પશુઓ માટે પશુ દીઠ બે કિલો રોજનો ઘાસચારો આપવામાં આવશે ખેડૂત માટે હાલ કોઈ સરકાર દ્વારા યોજના કરવામાં આવી નથી
સુરેન્દ્રનગર જિલ્લામાં આ વર્ષે માત્ર ૪૨ ટકા જ વરસાદ થયો છે. નહીવત વરસાદ થતા ખેતી અને પશુપાલન ક્ષેત્રે ખાસ કરીને વધુ માર પડતા દુષ્કાળગ્રસ્ત જાહેર કરી સરકારી સહાય આપવા ખેડૂતો અને પશુપાલકોની માંગ હતી. આથી રાજય સરકારે ગત માસે રાજયના ૫૧ તાલુકાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા હતા. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના લખતર, ધ્રાંગધ્રા, થાન, મૂળી, દસાડા, સાયલા અને લીંબડી તાલુકાનો પણ સમાવેશ કરાયો છે. દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયા બાદ ખાનગી પશુપાલકો અને માલધારીઓને પશુઓના નીભાવ માટે તથા રજીસ્ટર્ડ પાંજરાપોળ અને ગૌશાળા માટે સરકારે મળતી સહાયની તા. ૧ ડિસેમ્બરના રોજ જાહેરાત કરી છે. જેમાં પશુપાલકોને વધુમાં વધુ પાંચ પશુઓ માટે એક પશુ દીઠ ચાર કિલો ઘાસ રૂપીયા ૨ પ્રતિ કિલોના ભાવે આપવામાં આવશે. આ ઉપરાંત પાંજરાપોળ અને ગૌશાળાને પશુ દિઠ પ્રતિદિન રૂપિયા ૨૫ની રોકડ સહાય આપવામાં આવનાર છે. ખેતી ક્ષેત્રે માર સહન કરી રહેલા ખેડૂતો માટે હજુ સુધી કોઇ જાહેરાત ન થતા ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઇ છે. ખેડૂત મહાવીરભાઇ કમેઝળીયાએ જણાવ્યુ કે, અપૂરતા વરસાદને લીધે ખેડૂતોના પાક પણ બળી ગયા છે. પશુના આહાર માટે જેમ સરકારે જાહેરાત કરી તેમ ખેડૂતોને ગયેલા નુકશાનનું પણ વળતર આપવુ જોઇએ.