તંત્ર દ્વારા સૂર્યાસ્તથી સૂર્યોદય સુધી ખનીજ વાહન પર પ્રતિબંધ, પોલીસે રૂ.૧.૦૨ કરોડનો મુદામાલ જપ્ત કર્યો
સુરેન્દ્રનગર જિલ્લામાં રાતના સમયે ખનીજના વહન પર પ્રતિબંધ હોવા છતાં બેફામ વાહનો દોડતા હોવાની રાવ ઉઠી રહી છે. આવા સમયે જોરાવરનગર પોલીસે વઢવાણના મોટા મઢાદ ગામે દરોડો પાડતાં રોયલ્ટી પાસ વગર રેતીનું વહન કરતા ૮ ડમ્પરો જપ્ત કરીને ડીટેઇન કરાયા હતા.
સુરેન્દ્રનગર જિલ્લામાં ખાણ ખનીજ વિભાગ અને પોલીસ પણ ન ગણકારી ખનીજ માફીયાઓ પોલીસ પર હૂમલા કરી રહ્યા છે. જ્યારે બીજી તરફ તંત્ર દ્વારા સૂર્યાસ્તથી સૂર્યોદય સુધી ખનીજના વહન પર પ્રતિબંધ મૂકાયો હોવા છતાં બેફામ રેતીનું વહન થાય છે. ત્યારે જોરાવરનગર પીએસઆઇ એસ.એસ.વરૂ સહિતની ટીમે બાતમીને આધારે વઢવાણ તાલુકાના મોટા મઢાદ ગામના રસ્તા પર પુલ પર બુધવારે રાત્રે ૩-૦૦ કલાકે ચેકિંગ હાથ ધર્યું હતું.
જેમાં રોયલ્ટી પાસ વગર પસાર થતા આઠ ડમ્પરો ઝડપાયા હતા. આથી આઠ ડમ્પરો કિંમત રૂપિયા ૧.૦૨ કરોડ અને ૧૨૬ મેટ્રીક ટન રેતી કિંમત રૂપિયા ૩૧,૫૦૦ સહિત ૧,૦૨,૩૧,૫૦૦નો મુદ્દામાલ જપ્ત કરી તમામ વાહનો ડિટેઇન કરાયા હતા. જ્યારે આ વાહનના માલીકો પાસેથી દંડ વસૂલવા તમામ કાગળો ખાણ ખનીજ વિભાગને મોકલી અપાયા હતા.