિન સ્વાઈનફલુના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે એક જ દિવસમાં વધુ ૮ સ્વાઈનફલુ કેસ પોઝીટીવ નોંધાતા લોકોમાં સ્વાઈનફલુ કહેર વકરી રહ્યો હોય તેવું લાગે છે. છેલ્લા ૩૪ દિવસમાં સ્વાઈનફલુમાં ૧૨૪ પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે ૨૨ દર્દીઓના મૃત્યુ નિપજયા છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ઠંડીનો પારો ગગડતા સ્વાઈનફલુનો કહેર વધી રહ્યો હોય એક જ દિવસમાં રાજકોટની હોસ્પિટલમાં આઠ પોઝીટીવ કેસ નોંધાયા છે. જયારે થોરાળામાં રહેતા ૫૦ વર્ષીય પ્રૌઢનું રીપોર્ટ આવે તે પહેલા જ દમ તોડયો હતો.
ગઈકાલે નોંધાયેલા સ્વાઈનફલુ પોઝીટીવ કેસમાં લોધિકાના હરિપર ગામે રહેતા ૫૫ વર્ષીય પ્રૌઢનો રિપોર્ટ આવે તે પહેલા દમ તોડયો હતો ત્યારબાદ પ્રૌઢનો રિપોર્ટ પોઝીટીવ આવતા સ્વાઈનફલુ વાયરસને કારણે જ પ્રૌઢે દમ તોડયાનું નોંધાયું હતું. જયારે મવડી રોડ પર રહેતા ૫૨ વર્ષીય પ્રૌઢાનો રીપોર્ટ પોઝીટીવ આવતા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.
વધુમાં રાજકોટ હાથીખાના મેઈન રોડ નજીક રહેતા ૩૨ વર્ષીય યુવતી, રાજકોટ મવડી પ્લોટમાં રહેતા ૫૩ વર્ષીય પ્રૌઢ, સિંધી કોલોની રાજકોટમાં રહેતા ૭૭ વર્ષીય વૃદ્ધ, મોરબી તાલુકાના મેસાડા ગામમાં રહેતા ૫૮ વર્ષીય પ્રૌઢ, જામનગરના ૪૦ વર્ષીય યુવાન અને અમરેલી તાલુકાના ૬૫ વર્ષીય વૃદ્ધનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. સ્વાઈનફલુના વધતા જતા કહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં જ વધુ ૮ પોઝિટીવ કેસ નોંધાતા આરોગ્યતંત્રમાં દોડધામ મચી જવા પામી છે. જયારે વધતા જતા સ્વાઈનફલુના દર્દીઓના આંકડાઓ માથાના દુખાવા સમાન બન્યા હોય તેમ લોકોમાં પણ સ્વાઈનફલુનો ડર વધી રહ્યો છે.
જાન્યુઆરી મહિનાની શરૂઆતથી જ ઠંડીના પ્રમાણમાં વધારો થતા જ સ્વાઈનફલુના પ્રમાણમાં પણ ઉતરોતર વધારો જોવા મળી રહ્યો છે. માત્ર ૩૪ દિવસમાં જ સ્વાઈનફલુમાં ચોંકાવનાર આંકડાઓ નોંધાયા છે. ૩૪ દિવસમાં ૧૨૪ પોઝીટીવ કેસ અને ૨૨ દર્દીઓના મોત નોંધાતા સ્વાઈનફલુનાં પ્રકોપનો અંદાજ લગાવી શકાય છે. સઘન પ્રયત્નો છતાં પણ સ્વાઈનફલુના પ્રકોપ પર રોક લગાવવામાં નિષ્ફળ પુરવાર થઈ રહ્યું છે.
ગુજરાતભરમાં સ્વાઈનફલુનો પ્રકોપ જોવા મળી રહ્યો હોય તેમ ગુજરાતમાં વર્ષ ૨૦૧૨માં સ્વાઈનફલુના ૧૦૧ કેસ નોંધાયા હતા જેમાં ૩૦ દર્દીઓના મોત નિપજયા હતા. જયારે ૨૦૧૩માં ૯૮૯ સ્વાઈનફલુ પોઝીટીવ કેસ નોંધાયા હતા જયારે ૨૦૧૪માં સ્વાઈનફલુનો પારો ગગડતા ૧૫૭ કેસ નોંધાયા હતા. જેમાં ૫૫ દર્દીઓના મોત નિપજયા હતા.
જયારે ૨૦૧૫માં સ્વાઈનફલુએ ત્રાહિમામ પોકારી હતી જેમાં ૭૧૮૦ સ્વાઈનફલુ કેસ નોંધાયા હતા અને ૫૧૭ દર્દીઓએ દમ તોડયો હતો. વર્ષ ૨૦૧૬માં ૪૧૧ કેસ નોંધાયા હતા જેમાં ૫૫ દર્દીઓના મોત નિપજયા હતા. વર્ષ ૨૦૧૭માં સ્વાઈનફલુના કહેરે લોકોમાં ભયનો માહોલ ઉપજાવતા ૭૭૦૯ પોઝીટીવ કેસ નોંધાયા હતા. જેમાં ૪૩૧ દર્દીઓનો ભોગ લીધો હતો.
ગત વર્ષ ૨૦૧૮માં સ્વાઈનફલુનો કહેર યથાવત રહ્યો હતો. જેમાં ૨૧૬૪ પોઝીટીવ કેસ નોંધાયા હતા. જેમાં ૯૭ દર્દીઓના મોત નિપજયા હતા. જયારે નવા વર્ષની શરૂઆતથી જ સ્વાઈનફલુ સક્રિય હોય તેમ ૨૦૧૯માં ૨૧૦થી વધુ કેસ સ્વાઈનફલુ પોઝીટીવ નોંધાયા હતા.
જયારે ફકત રાજકોટ અને સૌરાષ્ટ્રમાં જ ૨૨ દર્દીઓના મોત નિપજયા છે. જાન્યુઆરી મહિનાની શરૂઆતથી જ સૌરાષ્ટ્રભરના જીલ્લાઓમાંથી સ્વાઈનફલુ સારવાર માટે આવેલા દર્દીઓમાં ૧૨૪ પોઝીટીવ કેસ નોંધાયા હતા. જયારે ૨૨ દર્દીઓના મોત નિપજયા હતા.
જેમાં રાજકોટ ‚રલમાં ૩૬ પોઝીટીવ કેસ નોંધાયા હતા અને પાંચ દર્દીઓના મોત નિપજયા હતા. રાજકોટ શહેરમાં ૪૧ પોઝીટીવ કેસ નોંધાયા છે. જેમાં પણ પાંચ દર્દીઓએ દમ તોડયાનું જાણવા મળી રહ્યું છે. જયારે અન્ય જીલ્લાઓમાં ૪૫ પોઝીટીવ કેસ નોંધાયા હતા અને ૧૧ દર્દીઓના મોત નિપજયા છે. રાજકોટ શહેરમાં હાલ ૩૫ દર્દીઓ હોસ્પિટલમાં સ્વાઈનફલુ વોર્ડમાં સારવાર મેળવી રહ્યા છે. ઠંડીનું પ્રમાણ વધતા આંકડામાં વધારો થવાની સંભાવના જોવા મળી રહી છે.