ઉમંગ, ડીજી લોકર, આધાર મિત્ર, કોરોના હેલ્પડેસ્ક સહિતની એપ્લિકેશનમાં સુવિધા ઉપલબ્ધ
ભારત સરકારે વોટ્સએપ પર શરૂ કરેલી એક હેલ્પલાઇન વાસ્તવમાં એક ચેટબોટ છે. અત્યાર સુધીમાં ત્રણેક કરોડથી વધુ લોકો તેની સાથે મેસેજિંગ કરી ચૂક્યા છે.ચેટબોટ શું છે એની વાત કરતાં પહેલાં તેની જરૂર કેમ છે એની વાત કરીએ. ચેટબોટ શબ્દની રીતે સમજીએ તો જેમાં ટેક્સ્ટની આપલે થઈ શકે તેવા કોઈ પણ ઇન્ટરનેટ પ્રોગ્રામમાં, આપણી સાથે વાતચીત કરી શકે તેવો રોબોટ એટલે ચેટબોટ.ટેકનિકલી જોઈએ તો ચેટબોટ એક જાતના કમ્પ્યૂટર પ્રોગ્રામ જ છે. ચેટબોટ સામાન્ય રીતે બે પ્રકારના હોઈ શકે છે, એક, જે નિશ્ચિત નિયમોને આધારે ચાલે અને પૂછવામાં આવેલી માહિતીના જવાબમાં તેને અગાઉથી મળેલી માહિતી તે પૂરી પાડે.
બીજા પ્રકારના ચેટબોટ એઆઇ, નેચરલ લેંગ્વેજ લર્નિંગ અને મશીન લર્નિંગ જેવી આધુનિક ટેકનોલોજીથી સજ્જ હોય છે. આવા ચેટબોટ જુદી જુદી કેટલીયે જાતની સર્વિસ પૂરી પાડી શકે છે. નિશ્ચિત નિયમોને આધારે ચાલતા ચેટબોટ પ્રમાણમાં મર્યાદિત સવાલોના જવાબ આપી શકે છે. તે તેના પ્રોગ્રામિંગમાં સામેલ ન હોય એવા સવાલો પૂછવામાં આવે ત્યારે આપણને જોઈતી માહિતી પૂરી પાડી શકતા નથી. જ્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી ચાલતા ચેટબોટ્સ આપણે કંઈક પૂછીએ ત્યારે તેના સીધા અર્થ ઉપરાંત તેના સંદર્ભને આધારે ઘણું વધુ સમજી શકે છે.
આવા બોટ્સ સાથે આપણે જેમ વધુ સંવાદ કરતા જઈએ તેમ એ વધુ સ્માર્ટ બનતા જાય છે. ચેટબોટની અસરકારકતાને ધ્યાને લઇ સરકાર દ્વારા નિર્મિત તેની 7 એપ્લિકેસનોમાં આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને સ્થાન આપવમાં આવ્યું છે. જો 7 એપ્લિકેસનોની વાત કરીએ તો તે, ઉમંગ, ડીજી લોકર, આધાર મિત્ર, કોરોના હેલ્પડેસ્ક, પાઈ એનપીસીઆઈ ચેટબોટ, દિશામાં આનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેથી લોકોને ખુબજ સરળતા રહે. અને તેઓ તેમની જરૂરી માહિતી એકત્રિત કરી શકે.