સ્વચ્છતાની જેમ ‘પાણી સંરક્ષણ’માટે દેશભરમાં જળ અભિયાન ચલાવવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ‘મન કી બાત’

આપણા દેશમાં સારામાં સારો વરસાદ પડતો હોવા છતાં માત્ર ૮ ટકા જ વરસાદી પાણીનું સંગ્રહ કરવામાં આવેલ છે. જેના કારણે મોટાભાગનું વરસાદી પાણી દરિયામાં વહી જવાના કારણે ઉનાળામાં પાણીની તંગી ઉભી થવા પામી છે. ચાલુ વર્ષે ચોમાસુ મોડુ આવવાના કારણે દેશના અનેક રાજયોમાં પીવાના પાણીની તંગી ઉભી થવા પામી છે. જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેના બીજા કાર્યકાળના પ્રથમ માસિક રેડીયો કાર્યક્રમ ‘મન કી બાતમાં’ આ મુદ્દાને ઉઠાવીને લોકોને પાણીનો બગાડ ન કરવા અને વરસાદના પાણીનો વધુ સંગ્રહ કરીને કેવી રીતે ઉપયોગ કરી શકાય તે દિશામાં પગલા લેવા અપીલ કરી હતી મોદીએ સ્વચ્છતાની જેમ પાણી બચાવવાનો દેશનું આંદોલન બનાવવા પણ દેશવાસીઓને આહવાન કર્યુ હતું.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ તેમના બીજા કાર્યકાળના પ્રથમ માસિક રેડીયો કાર્યક્રમ ‘મન કી બાત’માં દેશના અનેક રાજયોમાં પાણીની સમસ્યાનો મુદ્દો ઉ૫સ્થિત કર્યો હતો. મોદીએ જણાવ્યું હતું કે દેશમાં પાણીની બચત માટે જુદા જુદા પ્રયાસો થઇ રહ્યા છે. આ પ્રયાસો ભલે અલગ અલગ હોય પણ આપણું લક્ષ્ય એક જ છે અને તે છે પાણીનું એક એક ટીપું બચાવવું, સ્વચ્છ ભારતને દેશવાસીઓએ જનઆંદોલન બનાવ્યું છે તેવી રીતે પાણીની બચતને પણ એક જનઆંદોલન બનાવવાની હાલ જરુરીયાત હોવાનું જણાવીને આ જનશકિત દ્વારા જ જળશકિત બચાવવા દેશવાસીઓને આહવા કર્યુ હતું. પાણીના એક એક ટીપુ બચાવવા ત્રણ વિનંતીઓ કરતા મોદીએ જણાવ્યું હતું કે પાણીના સંસાધનોને બચાવવા સંરક્ષણ કરવા અને વધારવા માટેના રાષ્ટ્રીય પ્રયત્નો કરવા પર ભાર મુકયો હતો.

ચોમાસાની વધતી રહેલી અનિશ્ર્ચિતતા અને ભારે હવામાનની વધતી પરિસ્થિતિઓના કારણે વર્તમાનમાં ઉભી થયેલી વિષમ સ્થિતિને લઇને દેશની નદીઓની જગ્યા અને ભૂર્ગભ જળને સુરક્ષિત કરીને તેના દ્વારા કૃષિ અને પીવાના પાણીની જરુરીયાતોને પહોંચી વળવા માટે કાર્ય કરવું જરુરી છે. તેમ જણાવીને વડાપ્રધાન મોદીએ ઉમેર્યુ હતું કે તેના માટે સંયુકત પ્રયાસો કરીને ગ્રીન પ્લાનીંગ માટે બધા શહેરીજનોએ આગળ આવવાની જરુરી છે. જયારે ગ્રામીણ વિસ્તારોમાં વાવ, જોહાદ, અને રેતીના બોર જેવી પરંપરાગત પઘ્ધતિઓના પુર્નજીવનને પ્રોત્સાહીત કરવાની જરુર છે. તેમ જણાવીને મોદીએ સામાજીક વર્તન બદલવા માટે અપીલ કરી હતી. મોદીએ જળ સંરક્ષણને ચોકકસ પણે એક અગત્યનું અને યોગ્ય કારણ ગણાવી વર્તમાન સમયની માંગ સમાન ગણાવ્યું હતું.

પાણીના સંરક્ષણમાં જોડાઇને પાણી બચાવવા માટે પ્રેરિત કરવા માટે વધુ નવીનત્તમ પઘ્ધતિઓની યાદી બનાવવા માટે લોકો પોતાના સામેલ કરીને સામગ્રી આગળ વધારે તેમ જણાવીને મોદીએ જનશકિત ફોર જળ શકિત હેસટેગ દ્વારા આવી માહીતી શેર કરીને આગળ વધારવા અપીલ કરી હતી. તેમણે જળ સંરક્ષણ ક્ષેત્રે ભારતના પડકારને મહત્વપૂર્ણ ગણાવીને મજબુત અને સંયુકત કાર્યવાહી કરવા પર ભાર મુકયો હતો. આપણે લોકોની ભાગીદારી ‘જન ભાગીદારી’ અને તેની શકિત ‘જન શકિત’દ્વારા આ સમસ્યાનો હલ લાવી શકીએ તેમ છે. આ માટે ૧૩૦ કરોડ દેશવાસીઓની તાકાત, સહકાર અને ક્રાંતિનીની આ સમસ્યાઓ ઉકેલ લાવી શકાશે તેમ મોદીએ ઉમેર્યુ હતું.

પાણીની તંગી વાળા દેશના પૂર્વ જીલ્લાઓમાં પાણીના સંરક્ષણ માટેની યોજના શરુ કરવામાં આવી છે. જળ શકિત અભિયાન હેઠળ શરુ થયેલી આ યોજનામાં હેઠળ ૩૦ નવેમ્બર સુધીમાં  પાણીની તંગી વાળા ૧પ૩૫ વિસ્તારોને આવરી લેવાશે આ વિસ્તારોમાં પાણીની સમસ્યાના નિવારણ માટે નવા બનાવાયેલા જળ શકિત મંત્રાલય દ્વારા નિર્ણયો કરીને આગામી સમયમાં આ વિસ્તારોમાં પાણી સંરક્ષણ માટેની યોજના બનાવવામાં આવશે. ચાલુ વર્ષે વરસાદમાં વિલંબ અને જળાશયોમાં પાણીના ધટાડાના કારણે આ વિસ્તારોમાં પાણીની કટોકટી ઉભી થવા લાગી છે. તેમ મોદીએ જણાવીને આ યોજના હેઠળ છતમાંથી ટપકતા વરસાદી પાણીને સંગ્રહ કરવા, ચેકડેમ તળાવ બનાવવા, વોટર શેડ માટે માળખાકીય સુવિધાઓ ઉભી કરવામાં આવશે.

પાણી માટે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં થતા બેડા યુઘ્ધનો ઉલ્લેખ કરીને વડાપ્રધાન મોદીએ દેશભરના સરપંચો અને ગ્રામ પ્રધાનોને પોતે લખેલા પત્રની યાદ અપાવીને આ માસની રરમીએ દેશભરના પંચાયતોમાં  શ્રમદાન આપવા બદલ આભાર વ્યકત કર્યો હતો. પાણી સંરક્ષણ કાર્યક્રમ સ્વચ્છતા અને ગટર કાર્યક્રમો સાથે ગાઢ રીતે જોડાયેલા હોવાનું જણાવીને મોદીએ ઉમેર્યુ હતું કે વરસાદી પાણી ગટરમાં ચાલ્યુ જતુ હોય તેનો ઉપયોગ થતો નથી. આવા પાણીનો રીસાયકલ કરીને શેરડી જેવા કૃષિ પાકોમાં ફરી ઉપયોગ  કરવા પર પણ ભાર મુકયો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.