વહેલી સવારથી ચાલતી જુથ અથડામણમાં વધુ બે આતંકીઓનો ખાત્મો
સરહદે પાકિસ્તાની સૈન્યએ ફરીથી પોતાની નાપાક હરકતો શરૂ કરી છે ત્યારે છેલ્લા ૩૮ કલાકથી ચાલતા તોપમારા અને ત્યારબાદ જુથ અથડામણમાં ભારતીય સેનાએ પાક.ને જડબાતોડ જવાબ દેતા કુલ ૯ આતંકીઓનો ખાત્મો બોલાવ્યો છે. પાકિસ્તાને એલઓસીથી પંજાબ સુધી સૈન્ય વધાર્યું હોવાથી સરહદે તંગદીલીનો માહોલ વધ્યો છે. જમ્મુ-કાશ્મીરના સોંપીયા અને બાંદીપોરમાં આતંકીઓ સામે હાથ ધરાયેલા સર્ચ ઓપરેશનમાં આતંકીઓએ એક ૧૦ વર્ષના બાળક સહિત ૨ નાગરિકોના અપહરણ કર્યા હતા. જેના વળતા જવાબમાં સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન હાથ ધરી ૭ આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા.
માર્યા ગયેલા આતંકીઓમાં બે ટેરેરીસ્ટ જૈસ એ મહમદના હતા. સોપેરમાં થયેલ ગ્રેનેડ હુમલામાં બે પોલીસ કર્મીઓ ઘાયલ થયા હતા. ત્યારબાદ તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઠાર મરાયેલા અન્ય આતંકવાદીઓમાંથી એક લશ્કર એ તૈયબાનો કમાન્ડર પણ સામેલ હતો.
જમ્મુ-કાશ્મીરની સરહદે પાકિસ્તાની સૈન્ય છેલ્લા કેટલાક કલાકથી સતત યુદ્ધ વિરામનો ભંગ કરે છે ત્યારે સુરક્ષા દળોએ હાઈએલર્ટ જાહેર કર્યો છે. જો કે, ગુપ્તચર સંસ્થાએ આપેલા અહેવાલ મુજબ આતંકવાદીઓ સક્રિય હોવાનું જણાવાયું હતું. ભારતના તહેવાર ઉપર શસ્ત્ર વિરામનો ભંગ કરી પાકિસ્તાને સતત ફાયરીંગ શ‚ રાખ્યું હતું. જાન્યુઆરીથી લઈ અત્યાર સુધીમાં પાકિસ્તાને કુલ ૧૧૦ વખત સીઝ ફાયરનો ભંગ કર્યો છે. ૨૦૧૮ના વર્ષ દરમિયાન પણ આતંકવાદીઓ બેફામ બન્યા હતા. ત્યારે આ વર્ષે છેલ્લા ૧૫ વર્ષમાં સૌથી મોટુ સીઝ ફાયર ઉલ્લંઘન થયું હતું.