મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જે.એમ.કતીરાનાં માર્ગદર્શન હેઠળ ૮ ઓગસ્ટે ચલાવાશે અભિયાન: ૧ થી ૧૯ વર્ષ સુધીનાં બાળકોને ગોળીઓ અપાશે
આગામી તા.૮ ઓગસ્ટનાં રોજ રાજકોટ જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ અભિયાન યોજાનાર છે. જેમાં ૧ વર્ષથી ૧૯ વર્ષનાં નીચેનાં તમામ બાળકોને રાષ્ટ્રીય કૃમિનાશક દિવસે ક્રુમીનાશક ગોળી ખવડાવવામાં આવશે. આ કામગીરી રાજકોટ જિલ્લાનાં તમામ સામુહિક આરોગ્ય કેન્દ્રો-૧૩, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો-૫૪ તેમજ અર્બન હેલ્થ સેન્ટરો-૯, સબસેન્ટરો-૩૪૪ અને તેમના સેજાના ગામો-૫૯૮માં રાષ્ટ્રીય કૃમિનાશક દિનની ઉજવણી કરવામાં આવશે. જેમાં પત્રીકાઓનું વિતરણ અને પોસ્ટરો, બેનરો, ડીસ્પ્લે કરવામાં આવશે. તેમજ દરેક તાલુકામાં અર્બન હેલ્થ સેન્ટરોમાં, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં, સબ સેન્ટર કક્ષાએ રેલીનું આયોજન, રોલ પ્લે, કાઉન્સેલીંગ સેશન, શોર્ટ ફિલ્મો બતાવવી, કેમ્પ વર્કશોપ યોજવામાં આવશે તેમજ સપ્તધારાના તાલીમાર્થીઓ દ્વારા વિવિધ એકટીવીટી કરવામાં આવશે.
રાજકોટ જિલ્લાનું આ અંગેનું આયોજન સંપૂર્ણ કરી લેવામાં આવેલ છે. રાજકોટ જિલ્લાનાં ૧ વર્ષથી ૧૯ વર્ષનાં બાળકોને કૃમિની ગોળી ખવડાવવામાં આ માટેના બુથ બનાવવામાં આવેલ છે. આરોગ્યની ટીમો બનાવવામાં આવેલ છે. પ્રત્યેક ટીમમાં આરોગ્ય કર્મચારી, આશા, આંગણવાડી કાર્યકર તથા સ્વયંસેવકો કામગીરી કરશે. અસરકારક સુપરવીઝન માટે સુપરવાઈઝરો નીમવામાં આવેલ છે. અંતરીયાળ વિસ્તાર, વાડી વિસ્તારમાં કામગીરી કરવા માટે મોબાઈલ ટીમો બનાવવામાં આવી છે. કૃમિનાશકની ગોળી આપવા માટે તારીખ ૮મીએ જિલ્લાની તમામ આંગણવાડી સહિત આરોગ્ય કેન્દ્રોમાં આયોજન હાથ ધરવામાં આવશે તે દરમિયાન બાળકોને આંગણવાડીએ લઈ જઈને કૃમિનાશક ગોળી ખવડાવી રક્ષિત કરવા માટે ગ્રામ્ય પ્રજાને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જયેશ એમ.કતિરાએ અનુરોધ કર્યો છે.