ઉપરાઉપરી ભૂકંપના આંચકાના કારણે ભયનો માહોલ: ટાપુઓ ઉપર તંત્ર સાબદુ
ન્યુઝીલેન્ડમાં 8ની તિવ્રતાના ભૂકંપના કારણે સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. પૂર્વી ન્યુઝીલેન્ડના નોર્થ આઇલેન્ડની પાસે ભૂકંપ આવ્યો હતો, ત્યારબાદ સુનામી પર નજર રાખવા વાળી સંસ્થા પેસિફિક સુનામી ચેતવણી કેન્દ્ર (પીટીડબલ્યુસી) એ આ અંગે એલર્ટ જાહેર કર્યું હતું. થોડા દિવસો પહેલા પણ ભૂકંપના આંચકાના કારણે અફરાતફરી મચી જવા પામી હતી.
અગાઉ ભૂકંપની તીવ્રતા 7.4 નોંધાવી હતી, તીવ્રતા 8ની હોવાનું પણ સામે આવ્યું હતું. આવી સ્થિતિમાં કેટલાક વિસ્તારના લોકોને ઘરની બહાર રહેવા તાકીદ કરાઈ હતી. બીજી તરફ ભૂકંપથી 900 કિ.મી.ની ત્રિજ્યાના વિસ્તારમાં સુનામી આવે તેવી સંભાવના છે.
ન્યુઝિલેન્ડની નેશનલ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સીએ કહ્યું કે તે હજી પણ મૂલ્યાંકન કરી રહ્યું છે કે આ ભૂકંપ સુનામીનું કારણ બની શકે છે કે કેમ, જો કે એજન્સીએ દરિયાકાંઠે રહેતા લોકોને સલાહ આપી હતી કે જો તેઓ તીવ્ર અથવા લાંબા સમય સુધી આંચકા અનુભવે છે, તો તેઓએ તાત્કાલિક ઉચ્ચ મેદાની વિસ્તારોમાં જતું રહેવું જોઈએ.
એક દિવસ પહેલા, 3 માર્ચ (બુધવારે), યુરોપમાં મધ્ય ગ્રીસમાં પણ 6.2 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપ યુરોપિયન-ભૂમધ્યસાગરીય ભૂકંપ કેન્દ્ર અનુસાર, બુધવારે બપોરે સવા બાર વાગ્યે (આંતરરાષ્ટ્રીય સમયાનુસાર સવારે 10:15 વાગ્યે) આવ્યો હતો, જે લારિસા શહેરથી પશ્ચિમ-ઉત્તર પશ્ચિમમાં 22 કિલોમીટર દૂર હતું.
ઉલ્લેખનીય છે કે, 10 ફેબ્રુઆરીએ ન્યુઝીલેન્ડમાં પણ એક શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. જેના કારણે આસપાસના વિસ્તારોમાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી હતી. જો કે, આ ચેતવણી થોડા સમય પછી પાછી ખેંચી લેવામાં આવી હતી. યુએસ જિયોલોજીકલ સર્વેએ રિપોર્ટ આપ્યો છે કે આ ભૂકંપનું કેન્દ્ર ન્યું કેલેડોનીયામાં વાઓથી પૂર્વમાં લગભગ 415 કિલોમીટર (258 માઇલ) સ્થિત હતું.ન્યું ઝિલેન્ડ ભૂકંપ પ્રભાવિત ઝોનમાં આવે છે. પેસિફિક મહાસાગરમાં ઘણા જ્વાળામુખી ફાટવાનાં કારણે અને ટેક્ટોનિક પ્લેટોનાં ખસવાનાં કારણે આ વિસ્તાર ભૂકંપથી સતત પ્રભાવિત રહે છે. ફિજી, ન્યુંઝીલેન્ડ, વાનુઅતુ, ઓસ્ટ્રેલિયા, કૂક આઇલેન્ડ્સ અને અમેરિકન સમોઆ સહિતના ઘણા દેશો છે, જે લગભગ દરરોજ ઘણા નાના-મોટા ભુકંપના આંચકાઓનો સામનો કરે છે.