કુલ ૯ આતંકીઓ દોષિત: એકને આજીવન કેદની સજા અને એક આતંક એન્કાઉન્ટરમાં ઠાર
ભોપાલ-ઉજ્જૈન પેસેન્જર ટ્રેન બ્લાસ્ટ કેસમાં યુપીના લખનઉની એનઆઈએ કોર્ટે ૭ લોકોને ફાંસીની સજા સંભળાવી છે. જ્યારે અન્ય એક આરોપીને આજીવન કેદની સજા ફટકારાઈ હતી. જે ૭ આતંકવાદીઓને મોતની સજા સંભળાવાઈ આવી છે તેમાં મોહમ્મદ ફૈઝલ, ગૌસ મોહમ્મદ ખાન, મોહમ્મદ અઝહર, આતિફ મુઝફ્ફર, મોહમ્મદ દાનિશ, સૈયદ મીર હુસૈન અને આસિફ ઈકબાલ રોકીનો સમાવેશ થાય છે.
જ્યારે બીજી બાજુ મોહમ્મદ આતિફ ઈરાનીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. અહેવાલ અનુસાર કેસની સુનાવણી દરમિયાન તમામ ૮ આતંકીઓ કોર્ટમાં હાજર હતા. આ કેસમાં કુલ ૯ આતંકીઓને દોષિત જાહેર કરાયા હતા. તેમાંથી એક આતંકી સૈફુલ્લા એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. શુક્રવારે જ કોર્ટે તમામ આતંકીઓને દોષિત જાહેર કર્યા હતા.
મધ્યપ્રદેશના શાજાપુરમાં ૭ માર્ચ ૨૦૧૭ના રોજ સવારે થયેલા વિસ્ફોટમાં આઈએસઆઈએસ ખેરસોન મોડ્યુલના આતંકવાદીઓની ભૂમિકા સામે આવી હતી. વિસ્ફોટના બીજા જ દિવસે ૮ માર્ચ ૨૦૧૭ના રોજ લખનઉના કાકોરી વિસ્તારમાં કાનપુરના આતંકવાદી સૈફુલ્લાહ, જે ખેરસોન મોડ્યુલ સાથે સંકળાયેલો હતો તે એટીએસ દ્વારા એન્કાઉન્ટરમાં ઠાર મરાયો હતો. જ્યારે મોહમ્મદ ફૈઝલ, ગૌસ મોહમ્મદ ખાન, મોહમ્મદ અઝહર, આતિફ મુઝફ્ફર, મોહમ્મદ દાનિશ, સૈયદ મીર હુસૈન, આસિફ ઈકબાલ ઉર્ફે રોકી અને મોહમ્મદ આતિફ ઉર્ફે આતિફ ઈરાનીની ધરપકડ કરવામાં આવી હતી.
પકડાયેલા આતંકીઓ પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટક મળી આવ્યા હતા. આરોપીઓ વિરુદ્ધ દેશ વિરુદ્ધ યુદ્ધ છેડવા, આતંકી ફંડિંગ, વિસ્ફોટકો અને હથિયારો એકત્ર કરવાના આરોપ હેઠળ એફઆઈઆર દાખલ કરાઇહતી. તપાસમાં જાણ થઈ કે આઈએસઆઈએસએ યુવાનોનું બ્રેઈનવોશ કરીને તેમને આતંકી સંગઠનમાં સામેલ કર્યા હતા.