વેપારી પાસે કુલ રૂ.૮૩ લાખનું રોકાણ કરાવી બાદમાં આરોપીએ નવ લાખ પરત આપી હાથ ઊંચા કરી દેતા ગુનો નોંધાયો ‘ તો

શહેરમાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા વેપારીને ડુંગળી-બટાકાના ધંધામાં રોકાણ કરવાના બહાને ૭૩ લાખની છેતરપીંડી કરવાના ગુનામાં પાંચ માસથી ફરાર વિપુલ જીવણ પટેલ નામના આરોપીને ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ વાય.બી.જાડેજાની ટીમે મોરબી રોડ પર જકાતનાકા પાસેથી દબોચી અન્ય એક શખ્સ ની શોધખોળ હાથ ધરી છે.

બનાવ અંગે મળતી માહિતી અનુસાર ગાંધીગ્રામ વિસ્તારમાં ઉન્નતિ સ્કૂલ પાછળ રહેતાં ભરતભાઇ મોહનભાઇ વાડોલીયાએ ગાંધીગ્રામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ તેના ઘર પાસે જ નમન આલુ ભંડાર નામની દુકાનમાં ડુંગળી તથા બટાકાનો છુટક વેપાર કરે છે.

આશરે ચારેક વર્ષ પહેલા જુના માર્કેટયાર્ડમાં પૂજન એન્ટરપ્રાઈઝ નામની પેઢી ધરાવતાં વિપુલ જીવણ તોગડીયા પાસેથી તેઓ ડુંગળી બટાકાની ખરીદી કરતાં જેથી તેઓ પરિચયમાં આવેલ હતાં. વર્ષ ૨૦૧૯ માં વિપુલ તથા તેમના નાના ભાઇ વિજયભાઇ તેઓની દુકાને આવેલ હતા અને મને કહેલ કે, અમે લોકો મોટા જથ્થામાં માલ મંગાવેલ હોય જેથી રૂપિયાની જરૂર છે, કહેતાં તેઓને પ્રથમ રૂ.૭૫,૦૦૦ હાથ ઉછીના આપેલ બાદ ફરીવાર બંને ભાઈઓએ કહેલ કે, તેમણે ૯૨,૦૦૦ ડુંગળી કટ્ટા ખરીદી કરેલ છે અને ભવીષ્યમાં ડુંગળીના ભાવ વધવાના છે તમે અમારી સાથે હોલસેલમાં રોકાણ કરો તમને નફામાં હીસ્સો આપીશ તેમ કહેતાં ફરિયાદીએ અલગ-અલગ વાર રોકડ અને ચેકથી ૪૮ લાખ જેટલી રકમ આપી હતી.

તેમજ ફરિયાદીએ તેના બહેન-બનેવી તેમજ અન્ય સગાસબંધીઓને પણ ડુંગળી બટેટાના ધંધામાં રૂપીયા રોકાણ બાબતે કહીં કુલ રૂ.૮૩ લાખ આરોપીએ પડાવી લીધેલ હતાં અને બાદમાં રૂ.૯.૮૨ લાખ પરત કર્યા હતાં અને બીજા બાકી નીકળતાં રૂ.૭૩.૧૭ લાખ પરત ન આપી છેતરપીંડી વિપુલ તોગડીયાએ આચરી હોવાનું જણાવ્યું હતું. ક્રાઇમ બ્રાંચના પીઆઇ વાય. બી.જાડેજાની રાહબરીમાં હેડ કોન્સ્ટેબલ અમિત અગ્રવાત,પ્રદીપસિંહ જાડેજા સહિતના સ્ટાફે મોરબી રોડ પર જકાતનાકા પાસેથી દબોચી લીધો હતો.જ્યારે અન્ય એક શખ્સની શોધખોળ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.