ભાવનગરમાં બે ઈંચ, તળાજામાં દોઢ ઈંચ અને સિહોરમાં એક ઈંચ વરસાદ
અનરાધાર મેઘ મહેરના કારણે ગુજરાતમાં જૂલાઈ માસમાં ચાલુ સાલ ચોમાસાની સીઝનનો કુલ ૮૧ ટકાથી વધુ વરસાદ વરસી ગયો છે તો સૌરાષ્ટ્રમાં ૭૯ ટકા વરસાદ વરસી ગયો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજયના ૨૬ જિલ્લાના ૧૦૬ તાલુકાઓમાં વરસાદ પડયો છે. સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં ૪૩ મીમી વરસાદ વરસી ગયો છે. સૌરાષ્ટ્રમાં એકંદરે મેઘ વિરામ જેવા માહોલ વચ્ચે ભાવનગર જિલ્લામાં સામાન્ય ઝાપટાથી માંડી બે ઈંચ વરસાદ વરસ્યો છે.
આજે સવારે પુરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજયના ૨૬ જિલ્લામાં વરસાદ વરસ્યો છે. ચાલુ સાલ ચોમાસાની સિઝનમાં દોઢ માસમાં જ ગુજરાતમાં ૮૧.૦૫ ટકા વરસાદ વરસી ગયો છે. કચ્છ રિજીયનમાં ૮૩.૯૩ ટકા વરસાદ, ઉત્તર ગુજરાત રિજીયનમાં ૧૨૧.૮૧ ટકા વરસાદ, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૬૪.૬૧ ટકા વરસાદ, સૌરાષ્ટ્ર રિજીયનમાં ૭૯.૨૫ ટકા વરસાદ વરસ્યો અને દક્ષિણ ગુજરાતમાં ૮૨.૨૨ ટકા વરસાદ વરસી પડયો છે. રાજયમાં સરેરાશ ૮૧.૦૫ ટકા વરસાદ વરસી ગયો છે. રાજયના ૯ તાલુકાઓમાં ૧૨૫ થી ૨૫૦ મીમી વરસાદ, ૮૫ તાલુકાઓમાં ૨૫૧ થી ૫૦૦ મીમી વરસાદ, ૧૨૪ તાલુકાઓમાં ૫૦૧ થી ૧૦૦૦ મીમી વરસાદ અને ૩૨ તાલુકાઓમાં ૧૦૦૦ મીમીથી વધુ વરસાદ પડયો છે.
છેલ્લા ૨૪ કલાક દરમિયાન સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લાના ભાવનગર શહેરમાં ૪૩ મીમી, તળાજામાં ૩૪ મીમી, સિહોરમાં ૨૫ મીમી, મહુવામાં ૧૫ મીમી, ઘોઘા તથા જેશરમાં ૧૨ મીમી, વરસાદ વરસ્યો હતો. આજે સવારથી સર્વત્ર ઉઘાડ રહ્યો હતો.