છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૮૮ તાલુકામાં મેઘમહેર: સૌરાષ્ટ્રના ૩૨ ડેમમાં નવા નીરની આવક
બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થતા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારેસૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સુરતના ઉમરપાડામાં ૬ ઈંચથી વધુ વરસાદ ખાબકી જતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. સૌરાષ્ટ્રના પણ ઘણા ખરા વિસ્તારમાં ૧ થી ૪ ઈંચ સુધી વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ધોધમાર વરસાદના પગલે સૌરાષ્ટ્રના ૩૨ ડેમમાં નવા નીરની આવક થવા પામી છે. જ્યારે બીજીબાજુ વાત કરીએ તો, આવતીકાલથી બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ ફરી સર્જાવાથી સૌરાષ્ટ્રમા અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૮૮ તાલુકામા મેઘમહેર જોવા મળી છે અને સૌથી વધુ સુરત અને જૂનાગઢમાં વધુ વરસાદ નોંધાયો છે. આવતીકાલે બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેશર સક્રિય થતાં રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકના વરસાદની વાત કરીએ તો, સુરતના ઉમરપાડામાં ૬ ઈંચ, મંગરોળમાં સવા ૫ ઈંચ, જૂનાગઢના વિસાવદરમાં ૪ ઈંચ, નેતરંગમાં ૪ ઈંચ, કેશોદમાં ૩ ઈંચ, ડેડીયાપડામાં ૩ ઈંચ, કામરેજમાં અઢી ઇંચ, રાધનપુરમાં અઢી ઇંચ, સુરતમાં ૨ ઈંચ, ડીસામાં ૨ ઈંચ, પાલનપુરમાં ૨ ઈંચ, બગસરામાં દોઢ ઈંચ, ઓલપાડમાં દોઢ ઈંચ, વાપીમાં દોઢ ઈંચ, ભેંસાણમાં ૧ ઈંચ, ખાંભામા ૧ ઈંચ, ટંકારામાં ૧ ઈંચ, મહુવામાં ૧ ઈંચ વરસાદ નોંધાયો છે.