આજે રાજકોટના જુદા-જુદા પાંચ સ્થળોએ ૭.૮ની તીવ્રતાવાળો ભુંકપ આવ્યો હતો. જો કે આ ભુંકપ માત્રને માત્ર સરકારી તંત્ર વાહકોએ જ અનુભવ્યો હતો. સરકારના જુદા-જુદા વિભાગોને કાર્યક્ષમતા ચકાશવા માટે ડીઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા જો ભુંકપનો તી્રવ આચંકો આવે તો લોકોને બચાવ રાહત કામગીરી કરવા તંત્ર સક્ષમ છે કે કેમ તેની ચકાસણી માટે મોકડ્રીલ યોજવામાં આવી હતી. જોકે ગઇકાલે મોકડ્રીલનું પેપર ફુટી જતાં આજે સવારથી જ ફાયર બ્રિગેડ, મનપા, જીઇબી, પોલીસ, સહિતના વિભાગો સતર્ક બની ગયા હતા. અને સવારથી સ્ટેન્ડબાય રહ્યાં છે.
પ્રાપ્ત વિગત મુજબ રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં કુદરતી આપદા વ્યયસ્થાપન સંદર્ભે ઇમરજન્સી રીસ્પોન્સની ચકાસણી માટે મોકડ્રીલ યોજી જુદા-જુદા વિભાગોને ક્ષમતાની ચકાસણી કરવા નક્કી કર્યુ છે. જે અન્વયે ગઇકાલે ડીઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ ગાંધીનગર દ્વારા રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્ર સાથે વિડિયો કોન્ફરન્સ યોજી ભુંકપ સંદર્ભે મોકડ્રીલ કરવા સુચના આપી હતી. જે અન્વયે આજે રાજકોટ શહેરના જુદા-જુદા પાંચ સ્થળોએ મોકડ્રીલ યોજવામાં આવી હતી. જેમાં રાજકોટ -ભાવનગર હાઇવે પર આવેલ આર.કે. યુનિવર્સિટી, માધાપર નજીક આવેલ આઇ.ઓ.સી. ડેપો, જૂની કલેક્ટર કચેરી અને આર વર્લ્ડ સિનેમા સહિતના સ્થળોએ ૭.૮ની તીવ્રતાનો ભુંકપ આવ્યો હોય તેવો માહોલ ઉભો કરી જુદા-જુદા વિભાગો કેટલા સમયમાં બચાવ રાહત માટે પહોંચે છે. તેની ક્ષમતા ચકાસવામાં આવી હતી.
આશ્ર્ચર્યજનક બાબત એ છે કે મોકડ્રીલ જેવી કવાયત અંત્યત ગોપનીય રાખવામાં આવતી હોવાં છતાં ગઇકાલે મોકડ્રીલનું પેપર ફૂટી ગયું હતું. જેને કારણે આજે વહેલી સવારથી જ ફાયર બ્રિગેડ, જીઇબી, આર.એન્ડ.બી., ૧૦૮, પોલીસ સહિતના વિભાગો સતર્ક બની અને જ્યાં મોકડ્રીલ યોજનાર હતી તેવાં સ્થળોની નજીકમાં જ ડેરા તંબુ ગાળી મોકડ્રીલના કોલની રાહ જોતાં જોવા મળ્યાં હતાં.
આ સંજોગોમાં આજે રાજકોટમાં ભુંકપ સંદર્ભે યોજાયેલી મોકડ્રીલ ફારસરુપ અને હાસીને પાત્ર બની હોવાનું સ્પષ્ટ બન્યું હતું.