કેસર કેરીના બગીચામાં પોલીસે દરોડો પાડી 5000થી વધુ બોટલ કબ્જે કરી
તાલાલાના ધાવા ગીર ગામેથી રાજકીય ઓથ ધરાવતા શખ્સના ફાર્મ હાઉસમાંથી પોલીસે દરોડો પાડી લાખો રૂપિયાની દારૂ-બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કેસર કેરીના બગીચામાં દરોડો પાડી 5000 બોટલ કબ્જે કરી ખાખીનો પરચો બતાવ્યો હતો.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ તાલાલા ગીર પંથકના ઘાવા ગીર ગામની સીમમાં સુરવા રોડ પર આવેલા રાજકીય ઓથ ધરાવતો અરવિંદ બાબુ રામોલિયાની વાડીના ગોડાઉનમાંથી બાતમીના આઘારે પોલીસે દરોડો પાડી રૂ.8,00,000 ની કિંમતનો જુદી-જુદી વિદશી બ્રાંડની 164 પેટી દારૂ-બીયરનો જથ્થો પકડી પાડતા ચકચાર મચી છે. આ દરોડામાં વાડી માલીક અરવિંદ રામોલીયાની ઘરપકડ કરવામાં આવી છે.જયારે દારૂનો જથ્થો આપનાર ઉનાનો કુખ્યાત બુટલેગર રસીક જીણા બાંભણીયા ફરાર થઇ ગયો છે. આ દરોડા બાદ પકડાયેલ શખ્સ રાજકીય ઓળખનો લાભ લઇ ગોરખઘંઘા ચલાવતો હોવાની ચર્ચા પંથકમાં શરૂ થઇ છે. તો આ સાથે પકડાયેલ શખ્સ અરવિંદના વર્તમાન સાંસદ, માજી મુખ્યમંત્રી સહિતના રાજકીય આગેવાનો સાથેના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.
આ અંગે મળેલી બાતમીના આધારે એએસપી ઓમપ્રકાશ જાટ, પીઆઇ કે.એચ.ચૌઘરીને જાણ કરતા બંન્ને અઘિકારીઓ તાલાલા પોલીસ સ્ટેશન ખાતે દોડી આવેલ હતા. બાદમાં તેમની સુચનાથી તાલાલા પીએસઆઇ એમ.કે. મકવાણાએ સ્ટાફના જે.ડી. પરમાર, એલ.બી. બાંભણીયા, ડી.આર. બાંભણીયા, ગોપાલ મકવાણા, મહેશ સોસા સહિતના સ્ટાફ ખાનગી અને સરકારી વાહનોમાં ઘાવા ગીરની સીમમાં આવેલી વાડીએ પહોચ્યા હતા. જયાં તપાસ કરતા વાડીમાં મકાનની પાછળ આવેલા ગોડાઉનમાંથી વિદેશી દારૂ-બીયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે આ દરોડામાંથી જુદી જુદી વિદેશી બ્રાન્ડના 155 પેટી દારૂ-વ્હીસકીનો જથ્થો કિં.રૂ. 7,71,360 તથા 9 પેટી બિયરનો જથ્થો કિ.રૂ. 21,600 મળી કુલ કિં.રૂ. 7,92,960 તથા એલજીનો મોબાઇલ મળી કુલ રૂ. 8,17,960 નો મુદામાલ મળી આવ્યો હતો. આ દરોડા સમયે વાડી માલીક અરવિંદ રામોલીયા પણ વાડીએ હાજર હોવાથી તેની ઘરપકડ કરી પુછપરછ હાથ ઘરી હતી. જેમાં દારૂનો જથ્થો રસીક જીણા બાંભણીયા રહે.અંજાર-ઉના વાળો આપી ગયો હોવાનું ખુલ્યું હતુ. જેના આઘારે પોલીસે પ્રોહી એકટની કલમ 65 ઇ તથા 81 મુજબ અરવિંદ રામોલીયા તથા રસીક જીણા બાંભણીયા સામે ગુનો નોંઘી ઘોરણસરની કાર્યવાહી હાથ ઘરી છે. આ દરોડાના પગલે ઉનાનો કુખ્યાત બુટલેગર રસીક બાંભણીયા ફરાર થઇ જતા તેની ઘરપકડ કરવા પોલીસે તપાસ હાથ ઘરી છે.