કોરોનાકાળ ધીમે-ધીમે ઓસરી જતાં હવે જનજીવન રાબેતા મુજબ થતું જાય છે ત્યારે શહેરમાં વિકરાળ બનેલી ટ્રાફિક સમસ્યા પર પોલીસ તંત્રએ નજર દોડાવી વર્ષોથી શોભાના ગાઠિયા સમાન બની રહેલા ટ્રાફિક સિગ્નલો ફરી શરૂ કરવામાં આવ્યા છે, પરંતુ તેની અમલવારી હજુ સુધી શરૂ કરવામાં આવી નથી. શહેરમાં ટ્રાફિક સમસ્યા દિન-પ્રતિદિન વધી રહી છે, નવા વાહનોનો ઉમેરો તેમજ જૂના રસ્તાઓના કારણે ટ્રાફિક સમસ્યા દિવસે-દિવસે ગીચ બની રહી છે. ત્યારે હાલ લોકડાઉન અને કફર્યુના કારણે ટ્રાફિક સમસ્યામાં નિરાંત હતી, પરંતુ હવે બધુ ધીમે-ધીમે રાબેતા મુજબ શરૂ થઈ જતાં ફરી ટ્રાફિક સમસ્યા શરૂ થઈ છે.
પોલીસે શહેરમાં આવેલા મહત્વના 7 ટ્રાફિક પોઈન્ટ પરના વર્ષો જૂના ટ્રાફિક સિગ્નલો પુન: શરૂ કરાવ્યા છે અને તેની અમલવારી માટે હવે તંત્રએ કમર કસી છે. અત્યાર સુધી ટ્રાફિક સિગ્નલો મુજબ ટ્રાફિક વ્યવસ્થા ક્યારે પણ થઈ નથી, હવે પણ ક્યારે થશે અને કેવી થશે તે એક પ્રશ્ન છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ટ્રાફિક સિગ્નલો જ્યારે મહાનગરપાલિકા પાસે હતા ત્યારે તેમણે 50 લાખ ઉપરાંતના રૂપિયાનો ધૂમાડો કરી નાખ્યો છે.
જામનગર શહેરમાં કુલ 7 સ્થળોએ ટ્રાફિક સિગ્નલો અત્યાર સુધી માત્ર શોભામાં અભિવૃદ્ધિ જ કરી રહ્યા હતા, આ તમામ સિગ્નલોને હવે કાર્યરત કરી દેવામાં આવ્યા છે જેમાં સતત ધમધમતા બેડી ગેઈટ, અંબર ચોકડી, જી.જી. હોસ્પિટલ, ગુરૂદ્વારા ચોકડી, જનતા ફાટક, ત્રણ દરવાજા, ઓશવાળ સેન્ટર પાસેના ટ્રાફિક સિગ્નલનો સમાવેશ થાય છે.
ટ્રાફિક સિગ્નલો પોલીસ હસ્તક છે
ટ્રાફિક સિગ્નલો પહેલી મહાનગરપાલિકા પાસે હતા તેનું મેઈન્ટેનન્સ મહાપાલિકા કરતું હતું, પરંતુ બે વર્ષ પહેલા વિધિવત રીતે તેને પોલીસ વિભાગને સોંપી દેવામાં આવ્યું છે અને પોલીસ વિભાગ પાસે ટ્રાફિક સિગ્નલો પેટેના રૂા.50 લાખ મહાપાલિકા હજુ માગે છેે. તેમ ઋષભ મહેતા, (ડે. એન્જિ.) જણાવે છે.
સિગ્નલો મુજબ ટ્રાફિક કાર્યરત રહેશે
શહેરમાં લાંબા સમયથી બંધ ટ્રાફિક સિગ્નલો જેની સંખ્યા 7 જેટલી છે તે ફરી ચાલુ કરી દેવામાં આવ્યા છે અને હવે ટ્રાફિક સિગ્નલો મુજબ જ ટ્રાફિકનું સંચાલન કરવામાં આવશે તેમ એસ.એચ. રાઠવા, (પોલીસ ઈન્સ્પેક્ટર, ટ્રાફિક) જણાવે છે.