ભાજપ અને કોંગ્રેસ કાર્યાલયે આવકના દાખલા અને આધારકાર્ડમાં સુધારા-વધારા માટે કોર્પોરેટરોના સહી સીક્કા કરાવવા આવતાં 80 ટકા લોકો પોતાના વોર્ડના જન પ્રતિનિધિના નામ અને કામથી બે ખબર
અબતક, રાજકોટ
લોકશાહીના જે મુખ્ય ત્રણ આધારસ્થંભો છે. તેમાં સૌથી મહત્વનો સ્થંભ જનપ્રતિનિધિઓ છે જેને જનતા પોતાના કિંમતી અને પવિત્ર મતથી ચૂંટણી પ્રજાનું પ્રતિનિધિત્વ કરવાની તક આપે છે પરંતુ ભારત જેવા વિશ્ર્વના સૌથી મોટા લોકશાહી રાષ્ટ્રમાં જનતા પોતાના નેતા નામથી પણ અજાણ હોય છે. રાજકોટ શહેરમાં 10માંથી આઠ વ્યક્તિઓને પોતાના વોર્ડ કે કોર્પોરેટરનું નામ ખબર હોતી નથી. મહાપાલિકામાં ભાજપ અને કોંગ્રેસ કાર્યાલય ખાતે આવકના દાખલા કે આધારકાર્ડમાં સુધારો-વધારો કરવા માટે આવતાં 80 ટકા અરજદારો પોતાના જન પ્રતિનિધિના નામથી અજાણ હોય છે આટલું જ નહીં મોટાભાગનાં લોકોને પોતે જે વિસ્તારમાં વસવાટ કરે છે તે કયાં વોર્ડમાં આવે છે તેનાથી પણ અજાણ હોય છે.રાજકોટમાં હાલ 18 વોર્ડ અને 72 નગર સેવકો છે. ગત ફેબ્રુઆરી માસમાં યોજાયેલી કોર્પોરેશનની સામાન્ય ચૂંટણીમાં ભાજપ 68 બેઠકો અને કોંગ્રેસ ચાર બેઠકો પર વિજેતા બન્યુ હતું. નવા નગરસેવકો ચૂંટાયાને 10 મહિના જેવો સમય વિતી ગયો હોવા છતાં રાજકોટનાં 80 ટકા લોકો પોતાના જન પ્રતિનિધિના નામથી આજે પણ અજાણ છે. વોર્ડ દીઠ ચાર ચાર નગર સેવકો હોવા છતાં શહેરીજનોને એક પણ કોર્પોરેટરનું નામ ખબર હોતી નથી. રોજ મહાપાલિકામાં ભાજપ અને કોંગ્રેસ કાર્યાલયમાં સેંકડો લોકો આવકના દાખલા તથા આધારકાર્ડમાં સુધારા વધારા કરવા માટે નગરસેવકની સહી અને સિક્કા અર્થે આવે છે. જ્યારે તેઓને પુછવામાં આવે કે તમારા વોર્ડના નગરસેવકનું નામ આપો ત્યારે અરજદારોમાથું ખંજળવા લાગે છે. અમુકને તો પોતે કયાં વોર્ડના રહેવાસી છે તેનો પણ ખ્યાલ હોતો નથી. 10માંથી 8 વ્યક્તિઓને જન પ્રતિનિધિત્વના નામથી બે ખબર હોય છે. આ વાત એ સાબિત કરે છે કે લોકોને નેતાઓ સાથે કોઈ જ નિસ્બત નથી. માત્ર પોતાનું કામ પડે ત્યારે નેતાની યાદ આવે છે. લોકોના કામ ન અટકે તે માટે નેતાઓ પણ મોટુ મન રાખી અરજદારોને ડોકયુમેન્ટમાં સહી સિક્કા કરી આપે છે. પરંતુ શહેરીજનો પણ જાગૃત બની પોતાના વોર્ડ અને નગરસેવકના નામની જાણકારી રાખે તે જરૂરી છે. જ્યારે ચૂંટાયેલા નેતાઓ પણ જો સમયાંતરે પોતાના મત વિસ્તારની મુલાકાત લેતાં હોય તો આવી પરિસ્થિતીનું નિર્માણ જ ન થાય. લોકશાહીમાં જનતા પોતાના નેતાથી પરિચીત હોય તે ખૂબ જ જરૂરી છે.
શાસક નેતા, દંડક અને કાર્યાલય મંત્રી અરજદારોને મીઠો ઠપકો આપી સહી સિક્કા કરી આપે છે
આવકના દાખલા તથા આધારકાર્ડમાં સુધારા વધારા માટે નગરસેવકની સહી ફરજિયાત છે. આ કામ માટે કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે રોજ અનેક અરજદારો આવે છે જે પૈકી 80 ટકા લોકોને પોતાનો વોર્ડ કે વોર્ડના નગરસેવકના નામની ખબર હોતી નથી. શાસકપક્ષના નેતા વિનુભાઈ ધવા, શાસકપક્ષના દંડક સુરેન્દ્રસિંહ વાળા અને ભાજપના કાર્યાલય મંત્રી જયંતભાઈ ઠાકર દરેક અરજદારને એવું ચોક્કસ પુછાણ કરે છે કે, તમારા વોર્ડના કોર્પોરેટર કોણ છે. અરજદાર મોટાભાગે નામથી અજાણ હોય છે
અને સાચી ખોટી ગોળગોળ વાતો કરવા લાગે છે. અમુક શંકાસ્પદ કિસ્સામાં અરજદારને એવું સ્પષ્ટ જણાવી દેવામાં આવે છે કે જાવ તમારા વોર્ડના કોર્પોરેટરનું નામ જાણીને પછી સહી કરાવવા આવો. જો કે મોટાભાગના લોકોને શાસક નેતા, દંડક કે કાર્યાલય મંત્રી મોટુ મન રાખી મીઠો ઠપકો આપી સહી કરી આપે છે અને છેલ્લે ટકોર પણ કરે છે અમારા નામ હવે યાદ રાખજો.
એક જ વિસ્તારમાં 30 વર્ષથી વસવાટ કરતાં લોકો પણ નગરસેવકના નામથી બેખબર
કોર્પોરેશનમાં ભાજપ કે કોંગ્રેસ ખાતે પોતાના જરૂરી દસ્તાવેજોમાં નગરસેવકોની સહી અને સિક્કા કરાવવા આવતા અરજદારો શહેરના એક જ વિસ્તારમાં છેલ્લા 30-30 વર્ષથી વસવાટ કરી રહ્યા હોવા છતાં તેઓ પોતાના વોર્ડ અને નગરસેવકના નામથી બેખબર હોય છે. કેટલાક અરજદારો તો બબ્બે ટર્મ પૂર્વના કોર્પોરેટરોના નામો આપે છે તો કેટલાકને મનમાં જે નામ યાદ આવે તે નામ બોલી દે છે. આટલું જ નહીં પોતાના વોર્ડથી અજાણ લોકોને એ વાતની પણ
ખબર નથી હોતી કે તેઓ રાજકોટ શહેરની ચાર પૈકી કઈ વિધાનસભા બેઠકના નાગરિક છે અને તેઓના ધારાસભ્ય કોણ છે. કેટલાક લોકો કોર્પોરેટરોના નામ પૂછવામાં આવે તો ચારમાંથી જે ધારાસભ્યનું નામ યાદ આવે તે બોલી જાય છે. કેટલાક નમૂના સંસદ સભ્યનું નામ પણ કહે છે.
પૂર્વ કોર્પોરેટરોના નામ આપે છે તો કેટલાક સંગઠનના હોદ્દેદારોને જન પ્રતિનિધિ ગણાવે છે !
કેટલાક અરજદારો વર્ષો પહેલા જે વ્યક્તિ નગરસેવક તરીકે ચૂંટાઈ હતી તેને વર્તમાન કોર્પોરેટરો ગણાવી દે છે તો કેટલાક લોકો શહેર ભાજપ કે શહેર કોંગ્રેસનાં સંગઠનના હોદ્દેદારને જન પ્રતિનિધિ તરીકે ઓળખ આપે છે. મહાપાલિકાની ગત ચૂંટણીમાં ભાજપે માત્ર 12 કોર્પોરેટરોને રિપીટ કર્યા હતાં અને 60 નવા ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા હતાં. ચૂંટણી પરિણામ બાદ એકાદ કે બે મહિના ચૂંટાયેલા નગરસેવકના નામથી લોકો અજાણ હોય તે માની શકાય પણ હવે પદાધિકારીઓ સત્તારૂઢ થવાના નવા મહિના બાદ પણ લોકોમાં પોતાની ઓળખ બનાવી શકયા નથી. વોર્ડમાં ભાગ્યે જ દેખાતા લોકોના
નામથી પણ લોકો અજાણ હોય તો ચહેરાથી કેવી રીતે ઓળખતા હશે તે પણ જવાબ માંગી લેતો સવાલ છે.