આર.સી.ફળદુ, જયેશ રાદડિયા, વિભાવરીબેન દવે, વાસણભાઈ આહિર અને પરસોતમ સોલંકી સહિતના સૌરાષ્ટ્રના કદાવર નેતાઓનો કરાયો મંત્રીમંડળમાં સમાવેશ
ગુજરાતની ૧૪મી વિધાનસભાની આજે વિધિવત રચના થઈ જવા પામી છે. રાજયના ૧૬માં મુખ્યમંત્રીપદે રાજયપાલ ઓ.પી.કોહલીએ આજે વિજયભાઈ રૂપાણીની પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટના વતની છે. આ ઉપરાંત મંત્રીમંડળમાં સૌથી વધુ સૌરાષ્ટ્ર-કચ્છના ૭ ધારાસભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉતર ગુજરાતમાંથી ૬, મધ્ય ગુજરાતમાં ૨, દક્ષિણ ગુજરાતમાંથી ૫ ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે.
જામનગર પશ્ર્ચિમ બેઠક પરથી ચૂંટાયેલા અને ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ અધ્યક્ષ આર.સી.ફળદુને કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત મોદી અને રૂપાણી સરકારમાં રાજયકક્ષાના અને કેબિનેટ કક્ષાના મંત્રી તરીકે પાંચ વર્ષ સુધી સારી કામગીરી કરનાર જેતપુર-જામકંડોરણાના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાને ફરી કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. ભાવનગરના પ્રથમ મેયર બનવાનું બહુમાન હાંસિલ કરનાર ભાવનગર પૂર્વના ધારાસભ્ય વિભાવરીબેન દવેનો પણ મંત્રીમંડળમાં સમાવેશ કરાયો છે. જયારે ગત ટર્મમાં સંસદીય સચિવ તરીકે જવાબદારી નિભાવનાર કચ્છના ધારાસભ્ય વાસણભાઈ આહિરને પ્રમોશન આપવામાં આવ્યું છે અને તેઓને નવી સરકારમાં રાજયકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે.
આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં કોળી સમાજના કદાવર નેતામાં જેની ગણના થાય છે અને અગાઉ પણ મંત્રી તરીકે સતત ફરજ બજાવી ચુકયા છે તેવા પરસોતમભાઈ સોલંકીને ફરી રાજયકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે. રૂપાણી સરકારમાં કુલ ૨૦ મંત્રીઓની નિમણુક કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છમાંથી ૭ ધારાસભ્યો, ઉતર ગુજરાતમાંથી ૬ ધારાસભ્યો, દક્ષિણ ગુજરાતમાંથી ૫ ધારાસભ્યો અને મધ્ય ગુજરાતમાંથી ૨ ધારાસભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કેબિનેટ કક્ષાના આઠ મંત્રીઓ અને રાજયકક્ષાના ૧૧ મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. હાલ તમામે માત્ર મંત્રી તરીકેના શપથ લીધા છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં નવી સરકારની પ્રથમ કેબિનેટ બેઠક મળશે. જેમાં કેબિનેટ અને રાજયકક્ષાના મંત્રીઓને વિભાગોની ફાળવણી કરવામાં આવશે.