જામનગર રોડ પર વોરા સોસાયટી પાસે આવેલા રામ લક્ષ્મણ આશ્રમને તસ્કરોએ નિશાન બનાવી લોખંડની તિજોરી તોડી રુા.7 લાખ રોકડાની ચોરી કરી ગયાની ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
આશ્રમના મહંત રામેશ્ર્વર અને દક્ષિણ ભારત જાત્રા કરી પરત આવ્યા તે દરમિયાન તસ્કરોએ હાથફેરો કર્યો
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ યોગી પાર્કમાં રહેતા અને જામનગર રોડ પર વોરા સોસાયટી પાસે રામ લક્ષ્મણ આશ્રમના મહંત રાઘવદાસ ગુરુ દીનદયાલદાસે તા.19 ડીસેમ્બરથી તા.1 જાન્યુઆરી દરમિયાન તસ્કરોએ આશ્રમની સિમેન્ટની બારી તોડી લોખંડની તિજોરીમાં રાખેલા રોકડા રુા.7 લાખની ચોરી કરી ગયાનું ફરિયાદમાં જણાવ્યું છે.
મુળ ઉતર પ્રદેશના ચિત્રકુટ જિલ્લાના રાજાપુર ગામના વતની મહંત રાઘવદાસ ગત તા.19 ડિસેમ્બરે રામેશ્ર્વર અને દક્ષિણ ભારતની જાત્રા કરવા માટે ગયા હતા અને ગઇકાલે સાંજે પરત આવ્યા ત્યારે તેમના રુમની સિમેન્ટની બારી તુટેલી જોવા મળી હતી તેમજ લોખંડના કબાટની તિજોરીમાં રાખેલા રુા.7 લાખ જોવા ન મળતા આશ્રમના પૂજારી રામદાસ બાપુ અને અન્ય પાંચ જેટલા સેવકોની પૂછપરછ કરી હતી પરંતુ તેઓ ચોરીની ઘટના અંગે અજાણ હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. ગાંધીગ્રામ પોલીસ મથકના પી.આઇ. એમ.જી. વસાવા અને રાઇટર હીરાભાઇ રબારી સહિતના સ્ટાફે ચોરી અંગેનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.