સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ઓબીસી અનામત નકકી ન કરાતા ચૂંટાયેલા પ્રતિનિધિઓના બદલે અધિકારીઓ રાજ કરશે

સ્થાનીક સ્વરાજયની ચુંટણીમાં ઓબીસી અનામત નકકી કરવામાં આવતા રાજયની 4137 ગ્રામ પંચાયત, ર જિલ્લા પંચાયત, 17 તાલુકા પંચાયત, 7પ નગરપાલિકાઓમાં માર્ચ મહિનાથી વહિવટદાર શાસનના ભણકારા વાગી રહ્યા છે. રાજયની વર્તમાન ભાજપ સરકાર સ્થાનીક સ્વરાજયમાંથી ઓબીસી અનામત ખત્મ કરવા ઇચ્છી રહી છે તેવો આક્ષેપ વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા દ્વારા લગાવવામા આવ્યો છે.

આગામી 31મી માર્ચના રોજ 3507 ગ્રામ પંચાયત, 590 વિભાજનવાળી ગ્રામ પંચાયત, 30 વિસર્જન પામેલી ગ્રામ પંચાયત સહિત કુલ 4127 પંચાયતની મુદત પૂર્ણ થઇ રહી છે. જયારે 2976 ગ્રામ પંચાયતના 3627 વોર્ડ અને 134 સરપંચની ચૂંટણી યોજવાની બાકી છે. બનાસકાંઠા અને ખેડા જીલ્લા પંચાયત: 17 તાલુકા પંચાયતની મુદત પણ પૂર્ણ થઇ રહી છે.

જયારે ચાલુ માસ અર્થાત ફેબ્રુઆરીમાં 7ર નગરપાલિકા ઉપરાંત વિસર્જન થયેલી બોટાદ, બોરસદ અને વાંકાનેર નગરપાલિકાની ચુંટણી યોજવાની હતી., 3 મહાનગરપાલિકાના 39 નગરપાલિકા, પ જિલ્લા પંચાયત, અને 37 તાલુકા પંચાયતોમાં ખાલી પડેલી બેઠકો માટે પણ પેટા ચુંટણી યોજવાની બાકી છે. રાજય સરકાર દ્વારા સ્થાનીક સ્વરાજયની ચુંટણીમાં અનામત  નકકી કરવા માટેનો અહેવાલ આપવા રચાયેલી સમિતિની મુદત 20મી માર્ચ સુધી વધારવામાં આવી છે આવામાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગર પાલિકામાં વહિવટદાર શાસનના ભણકારા સંભળાય રહ્યા છે.

ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમીત ચાવડાએ  જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના શાસન અને નીતિરીતિના કારણે આજે ગુજરાતમાં ચુંટાયેલા પ્રતિનિધિઓને બદલે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં વચેટિયાઓ અને વહીવટદારોનું શાસન પ્રસ્થાપિત થવા જઈ રહ્યું છે. આપણે સૌ જાણીએ છે કે, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ત્રિસ્તરીય પંચાયતી માળખું, નગરપાલિકા, મહાનગરપાલિકા આ તમામ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ઓબીસી અનામત સંદર્ભે સુપ્રિમ કોર્ટ દ્વારા 11 મે, 2010ના રોજ ચુકાદો આપવામાં આવ્યો. જે તે સંસ્થાઓમાં જે તે રાજ્યો ઓબીસીની વસ્તી આધારિત અનામત માટેની વ્યવસ્થાની જોગવાઈ કરે. 2010માં ચુકાદો આવ્યો, ગુજરાત સરકારે 10 વર્ષ સુધી તેના વિશે કોઈ પણ જાતનું લક્ષ ના આપ્યું.

2021માં જ્યારે સુપ્રિમ કોર્ટે ફરી આદેશ કર્યા, કડક ઉઘરાણી કરી ત્યારે પણ સરકારે એનો અમલ ન કર્યો અને છેવટે જુલાઈ, 2022માં સરકારે આ ઓબીસી અનામત જે ગુજરાતમાં 52% ઓબીસી સમાજની વસ્તી એને જે 10% સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં અનામત મળતી હતી તે ખતમ કરી, જુલાઈમાં સુપ્રિમ કોર્ટના આદેશનું મોડેમોડે અમલ કરી સમર્પિત આયોગની રચના જસ્ટિસ ઝવેરીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી. જ્યારે આયોગની જાહેરાત થઈ ત્યારે કહેવામાં આવ્યું હતું કે આયોગ દ્વારા 90 દિવસની અંદર તમામ બાબતોનો અભ્યાસ કરી તમામ લોકોના અભિપ્રાય સાથે સાંકળી સરકારને રિપોર્ટ સબમિટ કરવામાં આવશે. તાત્કાલિક એ રિપોર્ટના આધારે ઓબીસી સમાજને અનામત માટેની જોગવાઇ કરવામાં આવશે. આજે 90 દિવસને બદલે લગભગ 8 મહિના જેટલો સમય થઈ ચૂક્યો છે.

એની મુદત પૂરી થઈ હોવા છતાં ખૂબ લાંબો સમય થવા હોવા છતાં રિપોર્ટ સબમિટ થયા નથી. 10 ફેબ્રુઆરીએ જ્યારે તેની મુદત પૂર્ણ થતી હતી ત્યારે ફરી તેની મુદત વધારવામાં આવી છે. આપણે સૌ જાણીએ છે કે આના કારણે ઓબીસી સમાજનો અધિકાર તો છીનવાયો પણ સાથે સાથે ગુજરાતમાં જે મોટા પ્રમાણમાં ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો, નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ અનેક જગ્યાઓ જે ચુંટણીઓ હતી તે પણ આના કારણે થઈ શકતી નથી. લગભગ 2,500 જેટલી ગ્રામપંચાયતોમાં ગત ડિસેમ્બર મહિનાની આસપાસ જ વહીવટદારો નિમાયી ચૂક્યા હતા અને એ જ રીતે હજુ પણ આ રિપોર્ટમાં વિલંબ થવાના કારણે આ ફેબ્રુઆરીના અંત સુધીમાં જે બાકીની ગ્રામ પંચાયતોની ચૂંટણી ડ્યુ છે તે તમામ જગ્યાઓ પણ વહીવટદારો મૂકવા ફરજિયાત બનશે.

પંચાયત ધારો કાયદાની જોગવાઇ મુજબ લાંબો સમય વહીવટદારો મૂકી શકાતા નથી. ચુંટાયેલ પાંખ દ્વારા જ વહીવટ થવી જોઈએ તે કાયદાથી પ્રસ્થાપિત છે તેમ છતાં પણ સરકાર ક્યાંક ને ક્યાંક ચૂંટાયેલા પ્રતિનિધિ કે પાંખના બંધારણીય અધિકાર છીનવીને પોતાના ઇશારે, પોતાની મરજી મુજબ ચાલતા હોય તેવા વહીવટદારોથી શાસન ચલાવવાની માનસિકતાથી કામ કરે છે. જ્યારે હવે ફરીથી આયોગની મુદત વધારી છે તેનાથી ચિંતા છે કે આવનારા દિવસોમાં લગભગ ગુજરાતમાં 7,100 કરતા વધુ ગ્રામપંચાયતોમાં વહીવટદારો વહીવટ કરશે.

ગુજરાતમાં 2 જિલ્લા પંચાયતો એટલે કે બનાસકાંઠા અને ખેડાની ચુંટણીઓ ડ્યુ છે. એ ચુંટણીઓ પણ સમયસર નહિ યોજાય એટલે વહીવટદારોનું શાસન આવશે. ગુજરાતમાં 17 તાલુકા પંચાયતોની ચૂંટણી ડ્યુ છે ત્યાં પણ વહીવટદારોનું શાસન આવશે. ગુજરાતમાં 72 નગરપાલિકાઓમાં ચુંટણી ડ્યુ છે અને 3 નગરપાલિકા વિસર્જિત કરવામાં આવી છે એટલે કે લગભગ 75 નગરપાલિકામાં ચુંટણી ડ્યુ થતાં ત્યાં પણ વહીવટદારોનું શાસન આવશે. તેનો સ્પષ્ટ મતલબ છે કે સરકાર એક બાજુ લોકોના હાથમાં વહીવટ આપવાની વાત કરે અને બીજી બાજુ બંધારણીય લોકોને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા શાસન ચાલે તેની બદલે પોતાના ઇશારે પોતાના કહ્યા મુજબ ચાલવા વાળા વહીવટદારોથી શાસન ચલાવવાની માનસિકતાથી કામ કરે છે.

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં અનામત નક્કી કરવાના અહેવાલની મુદ્ત ફરી વધારાઇ

ગ્રામ્ય પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં પછાત વર્ગો માટે કેટલી બેઠકો અનામત રાખવી? તે નક્કી કરવા અને સર્વે કરવા માટે રાજ્ય સરકાર દ્વારા એક સમિતિની રચના કરવામાં આવી હતી. જેની મુદ્તમાં વધુ એક વખત વધારો કરવામાં આવ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પછાત વર્ગોની બેઠકો નક્કી કરવા માટે સમર્પિત આયોગને અહેવાલ અને ભલામણ સોંપવાની મુદ્ત 20મી ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવી હતી. જેમાં અવધિ લંબાવવામાં આવી છે. હવે સમિતિ દ્વારા 20મી માર્ચ સુધીમાં અહેવાલ સોંપવાનો રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.