સર્ચ ઓપરેશન સતત યથાવત હજુ પણ ત્રણ લોકો લાપતા
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં હિમસ્ખલનમાં સર્ચ ઓપરેશન હજુ પણ યથાવત છે. અત્યારસુધીમાં 26 મૃતદેહો મળી આવ્યા છે. શુક્રવારની સવારે ત્રણ પર્વતારોહીઓનાં મૃતદેહો મળી આવતા મૃત્યુઆંક 26એ પહોંચ્યો છે. આ સિવાય હજુ પણ ત્રણ પર્વતારોહીઓ ગુમ હોવાથી તેમને શોધવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.
ઉત્તરાખંડના દ્રોપદી કા દંડા શિખર પર મંગળવારે હિમસ્ખલનની ઘટના બની હતી. જેમાં કેટલાંક પર્વતારોહીઓ લાપત્તા થયા હતા. જેમાંથી અત્યારસુધીમાં 26 પર્વતારોહીઓના મૃતદેહ મળી આવ્યા છે. જેમાં બે ટ્રેનર અને અન્ય ટ્રેની માઉન્ટેનિયરનો સમાવેશ છે. તો હજુ પણ ત્રણ લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલુ છે. શુક્રવારે મળેલા મૃતદેહો ટ્રેની માઉન્ટેનિયર્સના છે. ગુરુવારે 15 મૃતદેહો મળ્યા હતા. તો મંગળવારે ચાર પર્વતારોહીઓના મૃતદેહ મળ્યા હતા. જેમાં બે ટ્રેનર અને બે ટ્રેની હતા. ગુરુવારે જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગથી 14 માઉન્ટેનિયર્સની ટીમ માતલી હેલીપેડ પહોંચી હતી. એ પછી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
સીએમ પુષ્કર ધામીના જણાવ્યા મુજબ, એનડીઆરએફ, એસડીઆરએફ, આઈટીબીપી, ભારતીય સેના અને જિલ્લા તંત્રની ટીમો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.નહેરુ પર્વતારોહણ સંસ્થાનની 61 લોકોની ટીમ હિમસ્ખલનની લપેટમાં આવી હતી. જેમાંથી 54 ટ્રેની અને સાત ટ્રેનર હતા. દ્રોપદી કા દંડા પ્રશિક્ષણમાં કુલ 41 ટ્રેનર-ટ્રેની હતા. જેમાંથી 34 ટ્રેની અને સાત ટ્રેનર હતા. જેમાંથી 25 ટ્રેની અને પાંચ ટ્રેનર સુરક્ષિત છે. જ્યારે 29 ટ્રેનર-ટ્રેની લાપત્તા હતા. ત્યારે અત્યારસુધીમાં 26 લોકોનાં મૃતદેહ મળી આવ્યા છે.
દેશની સર્વોચ્ચ સંસ્થાન કે જેને હાઈ એટીટ્યૂડમાં રેસ્ક્યૂ ટ્રેનિંગ અને વોર મહારત હાંસલ છે. ગુલમર્ગ સ્થિત વોર ફેયર સ્કૂલના 15 સભ્યોની ટીમ હવે દ્રોપદી કા દંડામાં રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી રહી છે. નહેરુ ઈન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનિયરિંગે રેસ્ક્યૂ ઓપરેશનમાંથી પીછે હટ કરીને હાથ ઉંચા કરી લીધા હતા. નહેરુ ઈન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનિયરિંગની પાસે ટ્રેનિંગ માટેની તમામ સામગ્રી છે. જે બાદ રક્ષા મંત્રાલયે અપીલ કરતા ગુલમર્ગ સ્થિત ભારતીય સેનાની વોર ફેયર સ્કૂલની મદદ લેવામાં આવી હતી.
ઉત્તરાખંડના આઠ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આઠ જિલ્લાઓમાં કુમાઉં અને ગઢવાલ વિસ્તારનો સમાવેશ થાય છે. અહીં 24 કલાકમાં ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગે જાહેર કરી છે. તો ઉત્તરકાશીમાં પણ ભારે વરસાદના પગલે રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કુમાઉ વિસ્તારમાં રેડ અલર્ટ જ્યારે ગઢવાલ વિસ્તારમાં ઓરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કુમાઉના પાંચ જિલ્લાઓ નૈનીતાલ, ચંપાવત, અલ્મોડા, બાગેશ્વર અને પિથોરાગઢમાં શુક્રવારના રોજ સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે. જ્યારે ગઢવાલના ટીહરી અને પૌડીમાં પણ સ્કૂલો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.