ઉત્તરાખંડના નૈનીતાલમાં રવિવારે રાત્રે એક સ્કૂલ બસ 100 મીટર ઊંડી ખીણમાં પડી હતી. આ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે, જ્યારે 24 લોકો ઘાયલ થયા છે. તમામ ઘાયલોને હલ્દવાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતકોમાં 5 મહિલા સ્ટાફ અને એક બાળકનો પણ સમાવેશ થાય છે.
હરિયાણાના 32 શિક્ષકો સ્કૂલ બસમાં નૈનિતાલ ફરવા આવ્યા હતા, ફરીને પરત જતી વેળાએ સર્જાયો અકસ્માત
નૈનીતાલમાં શાળાના શિક્ષકોથી ભરેલી બસ ખાઈમાં પડી જવાના સમાચાર છે. બસમાં 32 લોકો મુસાફરી કરી રહ્યા હતા. આ શિક્ષક હરિયાણાના હિસારથી નૈનીતાલ ફરવા આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે આ અકસ્માત કાલાધુંગી રોડ પર નલ્ની પાસે રાત્રે 8 વાગ્યે થયો હતો. હરિયાણાના હિસારના શાહપુર ગામમાં આવેલી ન્યૂ માનવ ઈન્ટરનેશનલ સ્કૂલના 32 લોકો શનિવારે નૈનીતાલ આવ્યા હતા અને રવિવારે ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે બસ કાબુ બહાર જઈને ખાડામાં પડી હતી.
અહેવાલ મુજબ, અકસ્માતની માહિતી મળતાં જ પોલીસ અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તેઓ દોરડાની મદદથી ખાઈમાં ઉતર્યા અને ઘાયલોને બચાવ્યા. તેમજ મૃતકોના મૃતદેહને બહાર કાઢ્યા હતા. આ ઉપરાંત જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા તે તમામને તુરંત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.