કોરોના વાયરસ મહામારીનો સામનો કરી રહેલી દુનિયામાં અત્યારે વેક્સિન મેળવવા માટે હૂંસાતૂંસી મચી છે. દરેક દેશ શક્ય એટલી જલદી પોતાના નાગરિકો સુધી વેક્સિન પહોંચાડવા માગે છે. આ દરમિયાન દક્ષિણ અમેરિકન દેશ ઈક્વાડોરમાં લગભગ 70000 લોકોને નકલી કોરોના વેક્સિન લગાવવાની ઘટના પ્રકાશમાં આવી છે. વેક્સિન લગાવનારા પ્રાઈવેટ ક્લિનીકે લોકોને સંપૂર્ણ સુરક્ષા મળે એ માટે ત્રણ-ત્રણ ડોઝ આપ્યા હતા. જેમાં એક ડોઝ માટે લગબગ 1100 રૂપિયા (15 ડોલર) ચાર્જ લેવામાં આવ્યો હતો.
પોલીસે એ લોકોનાં પણ નિવેદન નોંધ્યા છે, જેમણે એ ક્લિનીકમાં નકલી વેક્સિનના ડોઝ લગાવ્યા હતા. પોલીસે કહ્યું કે લગભગ 70000 લોકોને નકલી વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો છે.
પોલીસે એ ક્લિનીકને સીલ કરી દીધું છે અને આરોપીઓની ધરપકડ કરી છે. જો કે આ ક્લિનીકના માલિકે દાવો કર્યો છે કે તે લોકોને વેક્સિનના સ્થાને લોકોને ઈમ્યુનિટી વધારવા માટે વિટામીન અને સીરમનો ડોઝ આપતો હતો.
ઈક્વાડોર સમગ્ર દક્ષિણ અમેરિકન મહાદ્વિપમાં કોરોના વાયરસનું હોટસ્પોટ બનેલું છે. આ દેશમાં કોરોના વાયરસના સંક્રમણથી અત્યાર સુધીમાં 14668 લોકોનાં મોત થઈ ચૂક્યા છે.
જ્યારે 242146 લોકો સંક્રમિત થયા છે. ઈક્વાડોરે ફાઈઝર અને એસ્ટ્રાજેનેકાની કોરોના વેક્સિનને મંજૂરી આપી છે. જ્યારે, ત્યાંના આરોગ્ય મંત્રાલયે આ વર્ષના અંત સુધી દેશના તમામ પુખ્ત લોકોને કોરોના વેક્સિનનો ડોઝ મફતમાં આપવાની ઘોષણા કરી છે.
રાજધાની ક્વિટોમાં જ વેક્સિનના નામે ગોરખધંધો
રિપોર્ટ અનુસાર, આ ઘટના ઈક્વાડોરની રાજધાની ક્વિટોની છે. ક્વિટો પોલીસના સુરક્ષા પ્રમુખ સેસર ડીઆઝે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે આ ક્લિનીકથી લોકોને એક અજાણ્યો પદાર્થ ડોઝ સ્વરૂપે આપવામાં આવ્યો અને તેના માટે લગભગ 15 ડોલર ફી વસૂલવામાં આવતી હતી. લોકોને કહેવામાં આવતું હતું કે આ વેક્સિનના ત્રણ શોટ લગાવ્યા પછી કોરોના વાયરસ સામે ઈમ્યુન થઈ જશો.