આ રોકડ પાર્ટી ફંડનું છે, પોલીસને જોઈને અમારા નેતા ભાગ્યા હતા, પોલીસ ખોટી રીતે ટોર્ચર કરી રહી છે : રઘુ શર્માના નિવેદનથી ખળભળાટ
ગુજરાત વિધાનસભા ચુંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. રાજકીય પક્ષો પૂરી તાકાત કામે લગાડી પ્રચાર કરી રહ્યા છે ત્યારે સુરતમાંથી 75 લાખની રોકડ રકમ મળવી અને કોંગ્રેસનું કનેક્શન ખૂલવાને કારણે રાજકારણ ગરમાયું છે ત્યારે કોંગ્રેસના અગાઉ કોંગ્રેસે નનૈયો ભણ્યા બાદ કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ જ આ રોકડ કોંગ્રેસની હોવાનો સ્વીકાર કરતા ખળભળાટ મચી ગયો છે.
તાજેતરમાં સુરત શહેરના મહિધરપુરા વિસ્તારમાં સ્ટેટિક સર્વેલન્સ ટીમ દ્વારા વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. દરમિયાન એક ઈનોવા કારમાંથી 75 લાખની રોકડ મળી આવી હતી. આ ઉપરાંત કારમાંથી કોંગ્રેસના સિમ્બોલવાળા વીવીઆઈપી પાર્કિંગ પાસ પણ મળી આવ્યા હતા. જપ્ત કરાયેલી કારમાંથી કોંગ્રેસનું પેમ્ફલેટ મળી આવતા મામલો ગરમાયો હતો.
આ કારમાં ત્રણ મુસાફરો હતા. જેમાંથી એક ભાગી જવામાં સફળ રહ્યો હતો. અન્ય બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે ધરપકડ કરાયેલ બે વ્યક્તિઓમાંથી એક ઉદય ગુર્જર દિલ્હીનો રહેવાસી છે અને મોહમ્મદ ફૈઝ સુરતનો રહેવાસી છે. જ્યારે ફરાર વ્યક્તિ સંદીપ કર્ણાટકનો રહેવાસી હોવાનું કહેવાય છે. આ ઉપરાંત ત્રણેય શખ્સોએ અધિકારી સમક્ષ કબૂલાત કરી હતી કે તેઓ આર.આર.આંગડિયા કંપનીમાંથી પૈસા લેવા આવ્યા હતા.
સુરતની કારમાંથી ઝડપાયેલા 75 લાખ રૂપિયાના કેસમાં કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ નિવેદન આપ્યું હતું અને સ્વીકાર્યું હતું કે 75 લાખ રૂપિયા કોંગ્રેસના છે. અને ઉમેર્યું હતું કે તે પાર્ટી ફંડના છે. આટલું જ નહીં કોંગ્રેસના નેતા જે દોડતા હતા તે બીએમ સંદીપ હતા. તેઓએ એમ પણ કહ્યું કે અમારા નેતાઓ પોલીસના ડરથી ભાગી ગયા હતા. બીજી તરફ રઘુ શર્માએ પણ પોલીસ પર ખોટી રીતે ટોર્ચર કરવાનો આરોપ લગાવ્યો હતો.
રાષ્ટ્રીય પ્રવક્તાએ આમાં કોંગ્રેસને કઈ લેવા દેવા ન હોવાનું જણાવી મગનું નામ મરી ન પાડ્યું!!
ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના રાષ્ટ્રીય પ્રવક્તા અને સૌરાષ્ટ્ર પ્રભારી અજય ઉપાધ્યાય મોરબી પધાર્યા હોય ત્યારે જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે તેઓએ પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં 75 લાખની રોકડ મળવા અંગે તેઓએ જણાવ્યું હતું કે કોંગ્રેસનું કનેક્શન હોય તો સરકાર તેની તપાસ કરાવે. કોંગ્રેસ કાર્યકરોને આ મેટર સાથે કોઈ લેવાદેવા નથી. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આતંકવાદી સાથે ગૃહમંત્રીના ફોટો છે. ફોટો હોવાથી કઈ સાબિત થતું નથી. આ સાજીશ કરવામાં આવી છે.