કૃષિ ક્ષેત્રની મદદથી જળ બચાવવાની તાતી જરૂર: તામિલનાડુ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, તેલંગણા, પંજાબ અને હરિયાણામાં સ્થિતિ ગંભીર
દેશનું ૨૨ ટકા ભૂગર્ભ જળ સુકાઈ ગયું હોવાની વાત જળ સંરક્ષણ મંત્રી ગજેન્દ્રસિંઘ શેખાવતે કબુલી છે. ગજેન્દ્રસિંઘ શેખાવતના મત અનુસાર દેશમાં ૨૨ ટકા ભૂગર્ભ જળ સુકાઈ ગયું છે. અથવા તો ગંભીર સ્તરે પહોંચ્યું છે. પરિણામે જળ સોર્સનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જરૂરી છે. કૃષિ ક્ષેત્રની જેમ અન્ય સેકટરમાં પણ ૧૦ ટકા જળ બચાવવાની નીતિ અપનાવવી જોઈએ.
ડાયનામીક ગ્રાઉન્ડ વોટર રિસોર્સીસ ઓફ ઈન્ડિયા રિપોર્ટ અનુસાર ૬૮૮૧ માંથી ૧૪૯૯ સ્થળોએ ભૂગર્ભ જળ સુકાઈ ગયા છે. અથવા તો ઉસેડાઈ ગયા છે. આ રિપોર્ટમાં ભૂગર્ભ જળ અને સપાટી પરના જળના સ્થળ બદલાવ અંગે વિગતવાર જાણકારી અપાઈ છે. મંત્રીના કહ્યાં મુજબ દેશના ૮૯ ટકા પાણીનો કૃષિ ક્ષેત્ર ઉપયોગ કરે છે. આવા સંજોગોમાં જળને બચાવવા માટે ટપક સિંચાઈ સહિતની પદ્ધતિનો ઉપયોગ ખેડૂતોમાં વધતો જાય તે માટેની જાગૃતિ લાવવી જોઈએ. જેનાથી આગામી સમયમાં પાણીનો બચાવ થશે. જળ સંરક્ષણ મંત્રી ગજેન્દ્રસિંઘ શેખાવતે વધુમાં ઉમેર્યું હતું કે, ઈઝરાયલના અનુભવોમાંથી ભારત ઘણુ બધુ શીખી શકે તેમ છે. તેમણે એકવીફાયર પદ્ધતિ અંગે ચાલી રહેલા કામનો પણ ઉલ્લેખ કર્યો હતો. પરાળ જમીનમાં રહેલા ભૂજળને શોધવાની આ પદ્ધતિનો ઉપયોગ ઈઝરાયલમાં સતત થઈ રહ્યો છે. આ પદ્ધતિ મુજબ ભારતમાં આગામી માર્ચ મહિના સુધીમાં ૨૫૬ જેટલા સ્થળોએ ભૂજળ શોધવાની શરૂઆત થશે. આ સ્થળોમાં પાણીની ખેંચ ગંભીર સ્તરે પહોંચી છે.
અહીં નોંધનીય છે કે, ભૂગર્ભ જળમાં જળ સુકાઈ જવા મામલે સૌથી ગંભીર પરિસ્થિતિ તામિલનાડુમાં જોવા મળે છે. જ્યાં ૫૪૧ સ્થળોએ ભૂગર્ભ જળ સાફ થઈ ગયું છે. ત્યારબાદ અનુક્રમે ૨૧૮ સ્થળ સાથે રાજસ્થાન, ૧૩૯ સ્થળ સાથે ઉત્તરપ્રદેશ, ૧૩૭ સ્થળ સાથે પંજાબ, ૧૧૧ સ્થળ સાથે તેલંગાણા અને ૮૧ સ્થળ સાથે હરિયાણાનો સમાવેશ થાય છે. આ રિપોર્ટ સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ (સીજીડબલ્યુબી) દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. પંજાબ, હરિયાણા, દિલ્હી અને ઉત્તરપ્રદેશના પશ્ચિમ ભાગમાં સ્થિતિ સમયાંતરે વધુ ગંભીર બની હોવાનું પણ આ રિપોર્ટમાં જણાવાયું હતું.
આ સ્થળોએ ભૂગર્ભ જળ રિચાર્જ થવાની ઝડપ વધુ છે. જો કે, જળ પણ ઝડપથી ઘટી રહ્યું છે. આવી જ રીતે રાજસન અને ગુજરાતના કેટલાક ભાગમાં પણ પરિસ્થિતિ જોખમી બની છે. કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને તામિલનાડુ સહિતના રાજ્યોમાં પરાળ જમીનોના કારણે ગ્રાઉન્ડ જળની સ્થિતિ કથળી છે.