મેઘરાજાનો પુછડીયો પ્રહાર: કપરાડામાં ૩ ઈંચ, ગણદેવી, ચિખલીમાં અઢી ઈંચ, વલસાડ, ધરમપુર, સુબીર અને પારડીમાં ૨ ઈંચ ખાબકયો: સૌરાષ્ટ્રના ગીર-સોમનાથ જિલ્લામાં પણ હળવાથી મધ્યમ ઝાપટા
ગુજરાત સહિત સમગ્ર દેશમાં નૈઋત્યનું ચોમાસુ વિદાય લઈ રહ્યું છે. ત્યારે મેઘરાજાએ પુછડીયો પ્રહાર કર્યો હોય તેમ છેલ્લા ૨૪ કલાક દરમિયાન વલસાડ જિલ્લાના ઉમર ગામમાં અનરાધાર ૭ ઈંચ જેટલો વરસાદ વરસી જતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ જવા પામી હતી. સૌરાષ્ટ્રના ગીર-સોમનાથ જિલ્લામાં પણ હળવાથી મધ્યમ ઝાપટા પડયા હતા. આજે સવારથી જ સર્વત્ર વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સુત્રોના જણાવ્યાનુસાર આજે સવારે પુરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન ગુજરાતમાં ૬ જિલ્લાના ૨૨ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના ઉમર ગામમાં ૧૬૬ મીમી પડયો હોવાનું નોંધાયું છે. રાજયમાં ચાલુ સાલ ચોમાસાની સીઝનમાં આજ સુધીમાં ૧૧૦.૧૯ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. આજે સવારે પુરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના ધરમપુરમાં ૪૭ મીમી, કપરાડામાં ૭૩ મીમી, પારડીમાં ૪૬ મીમી, ઉમરગામમાં ૧૬૬ મીમી, વલસાડમાં ૪૯ મીમી અને વાપીમાં ૨૭ મીમી વરસાદ પડયો છે. નવસારી જિલ્લાના ચિખલીમાં ૫૯ મીમી, ગણદેવીમાં ૬૧ મીમી, જલાલપોરમાં ૪ મીમી, ખેર ગામમાં ૨૮ મીમી અને વાસંદામાં ૪૫ મીમી જયારે ડાંગ જિલ્લાના સુબીરમાં ૪૭ મીમી અને ડાંગ આહવામાં ૧૧ મીમી વરસાદ પડયો છે. તાપી જિલ્લાના ડોલવાણમાં ૧૭ મીમી વરસાદ વરસ્યો હોવાનું નોંધાયું છે.
આ ઉપરાંત દક્ષિણ જિલ્લાના અનેક તાલુકાઓમાં સામાન્ય ઝાપટા પડયા છે. સૌરાષ્ટ્રમાં એક માત્ર ગિર-સોમનાથ જિલ્લામાં હળવાથી મધ્યમ ઝાપટા પડયા હતા. જેમાં ગીર-ગઢડા તાલુકામાં ૯ મીમી એટલે કે અડર્ધા ઈંચથી થોડો વરસાદ વરસ્યો છે. આજે સવારથી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ગઈકાલે અચાનક પડેલા મુશળધાર વરસાદની સીસ્ટમના કારણે દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસ્યો હોવાનું મનાઈ રહ્યું છે.
ચાલુ સાલ ચોમાસાની સીઝનમાં આજ સુધીમાં કચ્છ રીજીયનમાં ૧૧૫.૪૫ ટકા, ઉત્તર ગુજરાત રીજીયનમાં ૧૪૪.૨૧ ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૮૮.૯૭ ટકા, સૌરાષ્ટ્ર રીજીયનમાં ૧૧૫.૯૫ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૧૧૦.૧૯ ટકા વરસાદ વરસ્યો છે. સમગ્ર રાજયમાં સરેરાશ ૧૧૦.૧૯ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. આગામી પાંચ દિવસ સુધી રાજયમાં વરસાદની સંભાવના ખૂબ નહીંવત છે. હાલ નૈઋત્યનું ચોમાસું વિદાય લઈ રહ્યું છે અને મૌસમી પવનો પાછા ફરી રહ્યાં છે ત્યારે વરસાદનો સંભવત આ અંતિમ રાઉન્ડ હોવાનું મનાઈ રહ્યું છે.