• દોષિતોને શા માટે સજા ન ફટકારાય?
  • ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્ય પોલીસવડા વિકાસ સહાય કરશે આકરી પૂછપરછ

રાજકોટમાં બનેલી અગ્નિકાંડની ગોઝારી ઘટનામાં ફક્ત ગેમઝોન સંચાલકો જ નહિ પરંતુ તંત્રમાં બેઠેલા અધિકારીઓ અને નરોવા કુંજરવા બનેલા પદાધિકારીઓ પણ એટલા જ જવાબદાર છે તે દિશામાં હવે તપાસનો દોર આગળ વધી રહ્યો છે. તપાસનો રેલો અઢળક અધિકારીઓ અને ઢગલો પદાધિકારીઓ સુધી પહોંચી ગયાનું જાણવા મળી રહ્યું છે. આજે સસ્પેન્ડ કરાયેલા સાત અધિકારીઓ અને બદલી પામેલા ચાર અધિકારીઓની ગાંધીનગર ખાતે ગૃહ વિભાગ પૂછપરછ કરનાર છે. આ પૂછપરછ માટે આખેઆખી પ્રશ્નાવલી તૈયાર કરવામાં આવી હોય તેવી માહિતી વચ્ચે ઉલ્લેખનીય બાબત છે કે, કોર્પોરેશને જે રીતે આખેઆખા ગેમઝોન પર બુલડોઝર ફેરવી દેતાં પુરાવાનો નાશ થઇ જતાં ગૃહ વિભાગ ખૂટતી કડીઓ મેળવવાનો પ્રયાસ કરશે. સાથોસાથ અધિકારીઓને તેમના બચાવ કંઈ કહેવા માંગે છે કે કેમ? આ તમામ ઘટનાક્રમ આજે ડીજીપી ઓફિસ ખાતે બનવા જઈ રહ્યો છે.

પ્રાપ્ત વિગત અનુસાર અગ્નિકાંડની ઘટનામાં મનપાના વોર્ડ નંબર 10ના એટીપી, એન્જીનિયર, માર્ગ અને મકાન વિભાગના ડેપ્યુટી એન્જીનીયર અને બે પીઆઈ સહીત કુલ સાત અધિકારીઓને તાત્કાલિક અસરથી બરતરફ કરી દેવાયા હતા. સાથોસાથ સોમવારની સમીસાંજે મ્યુનિસિપલ કમિશ્નર આનંદ પટેલ, પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ, એડિશનલ સિપી વિધિ ચૌધરી, ડીસીપી ઝોન-2 સુધીર દેસાઈની બદલી કરીને વેઇટિંગ ફોર પોસ્ટિંગમાં મૂકી દેવાયા છે. ત્યારે એક બાબત તો સ્પષ્ટ થઇ ગઈ છે કે, ઘટનામાં ક્યાંક આ અધિકારીઓની સંડોવણી કે બેપરવાહી કે લાપરવાહી હતી તેવું ફલિત થયું હતું.

હવે આ સસ્પેન્ડેડ અને બદલી પામેલા અધિકારીઓને ડીજીપી ઓફિસનું તેડું મળ્યું છે અને આજે આ તમામ અધિકારીઓ ડીજીપી ઓફિસ ખાતે હાજર રહેનાર છે. આ અધિકારીઓની વિશેષ પૂછપરછ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ડીજીપી વિકાસ સહાય બંને સાથે કરનાર છે. અધિકારીઓની પૂછપરછ કરવા માટે વિશેષ પ્રશ્નાવલી તૈયાર કરવામાં આવી છે. ત્યારે આ અધિકારીઓને શું પ્રશ્નો પૂછવામાં આવશે તે અને શા માટે આ અધિકારીઓને તેડું મોકલવામાં આવ્યું છે? આ બાબત અત્યંત ચર્ચાસ્પદ બની છે.

મળતી માહિતી મુજબ ઘટના બન્યા બાદ કોર્પોરેશને જે રીતે તાત્કાલિક ગેમઝોનના માંચડા પર બુલડોઝર ફેરવી દેતાં પુરાવાનો નાશ થઇ જતાં હવે પુરાવા ફક્ત પૂછપરછમાં જ મળી શકે તેમ છે. અધૂરામાં પૂરું આ પ્રકારની તપાસમાં માહિર આઈપીએસ સુભાષ ત્રિવેદીની વડપણ હેઠળની એસઆઈટીએ તેના પ્રાથમિક રિપોર્ટમાં અનેક ઘટસ્ફોટ કર્યાના અહેવાલ છે. ત્યારે હવે આ દિશામાં પુરાવા મેળવવા માટે આ તમામ અધિકારીઓની પૂછપરછમાં ખૂટતી કડી મેળવવામાં માટે ગૃહ વિભાગ પ્રયત્ન કરનારી છે.

સાથોસાથ આ અધિકારીઓને તેમનો બચાવ રજૂ કરવા માટે પણ ક્યાંક તક આપવામાં આવે તેવું સૂત્રો જણાવી રહ્યા છે. આજે આ તમામ અધિકારીઓને સાંભળ્યા બાદ કોઈ મોટા પગલાં લેવાય તેવી પણ માહિતી મળી રહી છે.

ગેમઝોન ખાતે ’ફોટા’ પડાવનાર અધિકારીઓને પણ તેડું

ટીઆરપી ગેમઝોન ખાતે જન્મદિવસની ઉજવણી માટે એકત્ર થઈને ફોટા પડાવનાર અધિકારીઓને પણ એસઆઈટીએ તેડું મોકલ્યાના અહેવાલ મળી રહ્યા છે. પૂર્વકાળમાં જેઓ રાજકોટ ખાતે કલેક્ટર, મ્યુ. કમિશ્નર, પોલીસ અધિક્ષક, ડીસીપી તરીકે ફરજ બજાવનાર અરુણ મહેશ બાબુ, અમિત અરોરા, બલરામ મિણા, પ્રવીણ મિણાને પણ એસઆઈટીએ પૂછપરછ માટે તેડાવી લીધા છે. જ્યાં તેઓ પોતે જ ઉજવણી કરવા ગયાં હતા તે આખેઆખો માંચડો ગેરકાયદે હતો, ફાયરની એનઓસી પણ ન હતી તેમ છતાં આ અધિકારીઓએ કેમ કોઈ કાર્યવાહી કરી નહીં? આ દિશામાં અધિકારીઓની પૂછપરછ કરવામાં આવશે.

ભ્રષ્ટ અધિકારીઓ સીઆઈડી ક્રાઇમ, પોલીસ અને એસીબીની ત્રિ-સ્તરીય તપાસના ઘેરામાં

જે રીતે અગ્નિકાંડની ઘટનામાં તાત્કાલિક અસરથી સાત અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તે બાદ તમામ મુદ્દે તપાસ શરૂ કરવામાં આવી છે. આ તપાસમાં અગાઉ પોલીસની સાથે સીઆઈડી ક્રાઇમે ઝુકાવ્યા બાદ હવે એસીબીની ટીમો પણ તપાસમાં જોડાઈ છે અને ભ્રષ્ટ અધિકારીઓની કુંડળી મંગાવતા અનેક અધિકારીઓનો પરસેવો છૂટી ગયો છે. અધિકારીઓની ગેરકાયદે મિલ્કત, બેંક બેલેન્સ સહીતની વિગતો પણ તપાસવામાં આવનાર છે.

ચીફ ફાયર ઓફિસર ખેરને સીઆઈડી ક્રાઇમનું તેડું

રાજકોટ મનપાના ટીપીઓ એમ ડી સાગઠીયાને ચાલુ બેઠકમાંથી ક્રાઇમ બ્રાન્ચે ઉઠાવી લીધા બાદ ડેપ્યુટી ફાયર ઓફિસર બી જે ઠેબાને પણ ક્રાઇમ બ્રાન્ચે તેડું મોકલ્યું હતું. હવે આ ઘટનાક્રમ બાદ ચીફ ફાયર ઓફિસર આઈ વી ખેરને પણ સીઆઈડી ક્રાઇમે તેડું મોકલ્યાનું સામે આવ્યું છે. આજે આઈ વી ખેર સીઆઈડી ક્રાઇમ સમક્ષ હાજર રહેનાર છે. આજે સવારે 10:30 વાગ્યાથી તેમની પૂછપરછ શરૂ થનાર છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.