અમદાવાદની ઘટના, વાઈલ્ડલાઈફ ક્રાઈમ કંટ્રોલ બ્યૂરો અને રાજ્યના વન વિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધરી એક શખ્સને પકડી પાડ્યો

નોળિયાને મારીને તેની પૂંછમાંથી પેઈન્ટ બ્રશ બનાવીને વેચવાના રાજ્યના અત્યારસુધીના સૌથી મોટા ધંધાનો પર્દાફાશ થયો છે. એમાં સરસપુરમાં બી.આર. બ્રશ ઈન્ડસ્ટ્રીઝના નામે પેઈન્ટ બ્રશનો ધંધો કરતા શખસને રંગેહાથ પકડવામાં આવ્યો છે. વાઈલ્ડલાઈફ ક્રાઈમ કંટ્રોલ બ્યૂરોના વેસ્ટ રીજનલ ડેપ્યુટી ડિરેક્ટર યોગેશ વારખડને માહિતી મળી હતી કે કેટલાક શખસો ગુજરાતના અમદાવાદમાં નોળિયાની પૂંછડીમાંથી બનેલા બ્રશ વેચે છે.

નોળિયો શિડ્યૂલ-2 અંતર્ગતનું વન્યજીવ હોવાથી તેને કેદ તેમજ તેનાં અંગોનું વેચાણ પ્રતિબંધિત છે. તેમને માહિતી મળતાં અમદાવાદ સિટી રેન્જના વન્ય અધિકારી સાથે ચર્ચા કર્યા બાદ વાઈલ્ડલાઈફ ક્રાઈમ કંટ્રોલ બ્યૂરો અને રાજ્યના વન વિભાગે સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું હતું. તપાસમાં સરસપુરમાં બી.આર. બ્રશ ઈન્ડસ્ટ્રીઝના માલિક પ્રતીક શાહ સુધી ટીમ પહોંચી હતી અને ડમી ગ્રાહક બનીને નોળિયાના બ્રશ માગ્યા હતા.

પ્રતીક શાહે તેમને અલગ અલગ રેન્જના બ્રશ બતાવ્યા હતા, જેમાં 100 મિમી સુધીની સાઈઝ હતી અને એ માટે 300થી 600 રૂપિયાના ડઝનનો હોલસેલ ભાવ આપ્યો હતો. માલ વેચતાં જ તેને રંગેહાથ ઝડપી લેવાયો હતો અને તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ હતી. પ્રતીકની પેઢીની તપાસ કરતાં અલગ અલગ સાઈઝના 7605 બ્રશ મળી આવ્યા હતા. ગુજરાતમાં પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં નોળિયાનાં અંગો મળી આવતાં વન વિભાગ ચોંકી ગયો હતો.

બ્યૂરો અને વન વિભાગના જણાવ્યા અનુસાર આ બ્રશ બનાવવા માટે ઓછામાં ઓછા 10,000 નોળિયાની હત્યા કરવી પડે. આટલા પ્રમાણમાં નોળિયાનો શિકાર ક્યાં કર્યો એ પૂછવામાં આવતા પ્રતીકે કહ્યું હતું કે તે ઉત્તરપ્રદેશના કેટલાક શખસોના સંપર્કમાં હતો, જે નોળિયાનો શિકાર કરીને વાળ સપ્લાય કરતા હતા, જેમાંથી બ્રશ બનતા હતા અને તે વેચતો હતો. વન વિભાગે જણાવ્યું હતું કે નોળિયાની પૂંછડીના વાળ એકદમ સુંવાળા હોય છે અને એને કારણે ઘણા કલાકારોમાં વર્ષોથી એવી ખોટી માન્યતા છે કે નોળિયાની પૂંછથી કલા વધુ નિખરે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.