Abtak Media Google News

પ્રેમ અને ધિક્કાર એક સિક્કાની બે બાજુ છે, ઉપર ચઢનાર જેમ નીચે પડે છે તેમ અંગત લોકો જ જીવનમાં આગ લગાડી શકે છે.જે પોષતું તે મારતું એ કવિ કલાપીની પંક્તિને આધુનિક યુવાનો (પ્રેમીઓ) સાચી ઠેરવે છે. સમાજને ટકાવી રાખવા કે આગળ લઈ જવા લગ્ન વ્યવસ્થા એ વર્ષોથી ચાલતી આવે છે. લગ્ન એટલે જેમ કહેવાયું છે કે બે વ્યક્તિ નહિ પણ બે કુટુંબનું મિલન થાય છે પણ આજના સમયમાં આ વ્યાખ્યા બદલાતી હોય એમ લાગે છે. છાશવારે લગ્નના 10, 15, 25 કે 30 દિવસમાં થતા છૂટાછેડા કે આત્મહત્યાએ બતાવે છે કે હવે ક્યાંકને ક્યાંક લગ્ન જીવનમાં પણ માનસિક સમસ્યાઓ પતિ કે પત્નીનો ભોગ લઈ રહી છે.

ઘણા કિસ્સાઓ એવા પણ સામે આવે છે કે હજુ મહિનો પણ ન થયો હોય અને નવદંપતિ માંથી કોઈ એકે કા તો આત્મહત્યા કરી હોય, કા મર્ડર થયું હોય અથવા છૂટાછેડા થયા હોય. તો આ વિશેના કારણો ક્યાં હોઈ શકે અને આટલી નફરત ક્યાંથી વિકસી શકે એ વિશેનો અભ્યાસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓએ અધ્યક્ષ ડો. યોગેશ એ. જોગસણ અને અધ્યાપક ડો. ધારા આર. દોશીના માર્ગદર્શનમાં *વિવિધ ઘટનાઓનું વિશ્લેષણ કરી કેસ સ્ટડી* કર્યો જેમાં નીચેના કારણો જોવા મળ્યા. આ ઘટનાઓ વિશે 100 સ્ત્રીઓ અને 80 પુરુષોનો રૂબરૂ સંપર્ક કરીને વિશ્લેષણ કરવામાં આવ્યું.

કારણો

ઓછી સહનશક્તિ

આજની પેઢીની સહનશક્તિ ઘણી ઓછી થઈ ગઈ છે, તેઓ કોઈપણ બાબતમાં અનુકૂળ નથી થઈ શકતા અને એટલે જ આજે તલાક ના કિસ્સાઓ વધતા જાય છે. પહેલાંના સમયમાં તલાક ને સોશિયલ સ્ટિગમા માનવામાં આવતું હતું, શરમજનક બાબત માનવામાં આવતી હતી, પરંતુ હવે તલાક એ ખૂબ સામાન્ય બાબત બની ગઈ છે. તેને લોકો સ્વીકારતા થયા છે. એ જ રીતે આજથી લગભગ દસ વર્ષ પહેલાં લગ્નને જરૂરી માનવામાં આવતું હતુ, પરંતુ હવે તેવું નથી. હવે કોઈ લગ્ન નથી કરતા તો કોઈ આશ્ચર્ય ની વાત નથી.

 

પાર્ટનર નહિ પણ પેકેજ જોઈએ છે

આજકાલ પ્રેમ, લગ્ન, બાળકો બધું માપી માપીને થાય છે. લોકોને લાઇફ પાર્ટનર નહિ પણ એક પેકેજ જોઈએ છે, જે એમની શારીરિક, માનસિક, આર્થિક, સામાજિક બધી જરૂરિયાતો પૂરી કરે.  જ્યારે મનના કે દિલના સંબંધો શરતો પર આધીન હોય તો તેના વ્યવસ્થિત ચાલવાની શક્યતા ઘણી ઓછી થઈ જાય છે. એ જ કારણ છે કે આજકાલ સંબંધો લાંબો સમય ટકતા નથી. આવા સંબંધોમાં પ્રેમ સિવાયની દરેક બાબતો હોય છે અને એટલે જ પ્રેમ ની ખામી રહી જાય છે અને એક્સ્ટ્રા મેરિટલ સંબંધો લોકો બાંધે છે

અતિશય મહત્વકાંક્ષા

હવે લગ્નની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. લેટ મેરેજ, લેટ ચિલ્ડ્રન, વર્કિંગ કપલ, ન્યુક્લિયર ફેમીલી વગેરે સમય સાથે પારિવારિક ઢાંચા અને તેની જરૂરિયાતો બદલાઈ રહી છે. બદલાવની આ લહેર ઘણા પરિવર્તનો લાવી રહી છે.એક્સ્ટ્રા મેડિકલ અફેર, લીવ ઇન રિલેશન જેવી બાબતો પણ આજે વધી રહી છે.

એક્સ્ટ્રા મેરિટલ અફેર

છૂટાછેડા કે લગ્ન સમસ્યાઓનું એક મુખ્ય કારણ એ એક્સ્ટ્રા મેરિટલ અફેર પણ છે. કામના વધતા કલાકો, કામની જગ્યા પર સ્ત્રી પુરુષ બંનેનું કલાકો સુધી સાથે કામ કરવું, પતિ પત્ની ની અસંતૃષ્ઠ સેક્સ લાઈફ વગેરેના કારણે એક્સ્ટ્રા મેરિટલ અફેર નું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે. ઘણા પતિ પત્ની એકબીજા સાથે સેક્સ નું પૂરતો આનંદ લઈ શકતા નથી, છતાં પાર્ટનરને ખુશ કરવા માટે ખોટું બોલે છે. તેવામાં કોઈ અન્ય તરફ ધ્યાન ભટકે છે અને સંબંધો લોકો બાંધે છે. આવા અસંતુષ્ટ સંબંધમાં ભાવનાત્મક સહારો મળે છે અને શારીરિક રૂપથી લોકો જોડાય છે.

પતિ પત્નીનું લાંબા સમય સુધી દૂર રહેવું

જ્યારે પતિ અથવા પત્ની ઘરની જરૂરિયાત માટે એકબીજાથી દૂર રહે છે ત્યારે શકયતા છે કે કોઈ બીજી વ્યક્તિ સાથે સબંધ શરૂ થઈ શકે. કારણકે શારીરિક જરૂરિયાત પૂર્ણ કરવા માટે એ કોઈ અન્ય વ્યક્તિનો આધાર લે છે અને તેની જાણ થતાં પરિણામ નિષેધક આવે છે.

 

સગાઓ કે કુટુંબીજનોની વધુ પડતી દખલગીરી

લગ્ન પછી પતિ પત્નીને એકબીજાને સમજવા માટે થોડો સમય જોતો હોય છે.પણ જ્યારે સતત વડીલો કે સગાઓની વધુ પડતી દખલગીરી હોય ત્યારે પણ છૂટાછેડા વધી જતાં હોય છે. સાસુ, સસરા,વડીલો જ્યારે સતત માનસિક કે શારીરિક ટોર્ચર કરતા હોય અને પતિ કે પત્ની તેમની વાતમાં આવીને નિર્ણય કરતા હોય ત્યારે પરિણામ વિપરીત આવી શકતું હોય છે.

 

36% સ્ત્રીઓનું માનવું છે કે જાતિય અસંતોષ આક્રમક પરિણામનું કારણ હોઈ શકે છે.

*63% પુરુષ માને છે કે જાતિય જીવનમાં સ્ત્રીઓ આધુનિક નથી બનતી માટે અન્ય જગ્યાએ અફેર થતો હોય છે.

*54% પુરુષોનું માનવું છે કે જાતિય સબંધથી દુર રહેવાને કારણે વિજાતીય પાત્ર પ્રત્યે ધિક્કાર જાગતો હોય છે.

*76% સ્ત્રીઓનું માનવું છે કે પુરુષોના અન્ય સ્ત્રી સાથેના સબંધની જાણ છુટાછેડા તરફ લઈ જાય છે.

*27% પુરુષોનું માનવું છે કે રોમેન્ટિક રિલેશનશિપ શોધવાની ઘેલછામાં સ્ત્રીઓ જાતિય સબંધમાં રસ ધરાવતી નથી એટલે આંતરિક ઝઘડા શરુ થાય છે.

*67% સ્ત્રીઓનું માનવું છે કે પુરુષોનું ખોટું બોલવાનું તેમના લગ્ન જીવનમાં વિઘ્ન ઉભું કરે છે.

*36% સ્ત્રીઓનું માનવું છે કે સ્ત્રીને નીચી દેખાડવા માટે, બદલો લેવા માટે, જુઠી શાન દેખાડવા માટે પુરુષ અહમ સ્ત્રીઓ સાથે ખરાબ હરકત કરે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.