તાજેતરમાં રાજ્યસભામાં ન્યાયાધીશોની નિયુક્તિ અંગે એક આંકડો રજૂ કરવામાં આવ્યો છે જે મુજબ વર્ષ 2018થી વિવિધ હાઈકોર્ટમાં નિમણૂક કરાયેલા 650 ન્યાયાધીશોમાંથી 492 જજ એટલે કે 76% જજ ઉચ્ચ જ્ઞાતિઓમાંથી આવે છે. કાયદા મંત્રાલયે આ માહિતી રાજ્યસભામાં આપી હતી.
હાઈકોર્ટના ન્યાયાધીશ પદ માટે વકીલો અને ન્યાયિક અધિકારીઓની ભલામણો દરમિયાન વિવિધ હાઈકોર્ટ કોલેજિયમ દ્વારા ડેટા ઉપલબ્ધ કરાવવામાં આવ્યો હતો.
492 જનરલ, 20 એસસી, 12 એસટી, 77 ઓબીસી, 36 લઘુમતી શ્રેણીના જજો સાથે પાંચ વર્ષમાં 650 ન્યાયાધીશોની નિયુક્તિ
કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં ગુરુવારે કહ્યું કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશોની નિમણૂકમાં અનામતની કોઈ જોગવાઈ નથી.
મેઘવાલે જણાવ્યું હતું કે હાઈકોર્ટના ન્યાયાધીશોમાં ઓબીસી, એસસી, એસટી અને લઘુમતીઓના પ્રતિનિધિત્વને લગતો કોઈ ડેટા કેન્દ્રીય રીતે જાળવવામાં આવતો નથી, જ્યારે તેઓને ઉન્નતિ માટે ધ્યાનમાં લેવામાં આવ્યા હતા ત્યારે તેમની સામાજિક પૃષ્ઠભૂમિ પરની માહિતી ભલામણકર્તાઓ દ્વારા પ્રદાન કરવામાં આવી હતી.
2018થી નિમણૂક કરાયેલા 650 હાઈકોર્ટના ન્યાયાધીશોમાંથી 6 ડિસેમ્બર સુધીમાં 492 ન્યાયાધીશો જનરલ કેટેગરીના, 20 ન્યાયાધીશો અનુસૂચિત જાતિના, 12 ન્યાયાધીશો અનુસૂચિત જનજાતિના, 77 ન્યાયાધીશો ઓબીસી શ્રેણીના, 36 ન્યાયાધીશો લઘુમતીઓના છે. જયારે બાકીના 13 ન્યાયાધીશો વિશે કોઈ માહિતી ઉપલબ્ધ નથી, તેવું મેઘવાલે જણાવ્યું હતું.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો માટે સરકારે કહ્યું કે તેની પાસે તેમની જાતિની શ્રેણી વિશે કોઈ માહિતી ઉપલબ્ધ નથી. 8મી ડિસેમ્બરના રોજ સર્વોચ્ચ અદાલતમાં 34 ન્યાયાધીશો સાથે સંપૂર્ણ સંખ્યા હતી, જ્યારે હાઈકોર્ટમાં 1,114ની મંજૂર સંખ્યા સામે 790 ન્યાયાધીશો હતા.