કેશોદ: જુનાગઢમાં જિલ્લા કક્ષાનો વન મહોત્સવ કેશોદ ખાતે આવેલાં એલ કે હાઈસ્કૂલનાં પટાંગણમાં યોજાયો હતો. આ ૭૨મો વનમહોત્સવ ગુજરાત રાજ્ય સરકાર નાં બાળ સંરક્ષણ આયોગનાં ચેરમેન જાગૃતિબેન પંડ્યાનાં અધ્યક્ષતા જુનાગઢ જિલ્લા પંચાયતનાં પ્રમુખ શાંતાબેન ખટારીયા, ધારાસભ્ય દેવાભાઈ માલમ, નાયબ વન સંરક્ષક જુનાગઢ રેન્જ ડૉ એસ કે બેરવાલ, નાયબ વન સંરક્ષક ડૉ. અંશુમન ધારી રેન્જ, જીલ્લા પંચાયત સદસ્ય હમીરભાઇ ધૂળા અને મહાનુભાવોનાં હસ્તે દિપ પ્રાગટય કરી કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો.
કેશોદ એલ કે હાઈસ્કૂલ ની વિદ્યાર્થીની ઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું. સોરઠની ધરતી ઉપર એશિયાટિક સિંહો પર અને કાઠીયાવાડનાં શુરવીરો પર ચારણી સાહિત્યમાં લખાયેલ દુહા છંદની રમઝટ બોલાવી મંચસ્થ મહાનુભાવો અને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. નાયબ વન સંરક્ષક જુનાગઢ રેન્જ ડૉ એસ કે બેરવાલ એ સરળ શૈલીમાં શબ્દોથી સ્વાગત કર્યું હતું. સામાજિક વનીકરણ વિભાગનાં અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા મંચસ્થ મહાનુભાવોને તુલસીનાં રોપાઓ આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
ગુજરાત રાજ્ય સરકારનાં બાળ સંરક્ષણ આયોગનાં ચેરમેન જાગૃતિબેન પંડ્યાએ પોતાના ઉદબોધનમાં કોરોના મહામારી વચ્ચે પર્યાવરણ અને વૃક્ષોનું મહત્વ સમજાવ્યું હતું ત્યારે દેશના નાગરિક તરીકે આપણે ગ્લોબલ વોર્મિંગથી બચવા માટે પર્યાવરણનું જતન અને જાળવણી કરવાની જવાબદારી આપણી રહેલી છે. કેશોદ એલ કે હાઈસ્કૂલ નાં પટાંગણમાં મહાનુભાવો નાં હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. શહેરમાં જાગૃતિ લાવવા અને રોપાઓ નાં વિતરણ માટે ઓક્સિજન રથ સાયકલ રેલી સાથે લીલી ઝંડી બતાવી પ્રારંભ કરવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્ય નાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું લાઈવ પ્રસારણ ઉપસ્થિત તમામે નિહાળ્યું હતું. કેશોદ સામાજિક વનીકરણ વિભાગનાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર જી પી સુહાગીયા અને કર્મચારીઓ એ ૭૨ મો વનમહોત્સવ સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.