અમદાવાદ નવરંગપુરા ૯૫.૬૬ ટકા સાથે સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર: પંચમહાલ મોરવારેણા કેન્દ્રનું સૌથી ઓછું ૧૫.૪૩ ટકા પરિણામ
ગત વર્ષ કરતાં આ વર્ષે ૪.૩૧ ટકા પરિણામ વઘ્યું: ૭૯૨ વિદ્યાર્થીઓને એ–વન ગ્રેડ મેળવ્યો: ૧૧૭૬૮ વિદ્યાર્થીઓએ એ–ટુ ગ્રેડ મેળવ્યો
સૌથી વધુ પાટણ જિલ્લાનું ૮૫.૦૩ ટકા પરિણામ અને સૌથી ઓછું પંચમહાલ જિલ્લાનું ૪૫.૮૨ ટકા પરિણામ
૨૬૦૫૦૩ વિદ્યાર્થીઓ પાસ અને ૨૨૦૯૮૦ વિદ્યાર્થીઓ નાપાસ
ધો.૧૦ અને ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહ બાદ આખરે આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ ૭૩.૨૭ ટકા જાહેર કરવામાં આવ્યું છે. ગત વર્ષની તુલનાએ આ વર્ષે ૪.૩૧ ટકા જેટલું પરિણામ વઘ્યું છે. ગત ચાર વર્ષથી પરિણામ કથળી રહ્યું હતું જોકે આ વર્ષે પરિણામ સારું આવતાં સમગ્ર ગુજરાત રાજયમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ખુશખુશાલ થયા છે.
ચાલુ વર્ષે માર્ચ-૨૦૧૯માં લેવાયેલી ધો.૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરીણામ ૭૩.૨૭ ટકા જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સમગ્ર રાજયમાં સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો પાટણ ૮૫.૦૩ ટકા સાથે મોખરે છે. જયારે ઓછું પરિણામ ધરાવતો જિલ્લો પંચમહાલ ૪૫.૮૨ ટકા સાથે છેલ્લે રહ્યો છે. આ ઉપરાંત સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર અમદાવાદનું નવરંગપુરા ૯૫.૬૬ ટકા સાથે અવ્વલ રહ્યું છે. જયારે સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર પંચમહાલનું જિલ્લાનું મોરેવારેણ ૧૫.૪૩ ટકા સાથે છેલ્લાં ક્રમે રહ્યું છે.
માર્ચ-૨૦૧૯માં લેવાયેલી પરિક્ષામાં ૩,૫૬,૮૬૯ નિયમિત ઉમેદવારો નોંધાયા હતા જે પૈકી ૩,૫૫,૫૬૨ પરિક્ષાર્થીઓ પરિક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા અને ૨,૦૬,૫૦૩ પરીક્ષાર્થીઓ ઉર્તિણ થયા છે. નિયમિત ઉમેદવારોનું પરિણામ ૭૩.૨૭ ટકા આવ્યું છે. જયારે અગાઉનાં વર્ષમાં ઉર્તિણ ન થયા હોય તેવા પુનરાવર્તીત ઉમેદવારો તરીકે ૯૪,૫૧૨ ઉમેદવારો નોંધાયા હતા જે પૈકી ૯૧,૬૮૦ ઉપસ્થિત રહ્યા હતા અને ૨૫,૧૪૭ ઉમેદવારો સફળ થયા છે.
આમ પુનરાવર્તીત ઉમેદવારોનું પરિણામ ૨૭.૪૩ ટકા આવ્યું છે અને અગાઉનાં વર્ષમાં ઉર્તિણ ન થયા હોય તેવા ખાનગી પુનરાવર્તીત ઉમેદવાર તરીકે ૩૦,૫૭૫ ઉમેદવારો નોંધાયેલા હતા જે પૈકી ૨૮,૮૪૩ ઉપસ્થિત રહ્યા હતા અને ૫૪૫૫ ઉમેદવારો સફળ થયા હતા. આમ ખાનગી પુનરાવર્તીત ઉમેદવારનું પરીણામ ૧૮.૯૧ ટકા આવ્યું છે.
ચાલુ વર્ષે લેવાયેલી ધો.૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ૧૦૦ ટકા પરિણામ ધરાવતી શાળાની સંખ્યામાં પણ વધારો થયો છે. ચાલુ વર્ષે રાજયભરમાં ૨૨૨ જેટલી શાળાઓનું ૧૦૦ ટકા પરિણામ આવ્યું છે. ગત વર્ષે ૨૦૬ જેટલી શાળાઓનું પરિણામ ૧૦૦ ટકા આવ્યું હતું તે આ વર્ષે વધીને ૨૨૨ પહોંચ્યું છે એટલે કે આ વર્ષે ૧૬ જેટલી શાળાનું પરિણામ ગત વર્ષ કરતાં ૧૦૦ ટકા આવ્યું છે. આ ઉપરાંત વાત કરવામાં આવે તો ૧૦ ટકાથી ઓછું પરિણામ ધરાવતી શાળા ૭૯ થઈ છે જે ગત વર્ષની તુલનામાં આ વર્ષે વધી છે. ગત વર્ષે ૭૬ શાળાઓનું પરિણામ ૧૦ ટકાથી નીચે આવ્યું હતું.
એ૧ ગ્રેડ પ્રાપ્ત કરનાર ૭૯૨ વિદ્યાર્થીઓ, એ૨ ગ્રેડ પ્રાપ્ત કરનાર ૧૧૭૨૧ વિદ્યાર્થીઓ, બી૧ ગ્રેડ પ્રાપ્ત કરનાર ૩૬૮૦૪ વિદ્યાર્થીઓ, બી૨ ગ્રેડ મેળવનાર ૭૦૫૨૧ વિદ્યાર્થીઓ, સી૧ ગ્રેડ મેળવનાર ૮૫૦૬૩ વિદ્યાર્થીઓ, સી૨ ગ્રેડ મેળવનાર ૪૮૬૧૯ વિદ્યાર્થીઓ, ડી ગ્રેડ મેળવનાર ૪૨૨૮ વિદ્યાર્થીઓ, ઇ૧ ગ્રેડ મેળવનાર ૧૦૮ વિદ્યાર્થીઓ નોંધાયા છે.
ગેરરીતિનાં કેસની સંખ્યામાં વધારો થયો છે. ગત વર્ષની વાત કરવામાં આવે તો ગેરરીતિનાં કેસોની સંખ્યા ૧૩૩૨ જેટલી હતી જે આ વર્ષે વધીને ૨૭૩૦ થઈ છે. એકંદરે આ વર્ષે વાત કરવામાં આવે તો ૪.૩૧ ટકા જેટલું પરીણામ વઘ્યું છે. આ વર્ષે ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં એ-વન ગ્રેડ મેળવનાર ૭૯૨ વિદ્યાર્થીઓ, એ-ટુ ગ્રેડ મેળવનાર ૧૧૭૬૮ વિદ્યાર્થીઓ, બી-વન ગ્રેડ મેળવનાર ૩૭,૧૮૨ વિદ્યાર્થીઓ, બી-ટુ ગ્રેડ મેળવનાર ૭૧,૪૦૦ વિદ્યાર્થીઓ, સી-વન ગ્રેડ મેળવનાર ૮૫,૯૫૫ વિદ્યાર્થીઓ, સી-ટુ ગ્રેડ મેળવનાર ૪૯,૦૩૪ વિદ્યાર્થીઓ, ડી ગ્રેડ મેળવનાર ૪૨૬૪, ડી-વન ગ્રેડ મેળવનાર ૧૦૮ વિદ્યાર્થીઓ નોંધાયા છે.
ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે લેવાયેલી માર્ચ-૨૦૧૯ ધો.૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષામાં કુલ ૩,૫૬,૮૬૯ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી ૩,૫૫,૫૬૨ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ૨,૬૦,૫૦૩ વિદ્યાર્થીઓ ઉર્તિણ થયા હતા. કુલ ૪૭૨ કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવી હતી .
જેમાં ૩ લાખથી વધારે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા વર્ષોથી ધો.૧૨ સામાન્ય પ્રવાહનું પરીણામ કથળતું જોવા મળી રહ્યું હતું જોકે આ વખતે પરિણામની ટકાવારી વધી છે. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સારું પરિણામ આવતા રાજયનાં તમામ ધો.૧૨ સામાન્ય પ્રવાહનાં ઉમેદવારોને તેમજ શાળાઓને શુભેચ્છા પાઠવી છે.
ઉમેદવારોને એક વિષયમાં નાપાસ થયા હોય તેઓને આગામી જુલાઈ માસમાં પુરક પરીક્ષા આપવાનો મોકો આપવામાં આવશે. સમગ્ર રાજયમાં ધો.૧૦નાં ૧૧.૫ લાખ વિદ્યાર્થીઓ અને ધો.૧૨નાં ૭ લાખ જેટલા વિદ્યાર્થીઓએ ચાલુ વર્ષે બોર્ડની પરીક્ષા આપી હતી. આ ત્રણેય બોર્ડની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી અને એકંદરે પરિણામ સારું આવતા રાજયભરમાં વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ખુશીનો મોજું ફરી વળ્યું છે.
સુરતનો શોક: શાળાઓમાં સફળતાની ઉજવણી નહીં
સુરતમાં ગઈકાલે દિલ દ્રિવી ઉઠે તેવી ઘટના બની હતી. ઘટનાને પગલે વિદ્યાર્થીઓની તથા મૃત પામેલ તમામ વ્યકિતની આત્માને શાંતિ મળે તે માટે આજે દરેક સ્કુલોમાં ધો.૧૨ સામાન્ય પ્રવાહનાં પરિણામની ઉજવણી કરવામાં નહોતી આવી અને તમામ શાળામાં બે મિનિટનું મૌન ધારણ કરી વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને તમામ મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી અને એકપણ પ્રકારની ઉજવણી કરવામાં આવી નહોતી.
વિદ્યાર્થિનીઓએ ૭૯.૨૭ ટકા સાથે બાજી મારી
માર્ચ-૨૦૧૯માં લેવાયેલી ધો.૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે. ચાલુ વર્ષે વિદ્યાર્થીનીઓનું પરીણામ ૭૯.૨૭ ટકા
આવ્યું છે. જયારે વિદ્યાર્થીઓએ ૬૭.૯૪ ટકા મેળવ્યા છે. ગત વર્ષની વાત કરવામાં આવે તો વિદ્યાર્થીનીઓએ ૭૪.૭૮ ટકા મેળવ્યા હતા જયારે વિદ્યાથીઓને ૬૩.૭૧ ટકા મેળવ્યા હતા. આ વર્ષની તુલનામાં બંનેમાં વધારો થયો છે.
૧૦૦ ટકા પરિણામ ધરાવતી શાળાની સંખ્યા ૨૨૨
ચાલુ વર્ષે લેવાયેલી ધો.૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ૧૦૦ ટકા પરિણામ ધરાવતી શાળાની સંખ્યા ૨૨૨ નોંધાઈ છે. ગત વર્ષની વાત કરીએ તો ૨૦૬ જેટલી શાળાઓએ ૧૦૦ ટકા પરિણામ મેળવ્યું હતું. જયારે આ વર્ષે તે સંખ્યા વધીને ૨૨૨ થઈ છે એટલે કે ચાલુ વર્ષે ૧૦૦ ટકા પરિણામ ધરાવતી શાળાની સંખ્યા ૧૬ જેટલી વધી છે.
૧૦ ટકા ઓછું પરિણામ ધરાવતી શાળાની સંખ્યા ૭૯
ધો.૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ચાલુ વર્ષે ૧૦ ટકાથી ઓછું પરિણામ ધરાવતી શાળાની સંખ્યા ૭૯ નોંધાઈ છે. ગત વર્ષની વાત કરવામાં આવે તો આ આંકડો ૭૬ હતો જોકે આ વર્ષે આ સંખ્યામાં પણ વધારો થયો છે અને ૧૦ ટકાથી ઓછું પરિણામ ધરાવતી શાળા ૭૯ નોંધાઈ છે. ગયા વર્ષની તુલનામાં આ વર્ષે ૩ શાળાઓનું પરિણામ ૧૦ ટકાથી ઓછું રહ્યું છે.