એંકરેજમાં ભૂકંપને કારણે અનેક ઈમારતો અને વૃક્ષો જમીન દોસ્ત, જમીન ફાટવાના વિનાશક દ્રશ્યો સર્જાયા
અલાસ્કાના સૌથી મોટા વેપારનું શહેર ગણાતા એંકરેજમાં ૭ની તિવ્રતાનો ભૂકંપ નોંધાતા શહેરની ઈમારતો, કોમર્શીયલ બિલ્ડીંગો, વૃક્ષો તેમજ રોડ રસ્તા હચમચી ઉઠયા હતા તો કેટલાક રોડ-રસ્તાઓમાં રીતસર ધરતી ફાટી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. સવારે ૮:૨૯ કલાકે નોંધાયેલા ભૂકંપની અસર ૧૩ કિ.મી. સુધી હોવાના રિપોર્ટ આવ્યા હતા. શહેર પોલીસ વિભાગે કહ્યું કે, એંકરેજમાં મોટા ભાગની બિલ્ડીંગો અને કેટલાક મકાનોમાં ભારે નુકશાન થયું છે તો ભૂકંપને કારણે કેટલાક રોડ-રસ્તા અને બ્રિજને પણ નુકશાન થયું હતું.
ભૂકંપ બાદ યુએસ સુનામી વોર્નિંગ સીસ્ટમની બુલેટીનમાં કહેવાયું હતું કે, ઉત્તરી અમેરિકામાં તેમજ કેનેડાના દરિયાઈ વિસ્તારોમાં મહાકાય સુનામી ત્રાટકવાની શકયતાઓ છે. જો કે, થોડા સમય બાદ ચેવતણી કેન્દ્રએ કહ્યું હતું કે, પ્રશાંત મહાસાગરના હવાઈ દ્વિપ ઉપર કોઈ ખતરો નથી.
એંકરેજના સ્થાનિકોએ વિનાશ વેરતા ભૂકંપની તસ્વીરો ટ્વીટર મારફતે શેયર કરી હતી. નેચરલ ગેસ કંપનીઓએ પણ લોકોને ગેસ લીકેજ અંગેની ચેતવણી આપી હતી. કેટલાક ઘરોમાં વીજળી સુવિધાઓ ખોરવાઈ હતી. શિક્ષણ બોર્ડે પણ તમામ શાળા-કોલેજોમાં રજા જાહેર કરી હતી. પરંતુ સ્થાનિકોનું કહેવું છે કે, આઠ વર્ષમાં આ ભૂકંપ ખરેખર વિનાશક રૂપમાં એંકરેજમાં આવ્યો હતો.