• મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દેવભૂમિ દ્વારકાના ગાંધવી ગામ ખાતે‘૭૫મો વન મહોત્સવ’યોજાશે
  • આગામી તા.૨૬જુલાઈએ રાજ્યકક્ષાના વન મહોત્સવમાં મુખ્યમંત્રીના હસ્તે ૨૩માં સાંસ્કૃતિક ‘હરસિદ્ધિ વન’નું લોકાર્પણ કરાશે:અત્યાર સુધીમાં ૨૨ સાંસ્કૃતિક વનોનું નિર્માણ
  • વિવિધ પ્રજાતિના અંદાજિત ૪૧,૬૧૯ રોપાઓઓનું ‘હરસિદ્ધિ વન’માં થયું છે વાવેતર
  • રાજ્યમાં ૩૩ જિલ્લા કક્ષાએ, ૮ મહાનગરપાલિકા, ૨૫૦ તાલુકા કક્ષાએ તેમજ ૫,૫૦૦ ગ્રામીણ કક્ષાએ ‘વન મહોત્સવ’ યોજાશે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘એક પેડ મા કે નામ’ અભિયાનને સફળ બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં દેવભૂમિ દ્વારકાના કલ્યાણપૂર તાલુકાના ગાંધવી ગામ ખાતે આવેલા પૌરાણિક તથા ઐતિહાસિક મહત્વ ધરાવતા હરસિદ્ધિ માતા મંદિર ખાતે આ વર્ષે ‘૭૫મો વન મહોત્સવ’ યોજાશે. પર્યાવરણના જતનની નેમ સાથે ગુજરાતમાં ‘વન મહોત્સવના’ આ વર્ષે ૭૫ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે.

મુખ્યમંત્રીના હસ્તે તેમજ વન-પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરા અને વન-પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં આગામી તા. ૨૬ જુલાઈ-૨૦૨૪ના રોજ રાજ્યકક્ષાના વન મહોત્સવની ઉજવણી નિમિત્તે સવારે ૧૧.૦૦ કલાકે ૨૩માં સાંસ્કૃતિક વન ‘હરસિદ્ધિ વન’નું લોકાર્પણ કરવામાં આવશે. કોયલા ડુંગરની પાછળ આવેલા આ નવીન ‘હરસિદ્ધિ વન’ ખાતે વિવિધ પ્રજાતિના અંદાજિત ૪૧,૬૧૯ રોપાઓઓનું વાવેતર કરવામાં આવ્યું છે. આ સાથે રાજ્યમંત્રી મંડળના સભ્યઓની ઉપસ્થિતિમાં વિવિધ ૩૩ જિલ્લા કક્ષાએ, ૮ મહાનગરપાલિકા કક્ષાએ, ૨૫૦ તાલુકા કક્ષાએ તેમજ ૫,૫૦૦ ગ્રામીણ કક્ષાએ ‘૭૫મો વન મહોત્સવ’ યોજાશે.

જયારે પર્યાવરણીય સમસ્યાઓથી ખાસ કોઈ જાગૃત ન હતું તે સમયે ગુજરાતના મહાન સપૂત-દીર્ઘદ્રષ્ટા એવા સ્વ. કનૈયાલાલ મુનશીએ આજથી અંદાજે ૭૫ વર્ષ પહેલાં રાજ્યમાં પ્રથમવાર વન મહોત્સવની ઉજવણી શરૂ કરી હતી. પર્યાવરણની ઉજવણીનો અનોખો લોકોત્સવ એટલે ‘વન મહોત્સવ-વનો:વૃક્ષોનો પર્વ’. તે સમયથી વન મહોત્સવની ઉજવણી કરવાની પ્રથા ગુજરાતમાં આજ પર્યત ચાલુ છે.

ભારતની વિવિધ સંસ્કૃતિઓને ધ્યાનમાં રાખી કરવામાં આવેલા વૃક્ષ વાવેતરોને સામાન્ય રીતે ‘સાંસ્કૃતિક વનો’ તરીકે ઓળખવામાં આવે છે. પર્યાવરણ અને સંસ્કૃતિના અનોખા સમન્વય થકી વન મહોત્સવના કાર્યક્રમને જન જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્યથી ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દૂરંદેશી નેતૃ્ત્વમાં વર્ષ ૨૦૦૪માં સાંસ્કૃતિક વન નિર્માણની શરૂઆત થઈ હતી. વન મહોત્સવ અંતર્ગત રાજ્યમાં પ્રથમવાર ગાંધીનગરમાં ગ્રહ, નક્ષત્ર, રાશિ અને સંસ્કૃતિ આધારિત સાંસ્કૃતિક ‘પુનિત વન’ સાકાર થયું, ત્યારબાદ દર વર્ષે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં થીમ આધારિત નવા સાંસ્કૃતિક વનની હારમાળા શરૂ થઈ. આ સાંસ્કૃતિક વનો આજે પર્વારણના રક્ષણ સાથે પ્રવાસન સ્થળ તરીકે પણ વિકાસ પામ્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતની તમામ સરકારોએ આ પરંપરાને ગુજરાતમાં યથાવત રાખી છે, જેના પરિણામે આજે ગુજરાતમાં વિવિધ ૨૨ સાંસ્કૃતિક વનો નિર્માણ પામ્યા છે. જેમાં પુનિત વન- ગાંધીનગર, માંગલ્‍ય વન-અંબાજી, તીર્થકર વન- તારંગા, હરિહર વન-સોમનાથ, ભક્તિ વન-ચોટીલા, શ્‍યામલ વન-શામળાજી, પાવક વન-પાલીતાણા, વિરાસત વન-પાવાગઢ, ગોવિંદ ગુરૂ સ્‍મૃતિ વન-માનગઢ, નાગેશ વન-દ્વારકા, શક્તિ વન- કાગવડ, જાનકી વન-વાસદા, મહીસાગર વન-આણંદ, આમ્ર વન- વલસાડ, એકતા વન-સુરત, શહીદ વન-જામનગર, વિરાંજલી વન-વિજયનગર, રક્ષક વન-ભૂજ, જડેશ્વર વન-અમદાવાદ, રામ વન-રાજકોટ, મારૂતિનંદન વન-વલસાડ, વટેશ્વર વન-સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે.

નવીન હરસિદ્ધિ વનની વિશેષતાઓ:

રાજ્યમાં સાંસ્કૃતિક પ્રવાસનને પ્રોત્સાહન મળે તે હેતુથી ગુજરાતના દ્વારકા-સોમનાથ સાંસ્કૃતિક કોરીડોરની મધ્યમાં આવેલા તેમજ નેશનલ હાઈવે ૫૧ના મુખ્ય માર્ગથી માત્ર બે કિ.મી. દૂર હોવાથી આ વન પર્યાવરણ પ્રેમીઓને વિશેષ આકર્ષિત કરશે. નોંધનીય છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકામાં પણ વર્ષ ૨૦૧૩-૧૪માં ૬૪માં વન મહોત્સવ દરમિયાન ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પૌરાણિક-ધાર્મિક મહત્વ ધરાવતાં ૧૨ જ્યોતિર્લિંગ પૈકીના શ્રી નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે નાગેશ વનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આમ, દેવભૂમિ દ્વારકા જિલ્લાને વન વિભાગ દ્વારા બીજા સાંસ્કૃતિક વન તરીકે “હરસિદ્ધિ વન”ની ભેટ મળવા જઈ રહી છે.

સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિની ઝલક દર્શાવતી ‘સૌરાષ્ટ્રની સુગંધ’ થીમ સાથે રાજ્યના ૨૩માં સાંસ્કૃતિક “હરસિદ્ધિ વન”માં નવા અભિગમ સાથે પ્રવાસીઓને અનેક આકર્ષણો જોવા મળશે. જેવા કે મુખ્ય દ્વાર, પ્રવેશ પરિસર, હરસિદ્ધિ માતાજી સાંસ્કૃતિક વાટીકા, સેરેમોનીયલ ગાર્ડન, શ્રી કૃષ્ણ ઉપવન, શ્રી કૃષ્ણ કમળ વાટીકા વગેરે જેવા સાંસ્કૃતિક આકર્ષણો નિમાર્ણ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સાંસ્કૃતિક વનમાં મુખ્ય વન તરીકે સ્વાગત વાટીકા, આયુષવન, વન કવચ, વાઈલ્ડ લાઇફ ઝોન, તાડ વાટીકા, પવિત્ર ઉપવન, સ્ટોન મેઝ ગાર્ડન, સ્ટોન થેરાપી વોક વે, ગુગળ વન, કેક્ટસ વાટીકા વગેરે જેવા વનોનું નિમાર્ણ કરવામાં આવ્યું છે.
આ વનમાં વિવિધ પ્રજાતિના અંદાજિત ૪૧,૬૧૯ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં સ્થાનિક પ્રજાતિના વૃક્ષો, વડ, પીપળો, પ્રાગ વડ, વગેરેનો સમાવેશ થાય છે. દરિયાકાંઠે ઉછરી શકે તે માટે તેને અનુરૂપ રોપાઓ જેવા કે, પીલુ, નાળીયેર, બદામ, અરણી વગેરે વૃક્ષો પણ ઉછેરવામાં આવ્યા છે. ગૂગળ વન તથા કેક્ટસ વાટીકા વગેરેમાં તેના નામને અનુરૂપ પ્રજાતિઓ સાથે અન્ય પ્રકારના સુશોભનના રોપાઓ પણ ઉછેરવામાં આવ્યા છે.

ઉપરાંત ઉજાણી સ્થળ તરીકે પર્યટકો આકર્ષાય તે સંદર્ભમાં આ સાસ્કૃતિક વનમાં બાળવાટીકા, સેલ્ફી પોઇન્ટ ગાર્ડન, બીચ થીમ સીટીંગ એરીયા, મેડીટેશન ગઝેબો, ગઝેબો, સનસેટ પોઇન્ટ વગેરે પણ તૈયાર કરવામાં આવ્યા છે. પર્યટકોની સુગમતા ધ્યાને લઈ પાર્કીંગ એરીયા, પીવાના પાણી-શૌચાલય તેમજ રોપા વેચાણ કેન્દ્ર જેવી જન સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આમ ગાંધવી ગામ ખાતે નિર્મિત “હરસિદ્ધિ વન” પર્યાવરણના જતનની સાથે રાજ્યના નાગરિકોની સુખાકારી માટે રાજ્ય સરકારનું વધુ એક ઉત્કૃષ્ટ પહેલ સાબિત થશે તેમ, વન વિભાગની યાદીમાં વધુમાં જણાવાયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ વનનું નામાભિધાન ગુજરાતના પ્રસિદ્ધ હરસિદ્ધિ માતા મંદિર પરથી કરવામાં આવ્યું છે. આ મંદિર સાંસ્કૃતિક, પ્રાકૃતિક તેમજ ઐતિહાસિક મહત્વ ધરાવે છે. ગુજરાતને પ્રાકૃતિક રીતે ૧,૬૦૦ કિ.મી. જેટલી વિશાળ
દરીયાઈ પટ્ટીની ભેટ મળેલી છે ત્યારે રાજ્યના પશ્ચિમ કિનારે હાલારના રમણીય સાગરકાંઠાના કિનારે ગાંધવી ગામની
હદમાં મેઢાખાડીના કિનારે પ્રસિદ્ધ હરસિદ્ધિ માતાજીનું ‘ચાલુક્ય કાળ’નું મંદીર આવેલું છે. આ ડુંગરની તળેટીમાં પણ માતા હરસિદ્ધિ બિરાજમાન છે. આ મંદિર સિંહોના બીજા પ્રાકૃતિક આવાસ તરીકે જાણીતા બરડા વન્યજીવ અભયારણ્યની નજીક આવેલું છે. હાલાર અને સોરઠની ધરતીની સરદહ પર હરસિદ્ધિ માતાનું તીર્થધામ ભગવાન શ્રી કૃષ્ણ તથા રાજા વિક્રમાદિત્યના કુળદેવીનું સ્થાનક છે. વધુમાં આ મંદીર સાથે ભગવાન શ્રી કૃષ્ણ, કચ્છના વેપારી જગડુશા તથા રાજા વિક્રમાદિત્યની પૈરાણિક કથાઓ પણ જોડાયેલી છે.

જનક દેસાઈ

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.