મિત્રએ વ્યાજે લીધેલા નાણા વ્યાજખોરોને પરત ન આપતા જામીન પડેલા રીક્ષા ચાલકને નિશાન બનાવાયો
જામનગરમાં હર્ષદમીલની ચાલી વિસ્તારમાં રહેતા એક રીક્ષા ચાલકનુ અપહરણ કરી બંધક બનાવી સાત શખ્સે બેફામ માર મારી રીક્ષા ઉપરાંત રોકડ અને મોબાઇલ સહિત રૂ.૧.૫૭ લાખની માલમતાની લૂંટ ચલાવ્યાની ફરિયાદ નોંધાઇ છે.મિત્રની આર્થિક જરૂરીયાત માટે જામીન પડયા બાદ પૈસા આપવામાં મોડુ થતા લેણદારે જામીનદાર રીક્ષાચાલકને માર મારી અપહરણ કર્યાનુ ફરીયાદમાં જણાવાયુ છે.
શહેરમાં હર્ષદ મીલની ચાલી વિસ્તારમાં રહેતા અને રીક્ષા ચલાવતા અજયભાઇ રાજુભાઇ થાપલીયા નામનો યુવાન રવિવારે સવારે રણજીત રોડ પર મારૂ કંસારા હોલ પાસેના રોડ પરથી પસાર થઇ રહયો હતો ત્યારે જીતુ માવજીભાઇ અને અન્ય એક શખ્સે રોકીને માર માર્યો હતો.જેમાં જીતુએ નાક પર બટકુ ભરી લીધા બાદ અન્ય છ શખ્સને બોલાવી રસ્સો મંગાવીને તેને દોરડા વડે હાથ-પગ બાંધીને લતામાં લઇ ગયા બાદ અપહરણ કરી ગોરધપર નજીક ગૌચર પાસે બંધક બનાવી લાકડાનો ઘોકો,લોખંડની પટ્ટી અને લાકડી વડે માર મારીને રીક્ષા ઉપરાંત રૂ.ચાર હજાર રોકડા અને એક મોબાઇલ સહિત રૂ.૧.૫૭ લાખની મતાની લૂંટ ચલાવી હતી.
ભોગગ્રસ્ત યુવાને કોઇપણ રીતે ચુંગાલમાંથી છુટીને રાત્રે જામનગર ખાતે આવી પહોચ્યા બાદ સીટી એ પોલીસનો સંપર્ક સાંધ્યો હતો.જેથી પોલીસે રીક્ષાચાલક અજયભાઇ થાપલીયાની ફરીયાદ પરથી જીતુ માવજીભાઇ કવાડ, ભાવેશ ટપુભાઇ ગુજરીયા અને ગોપાલ ટપુભાઇ ગુજરીયા તેમજ ચાર અજાણ્યા સહીત સાત શખ્સો સામે અપહરણ,લૂંટ અને રાયોટીંગ સહીતની કલમ હેઠળ ગુનો નોંધી સાતેય શખ્સોની શોધખોળ સાથે વધુ તપાસ હાથ ધરી છે.
રીક્ષાચાલક અજયભાઇના મિત્ર જયેશભાઇને અગાઉ પૈસાની જરૂર હતી ત્યારે અજયભાઇએ જામીન પડી સામાવાળા જીતુ કવાડ પાસેથી તેમને રૂ.૪૦,૦૦૦ અપાવ્યા હતા જે રકમ પૈકી જયેશભાઇએ રૂ.૧૫,૦૦૦ની રકમ આપવાની હજુ બાકી હતી જે પૈસા આપવામાં જયેશને મોડુ થતા જીતુ કવાડએ અન્ય છ શખ્સોની મદદગારીથી જામીન પડયાનો ખાર રાખી રીક્ષાચાલક અજયભાઇનુ અપહરણ કરી બંધક બનાવી માર મારી લૂંટ આચર્યાનુ ફરીયાદમાં જણાવાયુ છે.