સૌરાષ્ટ્રમાં સતત છઠ્ઠા દિવસે પણ મેઘમહેર ચાલુ: જામજોધપુરમાં ૪, કલ્યાણપુરમાં 3 ઈંચદ્વારકા, ભાણવડ, માળીયામાં ૨ ઈંચ વરસાદ: ગુજરાતના તમામ ૩૩ જિલ્લાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ગુરુવારે સતત ચોથા દિવસે મેઘમહેર યથાવત રહેવા પામી હતી. ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે ગુરુવારે વેરાવળમાં ૭ ઈંચ, કોડીનારમાં ૬ ઈંચ, સુત્રાપાડામાં ૫ ઈંચ જેટલો વરસાદ વરસી જતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય જવા પામી હતી. આજે સવારથી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘાડંબર છવાયેલો છે. આગામી ચાર દિવસ રાજયમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.
સ્ટેટ કંટ્રોલ‚મના સુત્રોના જણાવ્યા અનુસાર આજે સવારે પુરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજયના તમામ ૩૩ જિલ્લામાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. સૌથી વધુ વરસાદ ગીર-સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકામાં ૧૬૯ મીમી પડયો છે. જુલાઈ માસમાં જ ગુજરાતમાં ચોમાસાની સીઝનનો ૪૫.૯૦ ટકા જેટલો વરસાદ પડી ગયો છે. સૌરાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર-સોમનાથ સહિતના જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. દરિયાકાંઠા વિસ્તારમાં વરસાદનું જોર વધું રહ્યું છે. જામનગર જિલ્લાના જામજોધપુરમાં ૧૦૮મીમી, કાલાવડમાં ૩૦ મીમી, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં ૪૨ મીમી, દ્વારકામાં ૫૦ મીમી, કલ્યાણપુરમાં ૮૬ મીમી, ખંભાળિયામાં ૧૫ મીમી, પોરબંદરના કુતિયાણામાં ૬૩ મીમી, પોરબંદર શહેરમાં ૪૪ મીમી, રાણાવાવમાં ૩૧ મીમી, જુનાગઢ જિલ્લાના માળિયા હાટીનામાં ૪૪ મીમી, માંગરોળમાં ૨૨ મીમી, વંથલીમાં ૪૦ મીમી, ગીર-સોમનાથ જિલ્લાના ગીરગઢડામાં ૩૩ મીમી, કોડીનારમાં ૧૫૦ મીમી, સુત્રાપાડામાં ૧૨૧ મીમી, તાલાલામાં ૮૦ મીમી, ઉનામાં ૩૨ મીમી, વેરાવળમાં ૧૬૯મીમી વરસાદ પડયો હોવાનું નોંધાયું છે.
આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ મેઘમહેર યથાવત રહેવા પામી છે. તાપી જિલ્લાના નિઝારમાં ૭૨ મીમી, વાલોડમાં ૨૦ મીમી, વ્યારામાં ૨૯ મીમી, સુરત શહેરમાં ૨૭ મીમી, નવસારી જિલ્લાના ચીખલીમાં ૨૮ મીમી, ગણદેવીમાં ૨૪ મીમી, જલ્લાપુરમાં ૩૦ મીમી અને નવસારીમાં ૨૧ મીમી, વલસાડ જિલ્લાના ઉમરગામમાં ૧૨૮ મીમી, વાપીમાં ૬૬ મીમી વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત કચ્છ અને નોર્થ ગુજરાતમાં પણ મેઘમહેર યથાવત રહેવા પામી હતી. કચ્છ અને ઉતર ગુજરાતમાં હળવા ઝાપટાથી લઈ ૩ ઈંચ સુધી વરસાદ પડયો હોવાનું નોંધાયું છે.
વેરાવળમાં ગુરુવારે રાત્રે અઢી કલાકમાં અનરાધાર ૭ ઈંચ વરસાદ વરસી જતા જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ સર્જાયું હતું. આજે સવારથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં મેઘાડંબર છવાયો હોય મેઘરાજા ગમે ત્યારે તુટી પડે તેવો માહોલ જોવા મળી રહ્યો છે.