સરફેસી એકટની કામગીરી ઝડપભેર કરીને પેન્ડિંગ કેસો ઘટાડવા શહેરના ચારેય મામલતદારોને કલેકટરની તાકીદ
રાજકોટ શહેરમાં બેંકોને ધૂંબા મારનારાઓની અબજોની મિલકતોની જપ્તી બાકી હોય જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી દ્વારા ચારેય તાલુકા મામલતદારોને સરફેસી એક્ટની કામગીરી ઝડપભેર કરીને પેન્ડિંગ કેસો ઘટાડવા તાકીદ કરી છે. જેથી હવે ધડાધડ મિલકત જપ્તી થાય તેવા એંધાણ મળી રહ્યા છે.
બેંકો જ્યારે કોઈ મિલકત ગીરવે લઈને લોન આપે છે. ત્યારે સામા વાળા આસામી જો લોન ના હપ્તા ભરવામાં નિષ્ફળ જાય તો બેંક તેને થોડા સમયની તક આપે છે. તેમ છતાં રિકવરી ન થતા બેંક દ્વારા રિપોર્ટ તૈયાર કરી સરફેસી એક્ટ હેઠળ ડિફોલ્ટરની મિલકતો કબજે કરીને તેમને સોંપવા માટે કલેકટરને દરખાસ્ત કરે છે. જે અનુસંધાને જિલ્લા કલેકટર દ્વારા જે તે મિલકત જે તે વિસ્તારમાં હોય ત્યાંના મામલતદારને પાવર ડેલિકેટ કરીને મિલકતને સીલ કરી કબ્જે કરવાનો આદેશ કરવામાં આવે છે. ત્યારબાદ જે તે મામલતદાર મિલકતનો કબજો બેંકને સોંપે છે પછી બેંક દ્વારા આ મિલકતની હરાજી કરી નાણાંની રિકવરી કરવામાં આવે છે.
આવી રીતના રાજકોટ શહેરી વિસ્તાર માટે ઢગલાબંધ ડિફોલ્ટરો જાહેર થયા હોય વિવિધ બેન્કોએ જિલ્લા કલેકટરને મિલકત જપ્તી માટે દરખાસ્ત પણ કરી છે. જિલ્લા કલેકટર દ્વારા આ સંદર્ભે જે તે મામલતદારોને પાવર ડેલિકેટ કરીને આ મિલકતો સીલ કરવાના આદેશો જારી કર્યા છે તેમ છતાં આવા 700 કેસો મામલતદાર કક્ષાએ પેન્ડિંગ હાલતમાં પડ્યા છે. જેને લઈને બેંકોની પણ હવે ધીરજ ખૂટી રહી હોય કામગીરીમાં ઝડપ લાવવા રજૂઆતો કરી રહી છે. પરિણામે ગઈકાલે યોજાયેલી આરઓ બેઠકમાં જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ અને તાલુકા મામલતદારોને આ પેન્ડિંગ રહેલા અંદાજે 700 કેસોમાં તુરંત મિલકતો સીલ કરી કબજે લઈ પેન્ડિંગ કેસો ઘટાડવાની તાકીદ કરી હતી.
કલેક્ટર દ્વારા જારી કરાયેલા આદેશને પગલે હવે તમામ તાલુકા મામલતદારો સરફેસીના કેસોનો નિકાલ કરશે તેવું જાણવા મળી રહ્યું છે. વધુમાં એવું પણ જાણવા મળી રહ્યું છે કે અત્યાર સુધી જે તે મામલતદાર કચેરીઓમાં સ્ટાફનો અભાવ તેમજ કામગીરીનું ભારણ સહિતના અનેક મુદ્દાઓને લીધે સરફેસી એકતની સંતોષકાર કામગીરી થઈ ન હતી. પરંતુ તાજેતરમાં જિલ્લા કલેકટર દ્વારા તમામ મામલતદાર કચેરીઓમાં સારૂ એવું મહેકમ પણ ફાળવવામાં આવ્યું હોય હવે ઝડપી કામગીરીની જિલ્લા કલેક્ટર અપેક્ષા રાખી રહ્યા છે.
સૌથી વધુ પેન્ડિંગ કેસો દક્ષિણ મામલતદાર કચેરીમાં
જાણવા મળતી વિગત અનુસાર દક્ષિણ મામલતદાર કચેરીમાં સરફેસી એક્ટ હેઠળ સૌથી વધુ કેસો પેન્ડિંગ પડ્યા છે. જિલ્લા કલેકટર દ્વારા પાવર ડેલિગેટ કરી મિલકત સીલ કરી કબજે કરવાના આદેશ થયા હોવા છતાં અંદાજે 200 થી વધુ કેસોમાં કાર્યવાહી થઈ નથી. જોકે કલેકટરની તાકીદ બાદ હવે આ કચેરીમાં સરફેસી એક્ટની કામગીરી ઉપર ધ્યાન કેન્દ્રિત કરાશે તેવું જાણવા મળી રહ્યું છે.
અધધધ 450 કરોડની એક મિલકતનું પ્રકરણ કોર્ટમાં પહોંચ્યું હોવાથી જપ્તીની કાર્યવાહીમાં વિઘ્ન
પ્રાપ્ત વિગતો અનુસાર શહેરની એક મિલકત અધધધ 450 કરોડની કિંમતની છે જેને સિલ કરી કબ્જે કરવા માટે કલેકટર દ્વારા આદેશ જારી કરાયો હતો પરંતુ આસામી એ કોર્ટના દ્વાર ખખડાવતા હાલ કોર્ટ મેટર ચાલી રહી હોય આ મિલકતની જપ્તીની કાર્યવાહીમાં વિઘ્ન ઊભું થયું છે.