જય વિરાણી, કેશોદ:
કેરળમાં વરસાદે તબાહી મચાવતા અનેક લોકોના મૃત્યુ નિપજયા છે. ભારે ખાનાખરાબી સર્જાઇ છે. ત્યારે હવે ઉતરાખંડમાં પણ વરસાદ વેરી થયો હોય તેમ સતત બે દિવસ સુધી પડેલા ભારે વરસાદને કારણે અત્યાર સુધીમાં 16 જેટલા લોકોનું મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. જેમાં ગુજરાતનાં આશરે એક હજાર જેટલા યાત્રિકો અટવાયા છે. જેમાં રાજકોટના 180 જેટલા યાત્રાળુઓનો સમાવેશ છે પરંતુ તેઓ સુરક્ષીત હોવાના સમાચાર મળતા પરિવારજનોએ હાસકારો અનુભવ્યો છે.
સૌરાષ્ટ્રના અનેક યાત્રાળુઓ ફસાયા છે ત્યારે કેશોદના 7 યાત્રાળુઓ કેદારનાથમાં ફસાયા છે. ભારે વરસાદમાં ભેખડો ધસી પડવાથી ઉત્તરાખંડમાં અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે. કેશોદના સાત પ્રવાસીઓ કેદારનાથમાં સીતાપુરમાં ફસાતા તંત્રની મદદ માંગી છે. બંધ રસ્તાને ફરી પુનર્વત કરી ઝડપથી બહાર કાઢવા તંત્રને જાણ કરી છે.
જો કે હાલ તંત્ર દ્વારા રસ્તાઓ પરથી ભેખડ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. કેદારનાથમાં રસ્તાઓ ઝડપથી ફરી શરૂ થાય તે માટે કાર્યવાહી શરૂ કરાઈ છે. કેદારનાથમાં ફસાયેલા આ સાતેય યાત્રિકોમાં કિશન બોરડ, ડેનિશ કરમટા, દિનેશ પરમાર, સતીષ ચાંદેગરા, જય જોગી, રાજદીપ ઠુંબર અને સતીષ ગોહેલનો સમાવેશ છે.