- નર્મદા નદીમાં નૌકા વિહાર કરતા એક જ પરિવારના પાંચ વ્યક્તિઓ ઉંડા પાણીમાં ગરક થઇ જતાં મોતને ભેટ્યા
- સુરતના સુંવાલી દરિયામાં ન્હાવા પડેલા પાંચ યુવાનો ડુબી જતા બે મૃતદેહ મળ્યા: એકને બચાવી લેવાયો: બેની ભાળ મેળવવા તપાસ
કોરોના કાળના કારણે છેલ્લા બે વર્ષથી સહેલાણીઓ હરવા ફરવાથી વંચિત રહ્યા બાદ ઉનાળું વેકેશનમાં હરવા ફરવાના સ્થળો પર સહેલાણીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. ગઇકાલે રવિવાર હોવાથી નર્મદા નદીમાં નવકા વિહાર કરવા ગયેલા પરિવારની બોટ ઉંધી વળી જતા સર્જાયોલી દુર્ઘટનામાં પાંચ વ્યક્તિના મૃતદેહ મળ્યા છે. જ્યારે સુરતના સુંવાલી દરિયામાં ન્હાવા પડેલા પાંચ મિત્રો ઉંડા પાણીમાં ગરક થઇ ગયા હતા તરવૈયાઓએ બે મૃતદેહ બહાર કાઢયા હતા અને એક યુવાનને બચાવી લીધા હતા. તેમજ બે યુવક લાપતા હોવાથી તેની શોધખોળ કરવામાં આવી છે.
ભરૂચ જિલ્લાના જોલવા ગામના જનકસિંહ બળવંતસિંહ પરમાર (ઉ.વ.35), જીગનીશાબેન જનકસિંહ પરમાર (ઉ.વ.32), પુર્વરાજસિંહ જનકસિંહ પરમાર (ઉ.વ.8), વિરપાલસિંહ પરબતસિંહ ચૌહાણ (ઉ.વ.27) અને ખુશીબેન ઉર્ફે સંગીતાબેન વિરપાલસિંહ ચૌહાણ (ઉ.વ.24) ગઇકાલે રવિવાર હોવાથી નર્મદા જિલ્લાના નાદોદ તાલુકાના માંડણ ગામે કુદરતી સૌદર્ય નિહાળવા માટે સહપરિવાર ગયા હતા. માંડણ નદીમાં નવકા વિહાર માટે બોટ લઇને જાતે જ સવારી કરી હતી. દરમિયાન બોટ ઉંડા પાણીમાં ઉંધી વળી જતા એક જ પરિવારની પાંચ વ્યક્તિઓ પાણીમાં ગરક થઇ ગયા હતા.
નર્મદાની માંડણ નદીમાં બોટ ઉંધી વળી જતા સર્જાયેલી દુર્ધટનામાં જનકસિંહ પરમાર, જીગનીશાબેન પરમાર, પુર્વરાજસિંહ પરમાર, વિરપાલસિંહ ચૌહાણના મૃતદેહ મળી આવ્યા હતા. જ્યારે ખુશીબેન ઉર્ફે સંગીતાબેન વિરપાલસિંહ ચૌહાણ નામની મહિલાનો મૃતદેહ સ્થાનિક તરવૈયા અને ફાયર બ્રિગેડના જવાનો દ્વારા નદીના ઉંડા પાણીમાં બહાર કાઢી પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.
જયારે સુરતના સુંવાલી દરિયા કિનારે ગઇકાલે રવિવાર હોવાથી મોટી સંખ્યામાં સહેલાણીઓ મોજ મસ્તી કરવા ઉમટી પડયા હતા. ભટાર વિસ્તારના આઝાદનગર અને ઇચ્છાપુર વિસ્તારના પાંચ યુવાનો દરિયામાં ન્હાવા પડયા હતા. એક સાથે પાંચેય યુવાનો ઉંડા પાણીમાં ડુબતા ઉપસ્તિત વ્યક્તિઓએ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડ જવાનોએ રેસ્કયુ ઓપરેશન કરી એક યુવાનને જીવિત બચાવી લીધો હતો. અને એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. આજે વહેલી સવારે વધુ એક યુવાનનો મૃતદેહ મળી આવ્યા હતો. પાંચ પૈકી હજી બે યુવાનની ભાળ મળી ન હોવાથી તરવૈયાઓએ દરિયામાં લાપતા બંને યુવાનની શોધખોળ કરી રહ્યા છે.
ફાયર બ્રિગેડના તરવૈયાઓ આઝાદનગરના વિક્રમ દિલીપ સાલવે નામના યુવાનને રેસ્કયુ ઓપરેશન કરી જીવિત બચાવી લીધો હતો. આઝાદનગરના ઝુપડપટ્ટીના સાગર પ્રકાર નામના 23 વર્ષના યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. ઇચ્છાપુર વિસ્તારના ક્રિષ્નાનગર સોસાયટીમાં રહેતા સચિનકુમરા જાતવ (ઉ.વ.22), આઝાદનગરમાં રહેતા શ્યામ સંજય સાઉદકર અને અકબર યુસુફ શેખની શોધખોળ કરી હતી દરમિયાન એક યુવાનનો આજે વહેલી સવારે મૃતદેહ મળી આવ્યો હતો.
નર્મદા નદીમાં એક જ પરિવારની પાંચ વ્યક્તિઓ ડુબી જતા પાંચેયના મોત નીપજ્યા હતા જ્યારે સુરતના પાંચ યુવાન ઉંડા પાણીમાં ગરક થતા ત્રણના મોત નીપજ્યા છે અને બે યુવાનની શોધખોળ કરવામાં આવી રહી છે.