સૌથી વધુ ૫૬૮ ટુ-વ્હીલરનું વેચાણ: ૧૧૦ ગાડી પણ છુટી વાહનવેરા પેટે કોર્પોરેશનને રૂ.૨૦.૩૦ લાખની આવક
રાજકોટની ટ્રાફિકની સમસ્યા દિન-પ્રતિદિન વધી રહી છે જેનાં માટે વાહનનો વધુ પડતો ઉપયોગ જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે. એક તરફ બજારમાં મંદી હોવાની અને મોંઘવારી સાતમાં આસમાને પહોંચી હોવાની વાતો થઈ રહી છે તો બીજી તરફ શહેરમાં દિન-પ્રતિદિન સેંકડો વાહનોનું વેચાણ થઈ રહ્યું છે. ગત મંગળવારે અખાત્રીજનાં દિવસે શહેરમાં રેકોર્ડબ્રેક કહી શકાય તેટલા ૭૨૧ વાહનોનું વેચાણ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. જેનાં કારણે વાહનવેરા પેટે મહાપાલિકાને રૂ.૨૦.૩૦ લાખની આવક થવા પામી છે.
આ અંગે મહાપાલિકાનાં ટેકસ બ્રાંચના સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ગત મંગળવારે અખાત્રીજનાં શુભ દિવસે રાજકોટમાં ૭૨૧ વાહનોનું વેચાણ થયું છે. આ દિવસને શુકનવંતો માનવામાં આવતો હોય લોકોએ ટુ-વ્હીલરથી ફોર વ્હીલર સુધીનાં વાહનો હોંશભેર ખરીદયા હતા. પેટ્રોલ સંચાલિત ૫૬૮ ટુ-વ્હીલર, સીએનજી સંચાલિત ૩૨ સીએનજી સંચાલિત ૬ મોટરકાર, ડિઝલ સંચાલિત ૨૪ મોટરકાર, પેટ્રોલ સંચાલિત ૮૨ મોટરકાર, સીએનજી સંચાલિત અન્ય એક ફોર વ્હીલ, ડિઝલ સંચાલિત ૬ અન્ય ચાર ચક્રીય વાહન અને પેટ્રોલ સંચાલિત અન્ય બે ચાર ચક્રીય વાહન સહિત કુલ ૭૨૧ વાહનોનું વેચાણ થયું છે. જેના થકી મહાપાલિકાને વાહનવેરા પેટે રૂ.૨૦.૩૦ લાખની આવક થવા પામી છે.