બી.ઇ. આર્ટીફીશ્યલ ઇન્ટેલીજન્સ એન્ડ મશીન લર્નીંગ, બી.એસ.સી. ડીઝાઇન, બી.ફાર્મસી, એમબીએ ઇન્ટીગ્રેટેડ, ડીપ્લો ઇન હોસ્પિટલ મેનેજમેન્ટ, એમ.ઇ.આર્ટીફીશ્યલ ઇન્ટેલીજન્સ એન્ડ ડેટા સાયન્સ, એમ.એસ.સી. બાયો ઇન્ફોર્મેટીક્સ સહિતના યુજી-પીજીના કોર્સો ટૂંક સમયમાં શરૂ થશે
અબતક,અમદાવાદ
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં ગઇકાલે એકેડમીક કાઉન્સીલની બેઠક મળી હતી. આ બેઠકમાં યુજીના બે અને પીજીના પાંચ નવા કોર્સ શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. વર્ષ-2022-23માં બી.ઇ. આર્ટીફીશ્યલ ઇન્ટેલીજન્સ એન્ડ મશીન લર્નીંગ, બી.એસ.સી. ડીઝાઇન, બી.ફાર્મસી, એમબીએ ઇન્ટીગ્રેટેડ, ડીપ્લો ઇન હોસ્પિટલ મેનેજમેન્ટ, એમ.ઇ.આર્ટીફીશ્યલ ઇન્ટેલીજન્સ એન્ડ ડેટા સાયન્સ, એમ.એસ.સી. બાયો ઇન્ફોર્મેટીક્સ સહિતના યુજી-પીજીના કોર્સો ટૂંક સમયમાં શરૂ થશે. આ ઉપરાંત બાયો ટેકનોલોજી જેવા કોર્સ પણ શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં આગામી પદવીદાન સમારંભ જાન્યુઆરીમાં યોજવાનું નક્કી કરાયું છે. આ પદવીદાન સમારંભમાં યુજી-પીજી અને ડીપ્લોમા ઇજનેરી સહિતના મળી અંદાજીત 59 હજાર વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવશે.આ પદવીદાન સમારંભમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે કોને બોલાવવા તેનો નિર્ણય આગામી દિવસોમાં કરવામાં આવશે. મહત્વપૂર્ણ વાત તો એ છે કે ટેકનોલોજીકલ યુનિવર્સિટીએ પણ હવે સ્પર્ધાત્મક યુગમાં અન્ય યુનિવર્સિટીની જેમ બી.એસ.સી. અને સાયન્સને લગતા કોર્સ શરૂ કરી દેતાં આગામી દિવસોમાં વિદ્યાર્થીના પ્રવેશ માટે વધુ વિકલ્પ ખૂલ્લા થયાં છે અને યુજી-પીજીના નવા 7 કોર્સ ટૂંક સમયમાં શરૂ થશે તેને લઇને વિદ્યાર્થીઓને પણ ઘણો ફાયદો થશે.