- બાળકોને લગતા 33 હજાર ગુના નોંધાયા: 7 વર્ષમાં 91 કસ્ટોડીયલ ડેથ
દેશ સતત વધી રહેલી ગુન્હાખોરી અને મહિલાને લગતા ગુન્હાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ભાજપ સરકારમાં કાયદા વ્યવસ્થાની સ્થિતી સતત કથળી રહી છે ત્યારે શું આ છે સલામત ગુજરાત? તેવો વેધક પ્રશ્ન સાથે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા ક્ધવીનર અને પ્રવક્તા ડો.મનીષ દોશીએ જણાવ્યું હતું કે ભાજપ સરકારના રાજમાં દેશમાં ગુનાખોરીમાં વધારો થયો છે. રાજ્યમાં પણ ગુનાખોરીમાં વધારો થતા આંકડા સામે આવ્યા છે. દેશમાં મહિલાઓને લગતા 33,93,294 ગુના નોધાયા છે.
ગુજરાતમાં છેલ્લા નવ વર્ષમાં મહિલાઓને લગતા 75499થી વધુ ગુનાઓ નોંધાયા છે. દેશમાં 9 વર્ષમાં મહિલાઓ પર દુષ્કર્મના 3 લાખથી વધુ અને ગુજરાતમાં 5560 થી વધુ કેસ નોધાયા છે. દેશમા અનુસૂચિત જાતિને લગતા 4,16,990 ગુનામાં અને ગુજરાતમાં 11751થી વધુ ગુન્હાઓ નોંધાયો છે. ભાજપ શાસનમાં મહિલા, અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિને લગતા ગુન્હાઓ તો વધ્યા જ છે પરતું બાળકોને લગતા ગુન્હામાં પણ ચિંતાજનક વધારો છે. દેશમાં બાળકોને લગતા 12 લાખ જેટલા ગુન્હાઓ અને ગુજરાતમાં 33,000 જેટલા ગુન્હાઓ નોધાયા છે. વર્ષ 2022માં મહિલાઓને લગતા 4,45,256 જેટલા ગુન્હાઓ નોધાયા છે. જેમાંથી ગુજરાતમાં 7731 જેટલા ગુન્હાઓ નોધયા હતા. ગુજરાતમાં વર્ષ 2016થી 2022 સુધીમાં 97 કસ્ટોડીયલ ડેથ થયા છે.
રાજ્યના ગૃહમંત્રીનાં શહેર સુરતમાં ક્રાઇમ રેટ ત્રણ વર્ષ 50 ટકા કરતા વધ્યો છે. સલામત ગુજરાતની વાત કરનાર ભાજપ સરકારમાં હિરા અને ટેક્ષટાઈલની નગરી સુરતમાં જ ક્રાઇમ રેટમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 60 દિવસ કરતા વધુ સમય પસાર થઈ ગયો હોવા છતાં કાયમી પોલીસ કમિશ્નરની નિમણુંક અંગે હજુ સુધી સરકાર કેમ નિર્ણય કરતી નથી ? તત્કાલીન મુખ્યમંત્રીએ પણ ભાજપ સરકારના ગૃહવિભાગમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર થાય છે તેમ જણાવ્યું હતું. સુરતમાં ગુન્હાખોરીમાં ગત 3 વર્ષમાં 50.45 ટકાનો વધારો થયો છે.
સુરતમાં વસ્તુઓ ચોરાઈ જવાની ચિંતામાં 34.47 ટકા, કાર ચોરાઈ જવાની ચિંતા 26.45 ટકા અને ભ્રષ્ટાચાર- લાંચની ચિંતા 55.53 ટકા જેટલો છે ગુનાખોરીમાં સુરત અવ્વલ નંબરે આવી ગયુ છે. સુરતમાં 72 કલાકમાં આઠથી વધુ હત્યા-ખૂનના કિસ્સાઓ સામે આવ્યા છે. મહિલાઓ સાથે અત્યાચારનાં ગુન્હાઓમાં સતત વધારો થયો. દેશમાં છેલ્લા 10 વર્ષમાં ગુન્હામાં સતત વધારો થયો છે. રાજ્યમાં અપહરણ, બળાત્કાર, ઘરેલુ હિંસા, દહેજ મૃત્યુ અને શોષણ, મહિલાઓ પર ઍસિડથી પણ હુમલા, મહિલાઓનું ટ્રાફિકીંગ, મહિલાઓ સાઇબર ક્રાઇમ સહિતના ગુન્હાઓ થઇ રહ્યા છે. મહિલાઓને લગતા અપરાધના મામલા વધી રહ્યાં છે ત્યારે મહિલાઓ પર થતા અત્યાચારો ઉપર લગામ લગાવવા અને દીકરીઓને સુરક્ષા આપવામાં નિષ્ફળ ભાજપ સરકાર જવાબ આપે.