પોલીસ દારૂનું દુષણ બંધ નહીં કરાવે તો જનતા રેડની ધારાસભ્ય અંબરીષ ડેરની ખાતરી
રાજુલાના દરિયાકાંઠે આવેલા ચાંચ, ખેરા, પટવા, સમઢીયાળા, વિકટર, વાવેરા અને જાફરાબાદના શિયાળબેટ આ સાત ગામની ૨૦૦થી વધુ મહિલાઓએ ધારાસભ્ય અંબરીષ ડેરના ફાર્મ હાઉસે જઈ ધારાસભ્ય સાથે મુલાકાત કરી એવી ચોંકાવનારી રજુઆત કરી હતી કે અમારા ગામમાં છડેચોક વિના રોકટોક દેશી દારૂનું વેચાણ થાય છે. અમે ગરીબ પરીવારમાંથી આવીએ છીએ. અમારા પરીવારના પુરુષો સાથે અમે પણ કાળીમજુરી કરી રોજગારી મેળવીએ છીએ. અમે સાંજના સમયે અમારા પરીવારના પુરુષો સાથે ઘરે આવીએ છીએ ત્યારે અમારા પુરુષો, યુવાનો છડેચોક વહેંચાતા દેશીદારૂના અડ્ડાઓમાં જઈ ફુલ દારૂ ઢીંચીને ઘરે આવે છે.
પુરુષો કે યુવાનો એટલી હદે દારૂના નશામાં હોય છે કે અમારું રાંધેલુ ધાન ખાવાના બદલે ઢોળી નાખે છે અને અપશબ્દોનો વરસાદ વરસાવે છે. આવું રોજેરોજ બનતું હોય અમારા પરસેવાની કમાણી દારૂના દુષણમાં જતી રહે છે અને અમારી આર્થિક સ્થિતિ પણ વેરવિખેર થઈ જાય છે અને અમારે નાછુટકે ઉધાર ઉછીના કરવા પડે છે. સાત ગામની ૨૦૦થી વધુ મહિલાઓએ અશ્રુભીની આંખે આવી ચોંકાવનારી રજુઆત કરતા ધારાસભ્ય અંબરીષ ડેર ચોંકી ગયા હતા અને તેમણે રજુઆતકર્તાઓને કહ્યું હતું કે, હું તમારી તકલીફ અંગે પોલીસનું ધ્યાન દોરુ છું અને જો સમયસરના પગલા પોલીસ લઈને દારૂના હાટડાઓ બંધ નહીં કરાવે તો હું તમારા ગામે આવી તમોને સાથે લઈ આવા અડ્ડાઓ ઉપર જનતા રેઈડ કરીશ.